Iran Israel War Fertilizer Supply: ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે વિશ્વભરમાં ક્રૂડ ઓઈલ અને ગેસની વધતી કિંમતોને લઈને ચર્ચા છે. યુદ્ધને કારણે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) દ્વારા આવતા ક્રૂડ ઓઈલના સપ્લાય પર મોટી અસર પડી છે. કાચા તેલની કિંમતો વધવા લાગી છે અને શિપિંગ પણ પ્રભાવિત થયું છે. બીજી તરફ, નિષ્ણાતો અન્ય એક બાબતને મોટો ખતરો માની રહ્યા છે.
નિષ્ણાતોના મતે અસલી અને લાંબા ગાળાનો ખતરો તેલ કે ગેસ નહીં પરંતુ ખાતર (Fertilizer) છે. જાણકારો મુજબ, યુદ્ધના કારણે ખાતરનો સપ્લાય ખોરવાતા મોટું સંકટ આવી શકે છે. આનાથી આગામી મહિનાઓમાં ખાદ્ય ઉત્પાદન ઘટવાની અને મોંઘવારી વધવાની આશંકા છે. ભારત પર પણ આની અસર જોવા મળશે, કારણ કે ભારત મોટી માત્રામાં ફર્ટિલાઈઝરની આયાત કરે છે.
ખાડી ક્ષેત્ર ફર્ટિલાઈઝર સપ્લાયનું મોટું કેન્દ્ર
વેસ્ટ એશિયાના અનેક દેશો જેમ કે સાઉદી અરેબિયા, કતાર, ઓમાન અને યુએઈ દુનિયામાં યુરિયા, સલ્ફર અને એમોનિયાના મોટા સપ્લાયર છે.
ઈરાન પોતે એમોનિયાનો વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક છે, જે પાક માટે જરૂરી પોષક તત્વોના ઉત્પાદનમાં વપરાય છે.
કૃષિ પર સીધી અસર
જો ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ અનેક મહિનાઓ સુધી ચાલે છે તો ખાડી ક્ષેત્રમાં ફર્ટિલાઈઝર ઉત્પાદન અને શિપમેન્ટ બંને પ્રભાવિત થઈ શકે છે. આની અસર સીધી વૈશ્વિક કૃષિ પર પડશે, ખાસ કરીને એવા સમયે જ્યારે ખેડૂતો નવા પાકની વાવણીની તૈયારી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આગામી મહિનાઓમાં ખાદ્ય ઉત્પાદન ઘટી શકે છે.
યુદ્ધથી બજારમાં હલચલ
મિડલ ઈસ્ટમાં યુરિયાની કિંમતોમાં તીવ્ર વધારો થયો છે.
યુરોપમાં એમોનિયાની કિંમત અંદાજે 725 ડોલર પ્રતિ ટન પહોંચી ગઈ છે.
અનેક પ્લાન્ટમાં પ્રોડક્શન ઘટ્યું છે અને શિપિંગ રૂટ અસ્થિર બન્યા છે.
રશિયા અને ચીન તરફથી પણ નબળા સમાચાર
રશિયા દુનિયાનો સૌથી મોટો ફર્ટિલાઈઝર નિકાસકાર છે, પરંતુ નિષ્ણાતો મુજબ તે મિડલ ઈસ્ટની અછતને સંપૂર્ણપણે પૂરી કરી શકે તેમ નથી કારણ કે તેની ઉત્પાદન ક્ષમતા મર્યાદિત છે. આ ઉપરાંત ચીનના ફોસ્ફેટ નિકાસ પરના પ્રતિબંધ અને કતારમાં સલ્ફર ઉત્પાદન ઓછું થવાથી વૈશ્વિક સપ્લાય વધુ કડક બની ગયો છે.
ભારતની આયાત કેટલી?
ભારત દર મહિને અંદાજે 20 લાખ ટન ફર્ટિલાઈઝર આયાત કરે છે.
મ્યુરેટ ઓફ પોટાશ (MOP) માટે ભારત લગભગ 100% આયાત પર નિર્ભર છે.
DAP માટે ભારત લગભગ 60% આયાત પર નિર્ભર છે.
વધી જશે ખાદ્ય સંકટ
વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ, વૈશ્વિક પાક ઉત્પાદનનો મોટો હિસ્સો નાઇટ્રોજન અને ફોસ્ફેટ આધારિત ફર્ટિલાઈઝર પર નિર્ભર છે. જો હોર્મુઝના માર્ગે સપ્લાય લાંબા સમય સુધી અવરોધાય તો ખેડૂતો ઓછું ખાતર વાપરશે અથવા ઓછું ઉત્પાદન આપતા પાક ઉગાડશે. આની અસર થોડા મહિના પછી મોંઘા ખાદ્ય પદાર્થો તરીકે સામે આવશે. એટલે કે, ફર્ટિલાઈઝર સપ્લાય ખોરવાતા દુનિયામાં ખાદ્ય સંકટ અને મોંઘવારી વધવાનો ખતરો રહેશે.
ભારત પર શું અસર?
ભારત સરકાર દ્વારા 2024-25 માં ફર્ટિલાઈઝર સબસિડી પર અંદાજે 1.9 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. જો વૈશ્વિક કિંમતો વધે છે તો આ ખર્ચ વધુ વધી શકે છે. નિષ્ણાતો મુજબ, મિડલ ઈસ્ટનો સપ્લાય ખોરવાતા યુરિયાની કિંમત 30 થી 40% સુધી વધી શકે છે, જે ખેડૂતોની લાગત અને સરકારની સબસિડી બંને પર દબાણ લાવશે.

