HDFC Bank Share Price: શેરબજારમાં ઘટાડા વચ્ચે આજે એચડીએફસી બેંકના શેરમાં આશરે એક ટકાનો વધારો જોવા મળ્યો છે. દેશની સૌથી મોટી ખાનગી બેંકનું બોર્ડ શશિધર જગદીશનને મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ તરીકે ત્રીજો કાર્યકાળ આપી શકે છે. જગદીશનનો વર્તમાન કાર્યકાળ ઓક્ટોબરમાં પૂર્ણ થઈ રહ્યો છે. પૂર્વ ચેરમેન અતનુ ચક્રવર્તીએ રાજીનામામાં કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા, પરંતુ બાહ્ય લો ફર્મનું કહેવું છે કે તેમાં કોઈ તથ્ય નથી.
બેંક જગદીશનની પુનઃનિયુક્તિની પ્રક્રિયા ઔપચારિક રીતે શરૂ કરવા અને બોર્ડ માટે નવા નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પસંદ કરતા પહેલા લો ફર્મની રિપોર્ટની રાહ જોઈ રહી હતી. આરબીઆઈએ બેંકના વચગાળાના પાર્ટ-ટાઈમ ચેરમેન કેકી મિસ્ત્રીનો કાર્યકાળ ત્રણ મહિના વધારીને 18 સપ્ટેમ્બર સુધી કરવાની મંજૂરી આપી હતી.
શેરની ચાલ
એક અહેવાલ મુજબ બેંકની નોમિનેશન અને રેમ્યુનરેશન કમિટીએ ચેરમેન પદ માટે 5 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કર્યા છે. જેમાં આરબીઆઈના પૂર્વ ડેપ્યુટી ગવર્નર રાજેશ્વર રાવ પણ સામેલ છે. બોર્ડ મંજૂરી માટે ત્રણ ઉમેદવારોના નામ આરબીઆઈને મોકલશે. અતનુ ચક્રવર્તીએ 18 માર્ચના રોજ એચડીએફસી બેંકના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું. પોતાના રાજીનામામાં તેમણે કહ્યું કે છેલ્લા બે વર્ષમાં બેંકમાં જે કંઈ પણ થયું છે, તે તેમના વ્યક્તિગત મૂલ્યો અને નૈતિકતા સાથે મેળ ખાતું નથી.
26 જૂનના રોજ સ્ટોક એક્સચેન્જમાં આપવામાં આવેલી માહિતીમાં બેંકે જણાવ્યું કે બે લો ફર્મ દ્વારા કરવામાં આવેલી કાયદાકીય સમીક્ષામાં અતનુ ચક્રવર્તી દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર કોઈ નક્કર આધાર મળ્યો નથી. નિષ્ણાતોનું કહેવું છે કે લો ફર્મ દ્વારા ક્લીન ચિટ મળ્યા બાદ જગદીશનને ત્રણ વર્ષનો વધુ એક કાર્યકાળ મળવાની સંભાવના વધી ગઈ છે. આના કારણે આજે બેંકના શેરમાં તેજી જોવા મળી છે.
બીએસઈ પર કંપનીનો શેર પાછલા સત્રમાં 796.05 રૂપિયા પર બંધ થયો હતો અને આજે 800.90 રૂપિયા પર ખુલ્યો હતો. કારોબાર દરમિયાન તે 806 રૂપિયા સુધી ઉછળ્યો હતો. તેનો 52 અઠવાડિયાનો ઉચ્ચતમ સ્તર 1,020.35 રૂપિયા અને ન્યૂનતમ સ્તર 726.75 રૂપિયા છે.

