ટેકઓવર ફાઇનાન્સિંગના નિયમો સરળ થતાં SBI સક્રિય, અધિગ્રહણ સોદાઓમાં બેંકો આપી શકશે 75% સુધી ફંડિંગ
RBI Takeover Financing Rules: RBIએ ટેકઓવર ફાઇનાન્સિંગના નિયમો સરળ બનાવ્યા છે. આને લગતા નવા નિયમો 1 જુલાઈથી અમલમાં આવી ચૂક્યા છે. ત્યારથી ભારતીય બેંકોએ એક ડઝનથી વધુ મર્જર એન્ડ એક્વિઝિશન સોદાઓ માટે ₹10,000 કરોડથી વધુનું ફંડિંગ આપ્યું છે. ઉદ્યોગના અંદાજો અનુસાર, અધિગ્રહણ-ફાઇનાન્સિંગનું સંભવિત બજાર આશરે ₹2 લાખ કરોડનું છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતમાં M&A સોદાઓનું વાર્ષિક મૂલ્ય સરેરાશ 50 અબજ ડૉલર રહ્યું છે. પરંતુ સ્થાનિક બેંકોના ફંડિંગ પર લાગેલાં નિયંત્રણોને કારણે, આ ફંડિંગના મોટા ભાગ પર વિદેશી બેંકો, પ્રાઇવેટ ક્રેડિટ ફંડ્સ અને કંપનીઓનાં પોતાનાં આંતરિક સંસાધનોનું વર્ચસ્વ હતું.
RBIના નવા નિયમો હેઠળ સ્થાનિક બેંકો હવે કોઈ અધિગ્રહણના સ્વતંત્ર મૂલ્યાંકનના 75% સુધી ફાઇનાન્સ કરી શકે છે. તેમાં લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓનાં અધિગ્રહણનો સમાવેશ થાય છે. જોકે, આ માટે ધિરાણ લેનારની પાત્રતા, લીવરેજ અને જોખમ વ્યવસ્થાપન સાથે જોડાયેલા નિર્ધારિત નિયમોનું પાલન કરવું જરૂરી છે. અગાઉ આ સેવા ક્ષેત્રમાં વિદેશી બેંકો સૌથી આગળ હતી, કારણ કે સ્થાનિક બેંકો પર ફાઇનાન્સિંગને લઈને કેટલાક નિયંત્રણો હતાં.
SBI સૌથી આગળ
બેંકરોનું કહેવું છે કે વિવિધ ક્ષેત્રોમાં તેની માગ વધી રહી છે અને બેંકો સોદાની કુલ કિંમતના 75% સુધી ફાઇનાન્સ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશની સૌથી મોટી સરકારી બેંક SBI આ મામલે સૌથી સક્રિય રહી છે. બેંકે આશરે એક ડઝન સોદાઓમાં ભાગ લીધો છે. તેમાંથી કેટલાક પૂર્ણ થઈ ચૂક્યા છે અને કેટલાક હજુ અલગ-અલગ તબક્કામાં છે.
સૂત્રોએ જણાવ્યું કે HDFC બેંક, કોટક મહિન્દ્રા બેંક, ICICI બેંક, એક્સિસ બેંક અને RBL બેંક જેવી સ્થાનિક બેંકોની સાથે HSBC, સિટીબેંક, MUFG અને બાર્કલેઝ જેવી વિદેશી બેંકોએ પણ તાજેતરના મહિનાઓમાં અધિગ્રહણ-ફાઇનાન્સિંગના સોદાઓમાં ભાગ લીધો છે. આ ઊભરતો વ્યવસાય ભારતીય બેંકો માટે ધિરાણ આપવાની મોટી તક છે.
ફાઇનાન્સિંગ કેવી રીતે થાય છે?
કોટક મહિન્દ્રા બેંકમાં કોર્પોરેટ અને ટ્રાન્ઝેક્શન બેંકિંગનાં વડા અનુ અગ્રવાલે કહ્યું, “અધિગ્રહણ-ફાઇનાન્સિંગની માગ વધી રહી છે. જુલાઈ પછીથી વિવિધ બેંકો સાથે એક ડઝનથી વધુ સોદાઓ પૂર્ણ કરવામાં આવ્યા છે. સોદાના કદના આધારે, કોટક મહિન્દ્રા બેંક કાં તો પોતાની બેલેન્સ શીટમાંથી સંપૂર્ણ ફંડિંગ કરે છે અથવા અમે તેને અન્ડરરાઇટ અને સિન્ડિકેટ કરીએ છીએ.”
સૂત્રોના જણાવ્યા અનુસાર, બેંકો દ્વારા ફાઇનાન્સ કરવામાં આવેલા મોટા M&A સોદાઓમાં ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શન દ્વારા FMC કોર્પોરેશનના ભારતીય વ્યવસાયનું ₹2,268 કરોડમાં અધિગ્રહણ, વારી રિન્યુએબલ ટેક્નોલોજીસ દ્વારા એસોસિયેટેડ પાવર સ્ટ્રક્ચર્સમાં 55% હિસ્સાનું ₹1,225 કરોડમાં અધિગ્રહણ અને ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સ સાથે સંકળાયેલું અધિગ્રહણ ફાઇનાન્સિંગ સામેલ છે.

