SIP 15-15-15 rule: SIP નો 15×15×15 નિયમ: શું ખરેખર ૧૫ વર્ષમાં બની શકાય કરોડપતિ? જાણો આ ગણિત પાછળનું અસલી સત્ય

Arati Parmar
4 Min Read

SIP 15-15-15 rule: આજના સમયમાં જ્યારે મોંઘવારી ઝડપથી વધી રહી છે, ત્યારે મોટાભાગના નોકરી કરતા લોકોનું સપનું હોય છે કે ભવિષ્ય માટે મોટું ફંડ તૈયાર કરી શકાય. આવી સ્થિતિમાં પર્સનલ ફાઇનાન્સની દુનિયામાં એક ફોર્મ્યુલા ખૂબ જ લોકપ્રિય થયો છે – 15×15×15 SIP નિયમ. કહેવાય છે કે જો કોઈ રોકાણકાર દર મહિને ₹15,000ની SIP કરે, 15 વર્ષ સુધી રોકાણ ચાલુ રાખે અને દર વર્ષે સરેરાશ 15% રિટર્ન મળે, તો લગભગ 1 કરોડ રૂપિયાનું ફંડ તૈયાર થઈ શકે છે.

આ સાંભળવામાં સરળ લાગે છે. ન વધારે ગણતરી, ન કોઈ જટિલ યોજના. પણ સવાલ એ છે કે શું આ નિયમ દરેક રોકાણકાર માટે વાસ્તવમાં કામ કરે છે?

- Advertisement -

15×15×15 નિયમ શું કહે છેઃ આ નિયમની 3 શરતો છે- (1). દર મહિને ₹15,000નું રોકાણ.(2) રોકાણની અવધિ 15 વર્ષ.(3) દર વર્ષે સરેરાશ 15% રિટર્ન.

કેલ્ક્યુલેટર પ્રમાણે આ ગણિત સાચું લાગે છે. 15 વર્ષમાં કુલ રોકાણ 27 લાખ રૂપિયા થાય છે અને જો 15% કમ્પાઉન્ડ રિટર્ન મળે, તો ફંડ લગભગ 1 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. સમસ્યા ત્યારે શરૂ થાય છે, જ્યારે આ ફોર્મ્યુલાને પ્રશ્ન કર્યા વિના સાચો માનવામાં આવે છે.

- Advertisement -

15% રિટર્ન માનવું સૌથી મોટું જોખમ- આ નિયમની સૌથી નબળી કડી છે દર વર્ષે 15% રિટર્નની ધારણા. શેરબજારમાં દર વર્ષે રિટર્ન એકસરખું નથી હોતું. ક્યારેક તેજી, તો ક્યારેક મંદી આવે છે. છેલ્લા ઘણા વર્ષોના આંકડાઓ બતાવે છે કે લાંબા ગાળામાં પણ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનું સરેરાશ રિટર્ન સામાન્ય રીતે 11%થી 13% વચ્ચે રહ્યું છે. 15% રિટર્ન કેટલાક વર્ષોમાં મળ્યું છે, પણ સતત 15 વર્ષ સુધી આવું થવું દુર્લભ છે. જો રોકાણકારને 15%ની જગ્યાએ 12% રિટર્ન મળે, તો 15 વર્ષ પછી ફંડ 1 કરોડ નહીં, પણ લગભગ 75 લાખ રૂપિયા જ બને છે. એટલે માત્ર અંદાજના કારણે 25 લાખ રૂપિયાનો તફાવત આવી જાય છે.

વધુ જોખમ લેવું એ ઉકેલ નથી- ઘણા રોકાણકારો વિચારે છે કે, જો લાર્જ કેપ અથવા મલ્ટી કેપ ફંડથી 15% રિટર્ન નથી મળતું, તો મિડ કેપ અથવા સ્મોલ કેપ ફંડમાં પૈસા મૂકી લક્ષ્ય હાંસલ કરી શકાય. હકીકતમાં, વધુ જોખમનો અર્થ હંમેશા વધુ રિટર્ન નથી થતું. મિડ કેપ અને સ્મોલ કેપ ફંડમાં ઉતાર-ચઢાવ વધારે હોય છે. ઘણીવાર લાંબા સમય સુધી રિટર્ન નબળું રહે છે અને ઘટાડો પણ વધુ હોય છે. આવી સ્થિતિમાં રોકાણકારો ગભરાઈને SIP બંધ કરી દે છે અથવા ફંડ બદલી દે છે. પરિણામે, શિસ્ત તૂટી જાય છે અને નુકસાનની શક્યતા વધી જાય છે.

- Advertisement -

મોંઘવારી 1 કરોડ રૂપિયાની વાસ્તવિક કિંમત ઘટાડે છે- માનો કે કોઈ રીતે 15 વર્ષ પછી તમારી પાસે 1 કરોડ રૂપિયાનું ફંડ તૈયાર થઈ ગયું. હવે સવાલ એ છે કે, એ પૈસાની ખરીદ શક્તિ કેટલી રહેશે? જો સરેરાશ 6% મોંઘવારી માનીએ, તો 15 વર્ષ પછી 1 કરોડ રૂપિયાની કિંમત આજના હિસાબે માત્ર લગભગ 42 લાખ રૂપિયા જેટલી જ રહેશે. એટલે જે રકમ આજે મોટી લાગે છે, એ ભવિષ્યમાં તમારી જરૂરિયાત માટે ઓછી પડી શકે છે. ઉપરાંત, ટેક્સ, વધતી જવાબદારીઓ અને બદલાતી લાઈફસ્ટાઈલ પણ આ રકમ પર અસર કરે છે.

તો શું 15×15×15 નિયમ બેકાર છે?- એવું નથી. આ નિયમ રોકાણની શરૂઆત કરવા અને SIPની શક્તિ સમજાવવા માટે સારો છે. એ બતાવે છે કે, સમય અને કમ્પાઉન્ડિંગ સાથે મોટું ફંડ કેવી રીતે બની શકે છે. પણ સમસ્યા ત્યારે થાય છે, જ્યારે તેને ફાઇનાન્સિયલ પ્લાન માનવામાં આવે છે. દરેક રોકાણકારની આવક, ખર્ચ, લક્ષ્ય અને જોખમ લેવાની ક્ષમતા અલગ હોય છે. એક જ ફોર્મ્યુલા બધાને લાગુ પડી શકે નહીં.

સારો રોકાણ પ્લાન શું હોઈ શકે?- રોકાણકારોએ રિટર્ન અંગે વાસ્તવિક અપેક્ષા રાખવી જોઈએ. લક્ષ્ય નક્કી કરતી વખતે મોંઘવારીનો અવશ્ય વિચાર કરો. પગાર વધે તેમ SIPની રકમ પણ વધારતા રહો અને કોઈ નિશ્ચિત આંકડાની જગ્યાએ તમારા જીવનલક્ષ્ય પ્રમાણે યોજના બનાવો.

Share This Article