RBI MPC Meeting Repo Rate: રેપો રેટ ૫.૨૫% પર યથાવત રાખીને RBI એ મોંઘવારી સામે સુરક્ષિત દાવ ખેલ્યો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

Arati Parmar
4 Min Read

RBI MPC Meeting Repo Rate: ભારતીય રિઝર્વ બેંકે આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરતા તેને 5.25 ટકા પર યથાવત રાખ્યો છે. રિઝર્વ બેંકના ગવર્નરે આ અંગેની જાહેરાત કરી હતી. તેમની અધ્યક્ષતામાં છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક સોમવારે શરૂ થઈ હતી. RBI MPCની આ બેઠક એવા સમયે યોજાઈ છે જ્યારે પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમા પર છે, ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા છે અને રૂપિયામાં ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં અપેક્ષા છે કે RBI આ વખતે રેપો રેટ 5.25 ટકા પર સ્થિર રાખશે.

RBIએ ફેબ્રુઆરી 2025થી અત્યાર સુધીમાં દરોમાં કુલ 125 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. 2019 પછી પ્રથમ વખત રિઝર્વ બેંકે આટલી ઝડપથી દરો નીચે લાવ્યા છે. ફેબ્રુઆરી 2026માં મળેલી અગાઉની બેઠકમાં રિઝર્વ બેંકે દરો સ્થિર રાખ્યા હતા જેથી અગાઉ થયેલા ઘટાડાનું મૂલ્યાંકન કરી શકાય. આ પહેલા ડિસેમ્બર 2025માં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

- Advertisement -

GDP ગ્રોથ કેટલો રહેશે?

RBIને આશા હતી કે નાણાકીય વર્ષ 2027માં આર્થિક પ્રવૃત્તિઓ સારી જળવાઈ રહેશે. કેન્દ્રીય બેંકે Q1FY27 માટે GDP વૃદ્ધિનો અંદાજ 6.7 ટકાથી વધારીને 6.9 ટકા કર્યો છે, જ્યારે Q2FY27 માટે GDP ગ્રોથનો અંદાજ અગાઉના 6.8 ટકાથી વધારીને 7 ટકા કર્યો છે. ફેબ્રુઆરીની પોલિસીમાં MPC એ Q1FY27 માટે ફુગાવાનો અંદાજ પણ વધારીને 4.0 ટકા કર્યો અને Q2FY27 માટે ફુગાવાનો અંદાજ 4.2 ટકા કર્યો. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આ દરમિયાન એવું પણ જણાવ્યું હતું કે ગ્રીનફિલ્ડ FDI પ્રોજેક્ટ્સ માટે ભારત એક આકર્ષક સ્થળ બની રહ્યું છે.

રેપો રેટ શું છે?

રેપો રેટ એ વ્યાજનો દર છે કે જેના પર દેશની કેન્દ્રીય બેંક કોમર્શિયલ બેંકોને ધિરાણ આપે છે. હકીકતમાં, જ્યારે પણ બેંકો પાસે ફંડની અછત હોય છે, ત્યારે તેઓ તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે RBI પાસેથી નાણાં ઉધાર લે છે. આ ઉધાર પર તેમણે જે વ્યાજ ચૂકવવું પડે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. બજારમાં મોંઘવારી વધવા પર રિઝર્વ બેંક રેપો રેટ વધારી દે છે. આનાથી બેંકો માટે લોન મોંઘી થાય છે અને તેઓ ગ્રાહકો માટે લોનના દરો વધારી દે છે. લોન મોંઘી થશે તો લોકો ખર્ચ ઓછો કરશે. આનાથી મોંઘવારી પર કાબૂ મેળવવામાં મદદ મળે છે.

- Advertisement -

આનાથી વિપરીત, જ્યારે અર્થતંત્ર સુસ્ત પડે છે ત્યારે RBI રેપો રેટ ઘટાડી દે છે જેથી લોકોને સસ્તી લોન મળી શકે અને બજારમાં ખરીદીને વેગ મળે તથા વધુમાં વધુ રોકાણ થાય.

રેપો રેટનો EMI સાથે કનેક્શન

બેંકો રેપો રેટના આધારે જ લેન્ડિંગ રેટ નક્કી કરે છે. જો બેંકોને RBI પાસેથી સસ્તું ફંડ મળે છે, તો બેંકો પણ તેમના ફ્લોટિંગ રેટ લોન પર વ્યાજના દરો ઘટાડી દે છે. જો તમારી લોન ફ્લોટિંગ રેટ અથવા રેપો-લિંક્ડ છે, તો બેંક વ્યાજ દર ઘટાડે છે, જેનાથી લોન પર તમારી EMI કાં તો ઓછી થઈ જાય છે અથવા લોનનો સમયગાળો (ટેન્યોર) ઘટી શકે છે.

- Advertisement -

બીજી તરફ, જ્યારે રેપો રેટ વધે છે ત્યારે બેંકો માટે લોન લેવી મોંઘી થઈ જાય છે અને તેનો બોજ ગ્રાહકો પર નાખવામાં આવે છે. આનાથી લોન પર EMI પણ વધી જાય છે. આ વખતે રેપો રેટ સ્થિર રાખવાનો અર્થ એ છે કે તમારી હાલની બેંક, હોમ કે કાર લોન પર જેટલી EMI ચાલી રહી હતી તેટલી જ ચાલશે. આમાં રાહતની અત્યારે કોઈ શક્યતા નથી.

Share This Article