કચ્છમાં મ્યુ. ફંડનું રોકાણ કરોડોને પાર
ભુજ, તા. 11 : ભારતીય શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડની માર્કેટ છેલ્લા કેટલાક સમયથી તેજીની પાંખે સવાર થઈને ઉડાન ભરી રહી છે. શેરોના સોદા અને રોકાણમાં અગાઉ જ સારું નામ ધરાવતા કચ્છમાં પણ મ્યુચ્યુઅલ ફંડની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) એટલે કે કુલ રોકાણ (અને તેનું બજાર મૂલ્ય) રૂા. 61પ0 કરોડ સુધી પહોંચી ગયું છે, તો મધ્યમ વર્ગ જેમાં વિશેષ રોકાણ કરી રહ્યો છે એ સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી)માં કચ્છમાં રોકાણ અને મૂલ્ય રૂા. 1030 કરોડને પાર કરી ગયા છે. એક તરફ દેશનું અર્થતંત્ર સારી સ્થિતિમાં છે તો બીજી તરફ પોસ્ટની નાની બચતોના ઘટેલા વ્યાજદર અને રિઅલ એસ્ટેટમાં ઠહરાવ જેવા માહોલને પગલે ખમતીધર લોકોની સાથે મધ્યમ વર્ગના રોકાણનો પણ મોટો પ્રવાહ છેલ્લા કેટલાક સમયથી મ્યુચ્યુઅલ ફંડ તરફ વળી રહ્યો છે અને શેરબજારે પણ તેજીના ઝળાહળા સાથે રોકાણકારોને નિરાશ કર્યા નથી.

કચ્છમાં પણ મ્યુચ્યુઅલ ફંડની મોટી કહેવાય તેવી એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, યુટીઆઈ, બિરલા, કોટક, એક્સિસ, એસબીઆઈ, નિપ્પોન સહિતની મહત્ત્વની લગભગ તમામ એસેટ મેનેજમેન્ટ કંપની (એએમસી)ની ઓફિસ સ્વરૂપે હાજરી છે. શેરબજારે પણ રોકાણકારોને નિરાશ કર્યા નથી અને સેન્સેક્સ 80,000ને તો નિફ્ટી પણ 24,પ00ને પાર કરી ગયા છે. એક તરફ સત્તાવાર રીતે રોકાણ વધ્યું છે, તો બીજી તરફ કચ્છમાં ડબ્બા ટ્રેડિંગથી શેરોના બિનઅધિકૃત સોદાનો ખેલ પણ જારી છે અને માહિતગારોના અંદાજ મુજબ સત્તાવાર તેમજ બિનસત્તાવાર રીતે કચ્છમાં શેરોનો રોજનો કારોબાર લગભગ રૂા. 200 કરોડે પહોંચે છે. ગુજરાતમાં એક વર્ષ પહેલાં એયુએમ રૂા. 1.76 લાખ કરોડ હતું, જેમાં સીધો એક લાખ કરોડ રૂપિયાનો વધારો થઈ ગયો છે, તો દેશના એસઆઈપીના ઈનફ્લોમાં સાત ટકા ગુજરાતના છે. એ જ રીતે કચ્છમાં પણ 2023-24ના નાણાકીય વર્ષમાં અગાઉની તુલનાએ મ્યુચ્યુઅલ ફંડનાં રોકાણમાં 16 ટકાનો નોંધપાત્ર વધારો થયો હતો. અનુભવી શેરનિષ્ણાત એવા રેલીટ્રેડના અશોક સંઘવી કહે છે કે, કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી મ્યુચ્યુઅલ ફંડ અને ખાસ કરીને એસઆઈપીનું ચલણ બહુ વધ્યું છે.
રિટર્ન સારું છે, તેમ ભવિષ્યની રીતે પણ તે બહુ અસરકારક રોકાણ માધ્યમ છે. ભારતનું અર્થતંત્ર બહુ સારી ગતિએ આગળ વધી રહ્યું છે અને સ્થાનિકેથી પણ રોકાણનો બહુ મોટો પ્રવાહ આવી રહ્યો છે. એસઆઈપીમાં મધ્યમ વર્ગની તાકાત દેખાઈ રહી છે. જો કે, જેમને રાતોરાત લાખોપતિ કે કરોડપતિ થઈ જવું છે તેમને ખોટ જવાની શક્યતા છે, પણ લાંબાગાળાનું વિચારીને રોકાણ કરનારાઓ માટે સારું છે. ઉદ્ગમ એસોસીએટ્સના પ્રવર્ષ શુક્લા કહે છે કે, હવે તો ભારતમાંથી જ એટલું રોકાણ થાય છે કે એફઆઈઆઈ રૂપિયા પાછા ઉપાડે તો પણ બહુ ખોટી અસર થતી નથી. 2020માં કોરોનાની પહેલી લહેર બાદથી કચ્છમાં મ્યુચ્યુઅલ ફંડમાં, ખાસ કરીને એસઆઈપીમાં રોકાણનું પ્રમાણ વધ્યું છે. એસઆઈપી દ્વારા નિવૃત્તિના પ્લાન અને બાળકોના ઉચ્ચ ભણતર માટેનું પણ સારું પ્લાનિંગ કરી શકાય છે. માધાપરના રોકાણના સલાહકાર ચેતન ગાંધી કહે છે કે, 25થી 40 વર્ષના યુવાઓ તો મોટેભાગે મ્યુચ્યુઅલ ફંડમાં જ રોકાણ કરે છે. લોકોમાં જાગૃતિ વધી છે, પણ માત્ર ભૂતકાળના રિટર્નને જોઇને રોકાણ કરવું હિતાવહ નથી. બધાં પાસાં જોઇને રોકાણ કરવું જોઇએ અને મૂલ્ય ઘટે ત્યારે ગભરાઇને વેચવાલીથી દૂર રહેવું જોઇએ. જાણીતા નાણાકીય સલાહકાર કીર્તિભાઈ વરસાણી કહે છે કે, મધ્યમ વર્ગમાં ખાસ કરીને એસઆઈપીનું ચલણ સારું વધ્યું છે. જે લોકો ટૂંકાગાળાના નફાને બદલે લાંબાગાળાના વળતરને ધ્યાનમાં રાખીને રોકાણ કરે છે તેમને સારો ફાયદો થાય છે. મ્યુચ્યુઅલ ફંડમાં સારું રિટર્ન છે, પણ મોટી વયના લોકો થોડાં નાણાં બેન્કમાં રાખે અને થોડાં નાણાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકે એ બહેતર છે.
કચ્છમાં હવે યુવતીઓ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે, એટલું જ નહીં પણ તેઓ ડિમેટ એકાઉન્ટ ખોલાવીને આઈપીઓ ભરતી પણ થઈ ગઈ છે. એક તરફ મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઇપીમાં સત્તાવાર રોકાણ વધ્યું છે, તો બીજી તરફ કચ્છમાં આજે પણ?શેરોના ડબ્બા ટ્રેડિંગનો મોટો ખેલ જારી જ છે. જાણકાર સૂત્રો કહે છે કે, અગાઉ જેમ ડબ્બા એટલે કે તેના બોલ્ટ હતા તેને બદલે હવે ખેલીઓને એક આઇડી દઇ દેવાય છે અને સ્માર્ટફોનમાં જ ગેરકાયદે સોદા થતા હોય છે. ભુજમાં મોટેભાગે નિફ્ટીમાં આ ડબ્બા ટ્રેડિંગ વધુ થતું હોય છે અને રોજના લગભગ રૂા. 200 કરોડના લે-વેચના સોદા પડતા હોય છે. જેમની પાસે `વ્હાઇટ’ની મૂડી ન હોય તેવા લોકો ડબ્બા ટ્રેડિંગ કરતા હોય છે અને ડબ્બાવાળાઓ 400થી 500 પોઇન્ટનો ગાળો રાખીને પોતાની કમાણી કરતા હોય છે. સત્તાવાર રીતે થતા સોદામાં જેમ નિફ્ટી કે જે-તે કંપની-ક્રિપ્ટના ચોક્કસ અંક હોય તેને બદલે ડબ્બા ટ્રેડિંગમાં એક `રફ ક્વોટેશન’ હોય અને તેના મુજબ રમવાનું હોય. ભુજ અને ગાંધીધામના અમુક ખમતીધર લોકો રોજના કરોડોના સોદા આ રીતે કરતા હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળે છે. ભુજના નિષ્ણાત ધીરલ શાહ કહે છે કે, છેલ્લા કેટલાક સમયથી એસઆઇપીમાં રોકાણ વધ્યું છે. એકલા ગુજરાતમાં જ એક વર્ષમાં રૂા. 1200 કરોડનો એસઆઇપીનો ઇનફ્લો જોવા મળ્યો છે. હવે તો મહિલાઓમાં પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની જાગૃતિ વધી છે.

