Income Tax and Donation News: IT રિટર્નમાં રાજકીય ડોનેશન બતાવ્યું હોય તો 31 માર્ચ 2025 પહેલાં સુધારો

Arati Parmar
2 Min Read

Income Tax and Donation News: રાજકીય ડોનેશન્સ બતાવીને આવકવેરામાં ખોટી રીતે બાદ લેનારાઓને આવકવેરા ખાતાએ ગુજરાત સહિત દેશભરમાં નોટિસો પાઠવવા માંડી છે. આ કરદાતાઓએ આવકવેરા ધારાની કલમ 80જીજીસી હેઠળ પોલીટિકલ ડોનેશનની રકમ બાદ લીધી હોવાથી તેમને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસમાં કરદાતાના રિટર્નમાં કોઈ અનિયમિતતા રહી ગઈ હોય તો તે અનિયમિતતા 31મી માર્ચ 2025 સુધીમાં સુધારી લેવા જણાવવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ આકારણી વર્ષના રિટર્નમાં પોલિટિકલ ડોનેશન બાદ લીધું હોય તેવા કરદાતાઓને આ નોટિસ આપવામાં આવી છે.

છેલ્લા ત્રણ આકારણી વર્ષમાં રાજકીય ડોનેશન આપી રિટર્નમાં દર્શાવ્યું હોય તો ચોકસાઈ કરવા ચેતવણી

- Advertisement -

કરદાતાઓએ તેમના રિટર્નમાં રૂ.1.50 લાખ, રૂ. 5 લાખ, 10 લાખ કે તેનાથી વધુ રકમના પોલિટીકલ ડોનેશન આપીને તે રકમ આવકવેરામાંથી બાદ લીધી છે. તેથી કરદાતાઓને નોટિસ આપવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 90,000થી વધુ કરદાતાઓએ તેમના રિટર્નમાંથી પોલિટીકલ ડોનેશનનો લાભ જતો કરીને તેના પર ભરવાપાત્ર વેરો જમા કરાવી દીધો છે. આ રીતે તેમણે અંદાજે રૂ. 1075 કરોડના રાજકીય ડોનેશનો રદ કરાવ્યા છે.

- Advertisement -

આવકવેરા ખાતાની નોટિસમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે તમે આવકવેરા ધારાની કલમ 80 જીજીસી હેઠળ રાજકીય ડોનેશનની રકમ બાદ લીધી હોય તો તમારું રિટર્ન ચોકસાઈ પૂર્ણ અને કાયદેસરનું છે કે નહિ તેની ચકાસણી કરી લેજો.

આવકવેરાના જાણકાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરણ શાહનું કહેવું છે કે આવકવેરાના રિટર્નમાં પોલિટીકલ ડોનેશન બતાવીને તે આવકમાંથી બાદ મેળવવા માટેનો ક્લેઈમ મૂકનારા કરદાતાઓના રિટર્નની ચકાસણી વધુ ચુસ્ત રીતે કરવામાં આવી રહી હોવાનો નિર્દેશ ઉપરોક્ત નોટિસો પરથી મળી રહ્યો છે.

- Advertisement -

ત્રણેક વર્ષ પહેલા ગુજરાતમાં પોલિટીકલ ડોનેશન આપીને રિટર્નમાં ડોનેશનની રકમ બાદ મેળવનારા સંખ્યાબંધ કરદાતાઓ પર દરોડા પણ પાડવામાં આવ્યા હતા અને તેમને નોટિસો પણ આપવામાં આવી છે.

Share This Article