Flight Safety Powerbank Ban: હવાઈ મુસાફરી કરનારા મુસાફરો માટે મોટા સમાચાર છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ફ્લાઈટમાં પાવર બેંક ચાર્જ કરવા અને તેને સીટની પાવર સિસ્ટમ સાથે જોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પગલું તાજેતરમાં લિથિયમ બેટરીમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવ્યા બાદ લેવામાં આવ્યું છે. હવે પાવર બેંક માત્ર હેન્ડ બેગમાં જ રાખી શકાશે, પરંતુ ફ્લાઈટમાં તેને ચાર્જ કરવાની સખત મનાઈ છે.
કેમ લેવામાં આવ્યો આ નિર્ણય?
DGCA એ એક એડવાઈઝરી જાહેર કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે લિથિયમ બેટરી આગ લાગવાનું મોટું કારણ બની શકે છે. ઓવરહેડ બિન (સીટની ઉપરનું ખાનું) માં રાખવામાં આવેલી પાવર બેંક સુધી પહોંચવું મુશ્કેલ હોય છે, જેના કારણે આગ લાગવાની સ્થિતિમાં સમયસર કાર્યવાહી થઈ શકતી નથી. આ જ કારણથી ફ્લાઈટમાં પાવર બેંક ચાર્જ કરવા પર રોક લગાવાઈ છે.
DGCA ની નવી એડવાઈઝરી જાહેર
DGCA એ એરક્રાફ્ટમાં લિથિયમ બેટરીની સુરક્ષાને લઈને નવી એડવાઈઝરી જાહેર કરી છે, જે ડિસેમ્બરથી લાગુ થઈ છે. આમાં એરલાઈન્સને લિથિયમ બેટરી લઈ જવા માટે સેફ્ટી રિસ્ક એસેસમેન્ટ કરવા, ઓનબોર્ડ અનાઉન્સમેન્ટથી મુસાફરોને જાગૃત કરવા અને પાવર બેંક કે ઈલેક્ટ્રોનિક ડિવાઈસથી આગ લાગવાની ઘટનાઓ રોકવા પર ભાર મૂક્યો છે. કેબિન બેગેજમાં પાવર બેંક અને સ્પેર બેટરીનું કડક મોનિટરિંગ, કેબિન ક્રૂની ટ્રેનિંગનો રિવ્યુ અને મુસાફરોને ડિવાઈસમાં ઓવરહીટિંગ કે ધુમાડો દેખાય તો તરત જ રિપોર્ટ કરવાની સલાહ આપી છે.
લિથિયમ બેટરી કેમ ખતરનાક છે?
લિથિયમ બેટરીમાં આગ લાગવાનું જોખમ વધારે હોય છે કારણ કે તે પોતાની મેળે બુઝાતી નથી. ખરાબ ક્વોલિટી, ઓવરચાર્જિંગ કે શોર્ટ સર્કિટથી બેટરીમાં આગ લાગી શકે છે. આ આગ ખૂબ જ શક્તિશાળી હોય છે અને ડિવાઈસ ફાટી પણ શકે છે. તેથી ફ્લાઈટમાં તેનો ઉપયોગ અત્યંત જોખમી છે.
વિશ્વની એરલાઈન્સ પણ કરી ચૂકી છે પ્રતિબંધ
એમિરેટ્સ, સિંગાપોર એરલાઈન્સ, કેથે પેસિફિક અને કતાર એરવેઝ જેવી અનેક એરલાઈન્સ પહેલાથી જ ફ્લાઈટમાં પાવર બેંકના ઉપયોગ પર રોક લગાવી ચૂકી છે. મુસાફરોને માત્ર ૧૦૦ વોટ કલાકથી ઓછી ક્ષમતાવાળી પાવર બેંક લઈ જવાની મંજૂરી છે, પરંતુ તેને ચાર્જ કરવાની સખત મનાઈ છે.
એવિએશન એક્સપર્ટ્સની ચેતવણી
નિષ્ણાતોનું કહેવું છે કે એરલાઈન્સે હેન્ડ બેગના નિયમોનું કડક પાલન કરાવવું જોઈએ. ઘણીવાર ઓવરહેડ બિન ભરાઈ જવાથી હેન્ડ બેગને કાર્ગો હોલ્ડમાં રાખવામાં આવે છે, જેમાં પાવર બેંક હોઈ શકે છે. આ સુરક્ષા માટે મોટું જોખમ છે.

