Doomscrolling job trend: ડૂમસ્ક્રોલિંગ હવે બનશે કારકિર્દી : ફોન પર સ્ક્રોલિંગ કરતાં યુવાનોને મળશે પગાર

Arati Parmar
By Arati Parmar 5 Min Read

Doomscrolling job trend: આધુનિક યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયો છે. જાગવું, ફોન જોવો, સ્ક્રોલિંગ કર્યા કરવું, કામ કરતી વખતે પણ વચ્ચે-વચ્ચે ફોનમાં નજર નાંખ્યા કરવી, રાતે સૂતા પહેલા પણ મિનિટો કે કલાકો સુધી સ્ક્રોલિંગ કર્યા કરવું… આવી આદત ઘણાં લોકોને હોય છે. આમ તો ફોનનો આટલી હદનો ઉપયોગ કુટેવ ગણાય, પણ જો કોઈ એમ કહે હવે તમે આ કુટેવમાંથી કમાણી પણ કરી શકો છો, આ કુટેવ ધરાવતાને સારી નોકરી પણ મળી શકે છે, તો તમે માનશો? કદાચ નહીં માનો, પણ આ હકીકત છે. ડૂમસ્ક્રોલિંગ એક સારી કારકિર્દી છે, જેમાં તમારે તમને ‘સ્ક્રોલિંગ’ કરવા બદલ પગાર મળશે.

શું છે ડૂમસ્ક્રોલિંગ?

- Advertisement -

‘ડૂમસ્ક્રોલિંગ’ શબ્દ ‘ડૂમ’ અને ‘સ્ક્રોલિંગ’ એ બે શબ્દોનું મિશ્રણ છે. ડૂમ એટલે ‘વિનાશ’ અને સ્ક્રોલ એટલે ‘કોઈ પ્રકારની વિગતોમાંથી પસાર થવું’ એવો થાય છે. આમ, ‘ડૂમસ્ક્રોલિંગ’નો અર્થ થાય છે, નુકસાન કરે એવું (નકારાત્મક અથવા દુઃખદાયક) ડિજિટલ કોન્ટેન્ટ લાંબો સમય જોયા કરવું. વર્ષ 2018 માં પહેલીવાર વપરાયેલો આ શબ્દ વર્ષ 2020 માં કોવિડકાળમાં લોકપ્રિય થયો હતો.

ડૂમસ્ક્રોલિંગ હાનિકારક છે

- Advertisement -

કોઈ કુદરતી કે માનવસર્જિત આપત્તિ સર્જાય ત્યારે એના વિશે જાણી લેવાની આપણને સૌને ઉત્સુકતા જાગે છે. શરૂઆતમાં આપણે માહિતગાર રહેવા માટે જે-તે ઘટના વિશે જાણવાનો પ્રયાસ કરીએ છીએ, પણ પછી આપણે જાણે એનું વ્યસન થઈ ગયું હોય એમ અનિચ્છાએ પણ એના વિશે જોવા-સાંભળવા લાગીએ, સતત એના વિશે ખણખોદ કર્યા કરીએ, ત્યારે ડૂમસ્ક્રોલિંગની આદત બિનઆરોગ્યપ્રદ બની જાય છે. આ કારણસર તણાવ, ચિંતા અને હતાશામાં વધારો થાય છે. COVID-19 રોગચાળા દરમિયાન ડૂમસ્ક્રોલિંગ વ્યાપક બન્યું હતું, ઘરે નવરા બેઠેલા લોકોને એની લત લાગી ગઈ હતી અને હવે એમાંથી છૂટવું મુશ્કેલ થઈ ગયું છે.

ડૂમસ્ક્રોલિંગ નોકરીનો વિકલ્પ કઈ રીતે બની શકે?

- Advertisement -

ડૂમસ્ક્રોલિંગની આદત હોવી સારી બાબત નથી ગણાતી, પણ જાણીને નવાઈ લાગે એવી વાત છે કે આધુનિક જમાનામાં હવે કંપનીઓ ડૂમસ્ક્રોલર્સને પણ નોકરી આપવા આગળ આવી રહી છે. મુંબઈ સ્થિત મોન્ક એન્ટરટેઈનમેન્ટના સહ-સ્થાપક વિરાજ શેઠે લિંક્ડઇન પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે તેઓ ડૂમસ્ક્રોલર્સની ભરતી કરી રહ્યા હોવાનું કહ્યું છે. આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ અને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. ઘણાં યુઝર્સે આવી નોકરી પણ હોઈ શકે એ બાબતે અવિશ્વાસ વ્યક્ત કર્યો છે, તો ઘણાંએ આ જાહેરાતની મજાક ઉડાવી છે.

ડૂમસ્ક્રોલર બનવા માટેની લાયકાત શું છે?

ડૂમસ્ક્રોલર તરીકેની નોકરી મેળવવા માટે અમુક શરતોનું પાલન કરવું ફરજિયાત છે. વિરાજ શેઠે મૂકેલી પોસ્ટમાં જણાવ્યું છે કે અરજદારોએ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર તેમણે વિતાવેલા સમય (સ્ક્રીન ટાઈમ)ના સ્ક્રીનશોટ આપવા પડશે, જેથી ખાતરી થઈ શકે કે તેઓ ખરેખર ડૂમસ્ક્રોલર છે. પછી જે લાયક હશે, એમને નોકરી મળશે.

ડૂમસ્ક્રોલિંગ પણ એક કળા છે!

ઉપરોક્ત નોકરી માટે લાયક ઠરવા માટે બેધ્યાનપણે કરાયેલું ડૂમસ્ક્રોલિંગ માન્ય નથી. ડૂમસ્ક્રોલિંગ પણ એક ગંભીર રીતે કરવાની સ્ક્રોલિંગ કળા છે, જેમાં શેનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, કોઈ મુદ્દો વાયરલ થયો છે તો એની ઊંડાણપૂર્વકની તપાસ કરવાની અને મહત્ત્વપૂર્ણ અપડેટ્સ તથા સતત થતા ફેરફારો ન ચૂકવા જેવી જવાબદારી નિભાવવાની હોય છે. આ ઉપરાંત કયા સર્જકો અચાનક લોકપ્રિય થાય છે, કયા રીલ ફોર્મેટની નકલ કરાઈ રહી છે અથવા મીમ્સ કેવી રીતે વાઇરલ થાય છે, વગેરે જેવી બાબતો વિશે પણ માહિતગાર રહેવાનું હોય છે. ફક્ત વધારે સ્ક્રોલિંગ નહીં, પણ ક્વોલિટી સ્ક્રોલિંગ કરીને આ દિશામાં કામ કરવાનું હોય છે.

ડૂમસ્ક્રોલિંગ કારકિર્દીની તક આપે છે

વ્યવસ્થિત ડૂમસ્ક્રોલિંગ કરીને સોશિયલ મીડિયા પર શેની, કેટલી માંગ છે, એનો ખ્યાલ આવે છે. આ એક એવી માહિતી છે જે આજના અર્થતંત્રમાં મૂલ્યવાન સાબિત થાય છે.

ડૂમસ્ક્રોલિંગ કારકિર્દી કેટલી ટકાઉ?

નિષ્ણાતો ચેતવણી આપતાં કહે છે કે ડૂમસ્ક્રોલિંગને કારકિર્દી તરીકે અપનાવવી એ સમજદારીનો નિર્ણય નથી, કેમ કે એમાં અમુક તમુક વર્ષો આપ્યા પછી જે-તે વ્યક્તિનું ભવિષ્ય શું, એ અત્યારે કઈ શકાય એમ નથી. ટેકનોલોજિકલ આવિષ્કારો સતત થતા રહેતા હોય ત્યારે આ પ્રકારની કામગીરી ટકાઉ કારકિર્દી ન આપી શકે.

શારીરિક-માનિસક આરોગ્યને પ્રતિકૂળ અસર

ડૂમસ્ક્રોલિંગ માટે દિવસમાં ઓછામાં ઓછા છ કલાક સ્ક્રોલિંગ કરતા રહેવું પડે છે, જેને લીધે વ્યક્તિના શારીરિક અને માનસિક આરોગ્ય, સર્જનાત્મકતા અને શીખવાની ક્ષમતા પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. ટૂંકમાં ઘરબેઠા મનગમતું સ્ક્રોલિંગ કરીને નાણાં રળવાની સગવડ આપતું ડૂમસ્ક્રોલિંગ એના બદલામાં તમારું આરોગ્ય બગાડે તેવી પૂરેપૂરી શક્યતા છે.

Share This Article