શેર બજાર સમાચાર
Tuesday, 05 December 2023
શેર બજાર સમાચાર
શેર બજાર જોરદાર તેજીમાં
સેન્સેક્સમાં 1384નો ઉછાળો
મુંબઈ, તા. 4 : વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની ત્રણ રાજ્યમાં જ્વલંત જીતને વધાવતાં સોમવારે ખૂલતા દિવસે ભારતીય શેરબજારોએ ધારણા મુજબ રોકેટની જેમ ગતિ પકડતાં સર્વોત્તમ સપાટી હાંસલ કરી રોકાણકારો માટે દિવાળી જેવો માહોલ સર્જ્યો હતો. ઈન્ટ્રાડેમાં ઈન્ડેક્સ 68,918.22ના આંકને સ્પર્શ્યો હતો, જે 20 મે 2022 પછીનો સૌથી મોટો ઉછાળો છે.
આજે દિવસની ઉચ્ચતમ છલાંગ લગાવી સેન્સેક્સ 1383.93 પોઈન્ટસ (2.05 ટકા) વધીને 68,865.12, તો નિફ્ટી 418.90 પોઈન્ટસ (2.07 ટકા) વધીને 20,683.80, જ્યારે બેન્ક નિફ્ટી 1617.20 પોઈન્ટસ (3.61 ટકા) ઉછળીને 46,431.40 પર બંધ થયા હતા અને આજના એક જ દિવસની જબરદસ્ત તેજીમાં બીએસઈમાં નોંધાયેલી કંપનીના રોકાણકારોની બજારમૂડી 5.81 લાખ કરોડ રૂપિયા વધીને 343.45 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. વિશ્લેષકોના મત મુજબ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણીમાં ભાજપની જીતની આશાએ ગત અઠવાડિયે સ્થાનિક રોકાણકારોનો અને વિદેશી ભંડોળનો પ્રવાહ અવિરત રહ્યો હતો, જે પછી નવા સપ્તાહના પ્રારંભે જાણે બજારો પણ જીતની ખુશી મનાવી રહ્યા હોય તેમ એક તરફી ગતિએ આગળ વધ્યા હતા.
આ ઉપરાંત ક્રૂડ ઓઈલના ભાવ પણ પ્રતિ બેરલ 80 ડોલર નીચેની નીચે રહેતાં રોકાણકારોને પ્રોત્સાહન મળ્યું હતું. આજની તેજીમાં ફાર્મા અને મીડિયાને બાદ કરતાં તમામ ક્ષેત્રનાં શેરોમાં લેવાલી નીકળી હતી. આ તેજી આવનારા દિવસોમાં પણ જારી રહે તેવી આશા વચ્ચે રોકાણકારો માટે લાલબત્તી સમાન આંકડા ખરીદીના છે. નિફ્ટી અને સેન્સેક્સ સહિતના આંક ઓવરબોટ થઈ ગયા છે. એટલે કે સરેરાશ કરતાં વધુ ખરીદાઈ ગયા છે. જે દર્શાવે છે કે, કોઈપણ ઘડીએ શેરબજારના મોટા રોકાણકારો શેરઆંકોમાં નફાવસૂલી કરીને બજારને પછાડી પણ શકે છે. જેની સામે રોકાણકારોએ સાવધાન રહેવાની આવશ્યકતા પણ છે. નિફ્ટીમાં આઈશર મોટર્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ, બીપીસીએલ અને આઈસીઆઈસીઆઈ બૅન્કના ભાવ સૌથી વધુ વધ્યા હતા. જ્યારે એચડીએફસી લાઈફ, બ્રિટાનિયા, વિપ્રો, સન ફાર્મા અને ટાઈટનના ભાવ સૌથી વધુ ઘટયા હતા. બીએસઈ મિડકેપ એક ટકો અને સ્મોલકેપ એક ટકો વધ્યો હતો. તે ઉપરાંત બેન્ક નિફટી નવી ઊંચાઈ પર પહોંચ્યો હતો.
એચપીસીએલ, અદાણી પોર્ટ અને આઈટર મોટર્સમાં લોંગ બિલ્ડઅપ હતું, જ્યારે ઝી એન્ટરટેઈનમેન્ટ, લ્યુપિન અને ગ્લેનમાર્ક ફાર્મામાં શોર્ટ બિલ્ડઅપ હતું. અંબુજા સિમેન્ટ, શ્રીરામ ફાઈનાન્સ અને આઈઆરસીટીસીમાં 200 ટકાથી વધુ વોલ્યુમ વધ્યું હતું. અદાણી જૂથની તમામ લિસ્ટેડ કંપનીઓમાં નાનો-મોટો સુધારો જોવા મળ્યો હતો. હાલમાં ઓવરબોટ ટેક્નિકલ કંડીશન હોવા છતાં નિફટીનું ટૂંકા ગાળાનું ટેક્નિકલ વલણ તેજીવાળાની તરફેણમાં છે. નિફટીને 20,529-20,321ના લેવલનો સપોર્ટ છે અને 20,750-21,051ના લેવલ પર રેઝિસ્ટન્સ છે, એમ મહેતા ઈક્વિટીઝના પ્રશાંત તાપ્સેએ જણાવ્યું હતું. બીએસઈ પર 420થી વધુ શેરના ભાવ બાવન સપ્તાહની ઊંચાઈ પર પહોંચ્યા હતા, જેમાં જીએસએફસી, આઈનોક્ષ વાઈન્ડ, અદાણી પાવર, એનએલસી, બજાજ હોલ્ડિંગ્ઝ, ઝુઆરી એગ્રો, સીઈએસસી, આઈએફસીઆઈ, સાયિન્ટ, આઈશર મોટર્સ, પૈસા લો ડિજિટલ, એચપીસીએલ, સુખજીત સ્ટાર્ચ, મેક્ષ હેલ્થકેર, આઈનોક્ષ વિન્ડ એનર્જી, અલ્ટ્રા માઈક્રોવેવ, પ્રેસ્ટિજ એસ્ટેટ વગેરેનો સમાવેશ થાય છે. આગામી 2024ની લોકસભાની ચૂંટણીઓના અનુસંધાનમાં નવેમ્બરના મધ્યભાગથી જ પ્રી-ઈલેકશન રેલી શરૂ થઈ ગઈ છે અને ભાજપની ત્રણ રાજ્યોની જીતને કારણે તેમાં ગતિ આવી છે.
અત્યારે ફિલિંગ ઓફ મિસિંગ આઉટ (ફોમો) અને ધેર ઈઝ નો ઓલ્ટરનેટિવ (ટીના) નામનાં બે પરિબળ કામ કરે છે. એફઆઈઆઈ હજી સાઈડટ્રેકમાં છે, પરંતુ તેઓને પાછળ રહી ગયાની ફોમો ફિલિંગ થાય છે. ભાજપના ઝળહળતા વિજય અને જીડીપીના મજબૂત આંકડાઓને કારણે હવે રાજકીય સ્થિરતા અને આર્થિક વિકાસની દૃષ્ટિએ લોકોને ટીના ફિલિંગ થાય છે. એટલે કે બીજે કોઈ વિકલ્પ દેખાતો નથી. એટલે હવે ડિસેમ્બરમાં નિફટી 21,000ની સપાટી કુદાવે અને લોકસભાની ચૂંટણીઓ પહેલા નિફટીમાં બીજા 1000-2000 પોઈન્ટ્સ ઉમેરાય તો નવાઈ નથી, એમ સ્વસ્તિક ઈન્વેસ્ટમેન્ટના સુનીલ ન્યાતીએ જણાવ્યું હતું.
