Retail Inflation In April 2025: ખાદ્ય ચીજોના ભાવોમાં ઘટાડો નોંધાતા રિટેલ મોંઘવારી એપ્રિલમાં ઘટી 3.16 ટકા સાથે છ વર્ષના તળિયે નોંધાઈ છે. સતત ત્રીજા મહિને રિટેલ મોંઘવારી આરબીઆઈના લક્ષ્યાંક 4 ટકાના દરની અંદર નોંધાઈ છે. સરકાર દ્વારા સત્તાવાર જારી આંકડાઓ અનુસાર, માર્ચ, 2025ની તુલનાએ એપ્રિલ, 2025માં રિટેલ મોંઘવારી 18 બેઝિસ પોઈન્ટ ઘટી જુલાઈ, 2019ના સૌથી નીચા તળિયે પહોંચી છે. ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર ફૂડ પ્રાઈસ ઈન્ડેક્સ (CFPI) એપ્રિલ, 2025માં 1.78 ટકા નોંધાયો છે. ગ્રામીણની 1.85 ટકાની તુલનાએ શહેરોમાં 1.64 ટકા સાથે ખાદ્ય ચીજોનો રિટેલ ફુગાવો નીચો રહ્યો હતો.
ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડાની અસર
ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડાની અસર જોવા મળી હતી. એપ્રિલમાં ખાદ્ય ચીજોમાં મોંઘવારી 1.78 ટકા નોંધાઈ છે. જે માર્ચમાં 2.69 ટકાની તુલનાએ 91 બેઝિસ પોઈન્ટ ઘટી છે. આ સાથે ખાદ્ય ચીજોના ભાવ ઓક્ટોબર, 2021 બાદથી સૌથી નીચા નોંધાયા છે. શાકભાજી, કઠોળ, ફળો, અનાજ, પર્સનલ કેર ચીજવસ્તુઓના ભાવમાં નોંધનીય ઘટાડો જોવા મળ્યો છે.
હાઉસિંગ ફુગાવો 3 ટકા પર સ્થિર
હાઉસિંગ સેક્ટરમાં ફુગાવો એપ્રિલ, 2025માં 3 ટકાના દરે સ્થિર રહ્યો છે. જે માર્ચમાં 3.03 ટકા હતો. શિક્ષણ ક્ષેત્રે ફુગાવો 4.13 ટકા નોંધાયો હતો. જે માર્ચમાં 3.98 ટકા હતો. આરોગ્ય ક્ષેત્રે ફુગાવો 4.25 ટકાના દરે સ્થિર રહ્યો છે.
આ ક્ષેત્રે મોંઘવારી વધી
ઉલ્લેખનીય છે, ઈંધણ અને વીજ ક્ષેત્રે મોંઘવારીનો દર માસિક ધોરણે વધ્યો છે. જે માર્ચમાં 1.42 ટકા સામે વધી એપ્રિલ, 2025માં 2.92 ટકા થયો છે. પરિવહન અને કોમ્યુનિકેશન ક્ષેત્રે ફુગાવો એપ્રિલમાં 3.73 ટકા નોંધાયો છે. જે માર્ચમાં 3.36 ટકા સામે નજીવી વૃદ્ધિ દર્શાવે છે.
છેલ્લા છ માસમાં રિટેલ ફુગાવો સતત ઘટ્યો
માસ | રિટેલ ફુગાવો |
ઓક્ટોબર | 6.21 ટકા |
નવેમ્બર | 5.48 ટકા |
ડિસેમ્બર | 5.22 ટકા |
જાન્યુઆરી | 4.31 ટકા |
ફેબ્રુઆરી | 3.61 ટકા |
માર્ચ | 3.34 ટકા |
એપ્રિલ | 3.16 ટકા |