ભુજ, તા. 27 : તાજેતરમાં કેન્દ્ર સરકારે બજેટ બહાર પાડયું, કઇ ચીજ સસ્તી અને કઇ ચીજ મોંઘી થઇ એ બધું લોકોએ જાણ્યું, પણ અત્યારે ચોમાસાની સિઝન ચાલુ છે ત્યારે પડેલા વરસાદ થકી ખેડૂતોના વાડી-ખેતરમાં ભરાયેલાં પાણીના લીધે કચ્છ તથા કચ્છ બહારથી આવતા લીલા શાકભાજીની પેદાશને અસર થતાં બજારમાં પ્રમાણમાં માલ ઓછો આવતો હોવાથી ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે.

ભુજમાં અનમ રિંગરોડ અને જનતાઘર પાસે ભરાતી શાકભાજી બજારમાં લટાર મારતા વેપારી વિશાલ ગોરે શાકભાજીના વધેલા ભાવની વાત કરતાં જણાવ્યું હતું કે, અત્યારે લીલા ચોળા રૂા. 180, લસણ?રૂા. 180, ફુલાવર રૂા. 100, ધાણા રૂા. 220, મેથી રૂા. 140, ટમેટા રૂા. 80, ગિસોડા રૂા. 100, ભીંડા રૂા. 80, લીંબુ રૂા. 80, મરચા રૂા. 120, ફુદીનો રૂા. 160 સહિતના એક કિલોના ભાવે માલ વેચાઇ રહ્યો છે. અન્ય શાકભાજી પણ રૂા. 40થી લઇને રૂા. 70ના ભાવ જેમાં કોબી, દૂધી, રીંગણા, કારેલા, પાલક, બટેટા-ડુંગળી વિગેરેનો સમાવેશ થાય છે.
કચ્છ ઉપરાંત ગુજરાત સૌરાષ્ટ્ર બાજુથી આવતી શાકભાજીની આવક વરસાદના કારણે ઓછી હોવાથી ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. આઠ દિવસ બાદ ભાવ ફરી ઘટવાની સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. શાકભાજીના ભાવ વધવાથી ગૃહિણીઓનાં બજેટ પર મોટી અસર પડી રહી છે. શાકભાજીની દૈનિક જરૂરિયાતને લઇને બજાર સાથે સંકળાયેલા અન્ય વેપારીઓ પણ ભાવ વધારાને લઇને ચિંતિત છે અને ભાવ ફરી કાબૂમાં રહે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. વાડી માલિકોને વધેલા ભાવથી થોડો ઘણો આર્થિક લાભ મળી રહ્યો છે, પણ આમ આદમી કઠોળ તરફ પણ નથી જઇ શકતો. કારણ કે, તેના ભાવ પણ વધેલા છે. જાય તો જાય ક્યાં વચ્ચે લોકો થોડા ઘણા ઓછા ભાવવાળી શાકભાજી લઇને ઘર ચલાવી રહ્યા છે.

