નીટ પરીક્ષામાં ગેરરીતિના લઈને વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા, ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કારકિર્દી પર જોખમ નહિ
નવી દિલ્હી : નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિને લઈને દેશભરના મેડિકલ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. જેમાં સ્ટુડન્ટ યુનિયન NSUI એ પણ NEET પરીક્ષામાં ગોટાળાનો વિરોધ કર્યો હતો. નીટ પરીક્ષા મુદ્દે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાને વિરોધ પ્રદર્શન કરવા બદલ દિલ્હી પોલીસે NSUI કાર્યકરો હની બગ્ગા, રાજ્યવર્ધન અને અન્યો વિરુદ્ધ FIR નોંધી છે.

કેરિયર જોખમમાં નહીં આવે
નીટ પરીક્ષાને લઈને થયેલા હોબાળા વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું હતું કે સરકાર ઉમેદવારોના હિતોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. તે વિદ્યાર્થીઓને ખાતરી આપવા માંગે છે કે તેમની તમામ ચિંતાઓને ન્યાયી અને સમાનતા સાથે ઉકેલ લાવવામાં આવશે. કોઈ વિદ્યાર્થીને નુકસાન નહીં થાય અને કોઈ ઉમેદવારની કારકિર્દી નહીં જોખમાય
નીટ કાઉન્સેલિંગ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે
આ સાથે તેમણે કહ્યું કે નીટ પરીક્ષા સંબંધિત તથ્યો સુપ્રીમ કોર્ટના ધ્યાનમાં છે. કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર વિદ્યાર્થીઓના હિત માટે જરૂરી તમામ પગલાં લેશે. NEETની કાઉન્સેલિંગ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. કોઈપણ મૂંઝવણ વિના આ દિશામાં આગળ વધવું આપણા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

