Sugar Price Hike: દેશમા ફેસ્ટિવ સીઝન પહેલા ખાંડના ભાવમા રેકોર્ડ તેજી આવી છે. આ દરમિયાન સરકારે જણાવ્યું છે કે હાલની સીઝન (ઓક્ટોબર-સપ્ટેમ્બર)મા ખાંડનું ઉત્પાદન આશરે 306 લાખ ટન રહેવાનો અંદાજ છે. આ 343 લાખ ટનના પ્રારંભિક અંદાજ કરતાં 11% ઓછું છે. સરકારે સાથે જ આ આરોપોને પણ ફગાવી દીધા છે કે ઇથેનોલ બનાવવા માટે ખાંડનો ઉપયોગ કરવાથી ઉપલબ્ધતા પર અસર પડી રહી છે અને ભાવ વધી રહ્યા છે. સરકારે જણાવ્યું કે થોડા વર્ષો પહેલાની સરખામણીએ હવે ઇથેનોલ બનાવવા માટે ઓછી ખાંડનો ઉપયોગ થાય છે.
ઓછા ઉત્પાદનને કારણે 1 ઓક્ટોબરે ખાંડનો પ્રારંભિક સ્ટોક ઘટીને આશરે 33-34 લાખ ટન રહેવાની આશા છે, જે એક વર્ષ પહેલા 50 લાખ ટન હતો. એટલે કે આ વખતે ખાંડનો પ્રારંભિક સ્ટોક ગયા વર્ષના સ્તરના આશરે બે તૃતીયાંશ રહેવાનો અંદાજ છે. એક રિપોર્ટ અનુસાર અધિકારીઓએ જણાવ્યું કે નવો સ્ટોક આવવા સુધી માગ પૂરી કરવા માટે બચેલો સ્ટોક પૂરતો રહેશે.
ભાવ કેમ વધ્યા?
સપ્લાયની ચિંતાઓ દૂર કરવા માટે સરકારે ગુરુવારે 10 લાખ ટન કાચી ખાંડની ડ્યૂટી-ફ્રી આયાતને મંજૂરી આપી હતી. શુક્રવારે ખાંડનો રિટેલ ભાવ 58.2 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો. આ એક મહિના પહેલાની સરખામણીએ 20% અને એક વર્ષ પહેલાની સરખામણીએ આશરે 26% વધુ છે.
ખાદ્ય મંત્રાલયે જણાવ્યું કે ખાંડના ભાવમા વધારો ઘણા કારણોને કારણે થયો છે. તેમા અપેક્ષા કરતાં ઓછું સ્થાનિક ઉત્પાદન, તહેવારોની સીઝન પહેલા વધેલી માગ, હવામાનને કારણે પાકને નુકસાન, વૈશ્વિક સ્તરે સપ્લાયમા ઘટાડો અને કેટલાક લોકો દ્વારા સટ્ટાબાજી તથા સંગ્રહખોરીનો સમાવેશ થાય છે.
ઇથેનોલ બનાવવા કેટલી ખાંડ?
ઇથેનોલ બનાવવા માટે ખાંડના ઉપયોગથી ભાવ પર અસર પડવાની વાતને ફગાવીને મંત્રાલયે જણાવ્યું કે તેમા ઉપયોગ થતી ખાંડનો હિસ્સો 2022-23મા આશરે 12%થી ઘટીને 2025-26મા આશરે 9% રહ્યો છે. તેમણે જણાવ્યું કે દેશમાં બનતા ઇથેનોલનો આશરે ત્રણ-ચોથાઈ હિસ્સો હવે અનાજમાંથી આવે છે.
રાજ્યોએ હાલની સીઝન (ઓક્ટોબર-સપ્ટેમ્બર 2025-26) માટે ખાંડના ઉત્પાદનનો અંદાજ 343 લાખ ટન લગાવ્યો હતો, જ્યારે ઇન્ડસ્ટ્રી બોડી ISMAનો અંદાજ આશરે 348 લાખ ટન હતો. અધિકારીઓએ જણાવ્યું કે ગયા વર્ષે ઓક્ટોબરમાં મહારાષ્ટ્રમા ખૂબ વધારે વરસાદ થયો હતો. સાથે જ UP તથા મહારાષ્ટ્રમા શેરડીના પાકમા ‘રેડ રોટ’ અને ‘ટોપ બોરર’ જેવી બીમારીઓને કારણે ઉત્પાદન પર અસર પડી.
નિકાસ પર રોક
અધિકારીઓએ જણાવ્યું કે જાન્યુઆરીમા ઉત્પાદન ઘટવાના પ્રારંભિક સંકેતો મળ્યા હતા, પરંતુ મિલોમા શેરડીનું પિલાણ ચાલુ હતું. એક સૂત્રએ જણાવ્યું કે નિકાસ માર્ચમા જ શરૂ થઈ હતી અને જેમ જ ઉત્પાદન ઓછું થવાના સંકેતો મળ્યા, મેની શરૂઆતમા જ નિકાસ પર રોક લગાવી દેવામાં આવી. સરકારનું કહેવું છે કે ખાંડની સપ્લાયમા ઘટાડો એક વૈશ્વિક સમસ્યા છે અને 2026-27 માટે વૈશ્વિક સ્તરે ખાંડની અછતનો અંદાજ 33 લાખ ટન લગાવવામાં આવ્યો છે.

