GUJCET Exam: ગુજકેટ પેપરમાં 20-22 માર્કના મુશ્કેલ પ્રશ્નો, વિદ્યાર્થીઓ માટે કસોટી કે પડકાર?

Arati Parmar
2 Min Read

GUJCET Exam: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચરત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રવિવારે ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓની ગુજકેટ પરીક્ષા લેવામાં આવી હતી.વડોદરા શહેરના ૪૧ કેન્દ્રો પર આ પરીક્ષા લેવાઈ હતી.જેમાં  ૮૩૯૪ વિદ્યાર્થીઓએ ફિઝિક્સ અને કેમેસ્ટ્રી, ૪૧૫૦ વિદ્યાર્થીઓએ બાયોલોજી અને ૪૨૭૮ વિદ્યાર્થીઓએ  મેથ્સની પરીક્ષા આપી હતી.

વિષય શિક્ષકોનો કહેવા પ્રમાણે કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી અને મેથ્સ એમ ચારે વિષયના પ્રશ્નો સંપૂર્ણપણે પાઠય પુસ્તક આધારિત અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના હતા પરંતુ આ પેપર છેલ્લા પાંચ વર્ષનું સૌથી અઘરુ પેપર કહી શકાય.ફિઝિક્સમાં ૬ થી ૭ પ્રશ્નો, કેમેસ્ટ્રી ૭ પ્રશ્નો અને બાયોલોજીમાં ૮ પ્રશ્નો ઘણો વિચાર કરીને લખવા પડે તેમ હતા.જે વિદ્યાર્થીએ પાઠય પુસ્તકનો ઉંડાણ પૂર્વક અભ્યાસ કર્યો હશે તે જ આ સવાલોના જવાબ આપી શકયા હશે.ઉપરાંત પેપરમાં ગણતરીવાળા પ્રશ્નો વધારે હોવાથી અને નેગેટિવ માર્કિંગ સિસ્ટમ પણ હોવાના કારણે સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ ૧૦ થી ૧૨માર્કના પ્રશ્નો છોડી દીધા હશે.આમ વિદ્યાર્થીઓને સમયસર પેપર પૂરુ કરવામાં પણ મુશ્કેલી પડી હશે.

- Advertisement -

બાયોલોજીના પ્રશ્નમાં આકૃતિ જ બરાબર દેખાતી  નહોતી 

જોકે બાયોલોજીના પેપરમાં ૩૪મો આકૃતિ આધારિત પ્રશ્ન હતો અને તેમાં આકૃતિ જ બરાબર દેખાતી નહોતી.જેથી વિદ્યાર્થીઓને એરોનું નિશાન કઈ તરફ છે તે જ દેખાતું નહોતું.ઘણા વિદ્યાર્થીઓએ મૂંઝવણના કારણે આ પ્રશ્ન છોડી દીધો હતો.તો આ પ્રશ્ન રદ થવો જોઈએ અથવા તો તેના પૂરા માર્કસ વિદ્યાર્થીને મળવા જોઈએ.કારણકે આકૃતિ સ્પષ્ટ નહીં હોવાથી તેના સી અને ડી બંને જવાબ આવી શકે છે.

કેમેસ્ટ્રીના એક સવાલના જવાબમાં બંધારણ ખોટું દર્શાવાયું

કેમેસ્ટ્રીના જે સવાલો પૂછાયા હતા તે પૈકી ઓર્ગેનિક કેમેસ્ટ્રીના ૪૬મા સવાલના જવાબ તરીકે જે વિકલ્પો અપાયા હતા તૈ પૈકી સાચા જવાબમાં રસાયણનું બંધારણ ખોટું હોવાનું જણાઈ આવેલ છે.આમ વિદ્યાર્થીઓ તેના કારણે મૂંઝવણમાં મૂકાયા હશે.કેમેસ્ટ્રીમાં ગણતરી આધારિત પ્રશ્નો વધારે હતા.ઓર્ગેનિક કેમેસ્ટ્રીના પ્રશ્નો પર વધારે ભાર આપવામાં આવ્યો હતો.

ક્ષેત્રફળના પ્રશ્નમાં એક્સનો ઉલ્લેખ નહીં હોવાથી મૂંઝવણ

ગણિતનું પેપર ગત વર્ષ કરતા લાંબુ હતું અને સવાલો વધારે ગણતરી માંગી લે તેવા હતા.ક્ષેત્રફળના પ્રશ્નમાં એક્સ અક્ષનો ઉલ્લેખ નહીં કર્યો હોવાથી વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા.આ સવાલ માટે કદાચ બોનસ માર્ક મળી શકે.નિયમિત પ્રેક્ટિસ કરનારા વિદ્યાર્થીઓ ગણિતના પેપરમાં સારા માર્કસ લાવી શકશે.

TAGGED:
Share This Article