Stock Market Closing Bell: શેરબજારમાં ગઈકાલે નોંધાયેલા રૅકોર્ડ ઉછાળા બાદ આજે પ્રોફિટ બુકિંગ નોંધાતા હેવી કરેક્શન નોંધાયુ હતું. સેન્સેક્સમાં ગઈકાલે નોંધાયેલા 3000 પોઇન્ટના ઉછાળા સામે આજે 1300થી વધુ પોઇન્ટનું કરેક્શન નોંધાયુ હતું. સેન્સેક્સ 1281.68 પોઇન્ટ ગગડી 81148.22 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકના 30 પૈકી પાંચ શેર નજીવા સુધારા સાથે બંધ રહ્યા હતા. જ્યારે અન્ય 25માં 4 ટકા સુધીનું ગાબડું નોંધાયુ હતું.
નિફ્ટીએ 24750નું લેવલ તોડ્યું
નિફ્ટી50 ગઈકાલે 25000 લેવલ નજીક પહોંચ્યા બાદ આજે 400 પોઇન્ટ સુધી ગગડ્યો હતો. નિફ્ટી50એ તેજી માટે અત્યંત મહત્ત્વનું 24750નું સર્પોર્ટિંગ લેવલ ગુમાવ્યું હતું. અંતે 346.35 પોઇન્ટ તૂટી 24578.35 પર બંધ રહ્યો હતો. બૅન્ક નિફ્ટી પણ 442 પોઇન્ટના કડાકે બંધ રહ્યો હતો. શેરબજારમાં આજે નોંધાયેલું કરેક્શન પ્રોફિટ બુકિંગના કારણે જ નોંધાયું હોવાનું માર્કેટ નિષ્ણાતોએ જણાવ્યું છે.
આઇટી-એફએમસીજીમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ
સેક્ટોરલ ઇન્ડેક્સમાં આજે આઇટી, એફએમસીજી, પાવર, ટૅક્નોલૉજી શેર્સમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ નોંધાયુ હતું. ઇન્ફોસિસ 3.54 ટકા, એચસીએલ ટેક 2.94 ટકા, ટીસીએસ 2.88 ટકાના કડાકો બોલાતાં આઇટી ઇન્ડેક્સ 2.21 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. એફએમસીજી 1.07 ટકા, પાવર ઇન્ડેક્સ 1.00 ટકા ઘટાડે બંધ રહ્યો હતો.
324માં અપર સર્કિટ
બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 4101 શેર પૈકી 2563માં સુધારો અને 1399 ઘટાડે બંધ રહ્યા હતા. 324 શેરમાં અપર સર્કિટ વાગી હતી. જ્યારે 167 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. 76 શેર વર્ષની ટોચે, જ્યારે 30 શેર વર્ષના તળિયે પહોંચી ગયા હતા. આજે શેરબજારમાં નોંધાયેલા હેવી કરેક્શનની સ્મોલકેપ અને મીડકેપ પર કોઈ ખાસ અસર જોવા મળી નથી. મીડકેપ ઇન્ડેક્સ 0.17 ટકા અને સ્મોલકેપ 0.99 ટકા સુધારા સાથે બંધ રહ્યા હતા.
ગઈકાલે નોંધાયેલા રૅકોર્ડ ઉછાળા બાદ આજે રોકાણકારોએ પ્રોફિટ બુક કર્યો હતો. ટ્રેડવોર અને ભારત-પાકિસ્તાન તણાવ દૂર થવા સહિત વૈશ્વિક અને સ્થાનિક સ્તરે પડકારો ઘટતાં શેરબજારને ટેકો મળ્યો છે. આજે મુખ્યત્વે લાર્જકેપમાં કોન્સોલિડેશન જોવા મળ્યું હતું. મીડકેપ અને સ્મોલકેપ તેજીના પાટા પર હતા. સારું ચોમાસુ રહેવાનો અંદાજ, ફુગાવો-વ્યાજના દરમાં ઘટાડો, ચોથા ત્રિમાસિકના મજબૂત પરિણામો, સ્થાનિક વપરાશમાં વધારો તેમજ વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતોના પગલે શેરબજારમાં તેજીની કમબેકની શક્યતાઓ જિઓજિત ઈન્વેસ્ટમેન્ટના રિસર્ચ હેડ વિનોદ નાયરે વ્યક્ત કરી છે.