Stock Market Down: શેરબજારમાં ગઈકાલે રેકોર્ડ 3000 પોઈન્ટના ઉછાળા બાદ આજે 900થી વધુ પોઈન્ટનું કરેક્શન જોવા મળ્યું હતું. આ કરેક્શન પાછળનું કારણ પ્રોફિટ બુકિંગ છે. સેન્સેક્સ આજે 200 પોઈન્ટના ઘટાડે ખૂલ્યા બાદ 142.91 પોઈન્ટ ઉછળ્યો હતો. જો કે, બાદમાં 964.1 પોઈન્ટ તૂટી 81468.82 થયો હતો. 10.34 વાગ્યે 954.41 પોઈન્ટના કડાકે 81475.49 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
સેન્સેક્સ પેકમાં સામેલ 30 પૈકી માત્ર પાંચ શેર સન ફાર્મા, બજાજ ફાઈનાન્સ, ટેક્ મહિન્દ્રા, એસબીઆઈ, ટાઈટનના શેર્સ નજીવા સુધારા (1 ટકા સુધી) પર કારોબાર થઈ રહ્યા હતા. જ્યારે અન્ય 25માં 3 ટકા સુધીનું કરેક્શન નોંધાયું હતું. ઈન્ફોસિસ 2.72 ટકા, એટરનલ 2.46 ટકા, એચસીએલ ટેક 1.98 ટકા, પાવર ગ્રીડ 1.88 ટકા અને કોટક બેન્ક 1.73 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.
નિફ્ટી50માં 200 પોઈન્ટનું ગાબડું
નિફ્ટી50 આજે 269 પોઈન્ટ તૂટી 24700નું ટેક્નિકલ લેવલ તોડ્યું હતું. જે 10.30 વાગ્યે 248.80 પોઈન્ટના ઘટાડે 24675.90 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેન્ક નિફ્ટી પણ 337.30 પોઈન્ટના ઘટાડે ટ્રેડેડ હતો.
માર્કેટ બ્રેડ્થ સુધારા તરફી
બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3673 પૈકી 2484માં સુધારો અને 995માં ઘટાડો જોવા મળ્યો હતો. 188 શેરમાં અપર સર્કિટ વાગી હતી. જ્યારે 50 શેર વર્ષની ટોચે પહોંચ્યા હતા. એકંદરે માર્કેટ બ્રેડ્થ સુધારા તરફી જણાઈ રહી છે. ગઈકાલે નોંધાયેલા મોટા ઉછાળાના કારણે આજે પ્રોફિટ બુકિંગ થતાં કરેક્શન આવ્યું છે.
ગઈકાલે વિદેશી રોકાણકારોએ 1246 કરોડની ખરીદી નોંધાવી હતી. જ્યારે ડીઆઈઆઈ પણ રૂ. 1448 કરોડના લેવાલ રહ્યા હતાં. ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ તેમજ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉરનો ઉકેલ લાવતી ટ્રેડ ડીલના કારણે શેરબજારમાં ઓવરઓલ સેન્ટિમેન્ટ સુધર્યા છે.