નવી દિલ્હી, તા. 9 : ભારત દેશના ઉદ્યોગ જગતનું `રતન’ લેખી શકાય તેવા દિગ્ગજ ઉદ્યોગપતિ તેમજ પીઢ સમાજ ચિંતક રતન તાતાનું બુધવારની મોડી રાત્રે મુંબઇની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં નિધન થઇ જતાં દેશની ઉદ્યોગ આલમ સહિત દેશભરમાં ઊંડા શોક સાથે ઘેરા આઘાતની લાગણી ફેલાઇ હતી.તાતા સન્સના માનદ્ અધ્યક્ષ તાતાએ 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુ:ખભર્યા સમાચાર મળતાંની સાથે જ દંતકથારૂપ ઉદ્યોગપતિને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાને `એક્સ’ પર લખ્યું હતું કે, રતન તાતા દીર્ધદૃષ્ટિ ધરાવતા ઉદ્યોગ નેતા તેમજ દયાળુ આત્મા અને અસાધારણ વ્યકિત હતા. તેમણે ભારત દેશના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત કારોબારી ખાનદાનમાંના એકને સ્થિર નેતૃત્ત્વ પ્રદાન કર્યું. આપની વિનમ્રતા, દયાળુપણું અને સમાજને શ્રેષ્ઠ બનાવવા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાએ આપને સૌ કોઇમાં પ્રિય બનાવ્યા, તેવું રતન તાતાને ભાવભેર અંજલિમાં વડાપ્રધાને જણાવ્યું હતું.

બે દિવસ પહેલાં જ બ્રીચકેન્ડી હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરાયેલા તાતાનું બ્લડપ્રેશર ઘણું ઘટી ગયું હતું. ત્યારબાદ તેમણે ખુદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં કહ્યું હતું કે, હું ઠીક છું. વધુ વયના કારણે રૂટીન તપાસ માટે જ હોસ્પિટલ ગયો હતો. ચિંતાની કોઇ વાત નથી. પરંતુ આજે સાંજે તેમની તબિયત બગડી હોવાના અને વેન્ટિલેટર પર રખાયા હોવાના સમાચારે ફરી ચિંતા જગાવી હતી. દેશના સૌથી લોકપ્રિય ઉદ્યોગપતિ રતન તાતાનો જન્મ 28મી ડિસેમ્બર, 1937ના દિવસે થયો હતો. વર્ષ 1991થી 2012 સુધી તાતા જૂથના અધ્યક્ષ રહ્યા અને તે સમયગાળા દરમ્યાન રતન તાતાએ અનેક વિક્રમો સ્થાપિત કરતાં દેશ, દુનિયાના ઉદ્યોગ જગતની આંખો આંજી નાખી હતી. તાતા સન્સના અધ્યક્ષ એન. ચંદ્રશેખરને રતન તાતાને શોકભેર અંજલિ આપતાં જણાવ્યું હતું કે, તેમના અભૂતપૂર્વ પ્રદાને ભારત દેશના ઉદ્યોગ જગતની ગૂંથણીને શિલ્પીની જેમ સુંદર આકાર આપ્યો હતો. ઉદ્યોગજગતના અસાધારણ નેતાની વિદાયની દેશને કદી પણ પૂરી ન શકાય તેવી ખોટ પડી છે તેવું તેમણે ઉમેર્યું હતું. રતન તાતાએ 1996માં સંદેશાવ્યવહાર કંપની તાતા ટેલિકોમ્યુનિકેશન સર્વિસની સ્થાપના કરી, ત્યારબાદ 2004માં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રની કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસીઝ?(ટીસીએસ)ની સ્થાપના કરી હતી.

