`નીટ’નું કેન્દ્રવાર પરિણામ જાહેર કરવામાં આવ્યું
નવી દિલ્હી, તા. 20 : દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા અપાયેલા આદેશને પાળતાં રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (એનટીએ)એ શનિવારે શહેરવાર અને કેન્દ્રવાર નીટ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું. ખાસ જાણવા જેવી વાત તો એ છે કે, વિવાદાસ્પદ એવાં ગુજરાતનાં ગોધરા અને ઝારખંડના હઝારીબાગ કેન્દ્રોમાંથી કોઈ ટોપર છાત્ર નથી. એ જ રીતે જેના પર તપાસ એજન્સીની નજર હતી, તેવાં હરિયાણામાં પાંચમી મેની પરીક્ષા વખતે છ છાત્રને પૂરે પૂરા 720 ગુણ મળ્યા હતા, પરંતુ આજે જાહેર પરિણામમાં કોઈપણ પરીક્ષાર્થીઓને 682થી વધુ ગુણ નથી મળ્યા. સૌથી વધારે ચર્ચા ગુજરાતના અમુક પરીક્ષા કેન્દ્રને લઈને થઈ રહી છે, જેમાં રાજકોટ, અમદાવાદ અને આણંદ સામેલ છે. રાજકોટમાં યુનિટ-1 સ્કૂલ ઓફ એન્જિનીયરિંગ આર.કે. યુનિવર્સિટી પરીક્ષા કેન્દ્ર (22701) ઉપર સૌથી વધારે અંદાજિત 85 ટકા છાત્રોએ પરીક્ષા પાસ કરી છે.

તેમાં પણ 12 છાત્રોને 700થી વધારે અંક મળ્યા છે. આણંદનાં કેન્દ્રમાં 383 છાત્રને 610થી વધારે અંક મળ્યા છે, જ્યારે અમદાવાદમાં 48ને 600થી વધારે અંક છે. પરીક્ષા કેન્દ્રદીઠ પરિણામને જોતાં શંકા ઊભી થઈ છે અને નવો વિવાદ શરૂ થવાની સંભાવના છે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં 22 જુલાઈના વધુ સુનાવણી થવાની છે તેમજ શંકાના દાયરામાં આવતાં પરીક્ષા કેન્દ્રોના સીસીટીવી ફૂટેજ પણ મગાવાઈ શકે છે. એનટીએની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરાયેલાં આ પરિણામમાં સુપ્રીમ કોર્ટની શરત મુજબ કોઇ પરીક્ષાર્થીની ઓળખ જાહેર કરાઇ નથી.
કોર્ટ પાસે આખાં પરિણામનો કેન્દ્રવાર અભ્યાસ કરવાની ક્ષમતા નહીં હોવાથી વેબસાઇટ જેવા જાહેર મંચ પરથી પરિણામ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. 18 જુલાઈના સુપ્રીમ કોર્ટમાં નીટ વિવાદ પર સીજેઆઇ બેન્ચ સમક્ષ ત્રીજી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે એનટીએને શનિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં તમામ ઉમેદવારોના પરિણામો વેબસાઇટ પર અપલોડ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, પરિણામ અપલોડ કરતી વખતે ઉમેદવારની ઓળખ જાહેર ન કરવી જોઈએ. અમે આગામી સુનાવણી સોમવાર, 22 જુલાઈએ સવારે 10.30 વાગ્યે શરૂ કરીશું. જેથી બપોર સુધીમાં તારણો કાઢી શકાય. અમને બિહાર પોલીસના રિપોર્ટની કોપી પણ જોઈએ છે. સુપ્રીમ કોર્ટે સોમવાર સુધી કાઉન્સાલિંગ પર પ્રતિબંધ મૂકવાનો પણ ઇનકાર કરી દીધો હતો. સુનાવણી દરમ્યાન, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકાર વતી કહ્યું હતું, કાઉન્સાલિંગમાં થોડો સમય લાગશે. તેની શરૂઆત 24મી જુલાઈની આસપાસ થશે. સીજેઆઇએ કહ્યું, અમે સોમવારે જ સુનાવણી કરીશું. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં નીટમાં અનિયમિતતા સંબંધિત 40 અરજી પર ત્રીજી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અગાઉ સુનાવણી 8 જુલાઈ અને પછી 11 જુલાઈએ થઈ હતી. સીજેઆઇ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ડિવિઝન બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો રજૂ કરી હતી. અરજદારના વકીલ એડવોકેટ નરેન્દ્ર હુડ્ડા છે.

