Canada CRS Calculator: કેનેડામાં CanadaVisa દ્વારા અપડેટેડ ઑનલાઇન કેલ્ક્યુલેટર શરૂ કરવામાં આવ્યું છે. તેના દ્વારા એક્સપ્રેસ એન્ટ્રી મારફતે કેનેડામાં કાયમી નિવાસ (PR) માટે અરજી કરતા ઉમેદવારો નવી હાઈ-વેજ પૉઇન્ટ સિસ્ટમ હેઠળ પોતાનો કૉમ્પ્રિહેન્સિવ રેન્કિંગ સિસ્ટમ (CRS) સ્કોર ચકાસી શકશે. પ્લેટફોર્મની ઑનલાઇન સેવા ‘CanadaVisa+’માં સુધારા બાદ 3 નવેમ્બર 2026થી આ કેલ્ક્યુલેટર તમામ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ બન્યું છે.
વપરાશકર્તાઓ મોબાઇલ ફોન, ડેસ્કટૉપ અથવા ટૅબ્લેટ પર વેબ બ્રાઉઝર દ્વારા મફત પ્રોફાઇલ બનાવીને પોતાનો CRS સ્કોર ચકાસી શકે છે. IRCC દ્વારા તાજેતરમાં CRSમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફારોમાં નવું ‘લેબર માર્કેટ ઇન્ટિગ્રેશન ફૅક્ટર’ (LMIF) સામેલ છે, જે ઊંચા પગારવાળી નોકરી સાથે જોડાયેલા ઉમેદવારોને વધારાના પૉઇન્ટ્સ આપે છે. નવી સિસ્ટમ હેઠળ એક્સપ્રેસ એન્ટ્રીના ઉમેદવારો નીચે આપેલા બેમાંથી જે વધુ હોય તે મેળવી શકે છે.
કેનેડામાં કામના અનુભવ માટે 150 પૉઇન્ટ્સ.
ઊંચા પગારવાળી નોકરી માટે 100 પૉઇન્ટ્સ.
CRSનો ઉપયોગ એક્સપ્રેસ એન્ટ્રીના ઉમેદવારોને ક્રમ આપવા માટે થાય છે. IRCC સમયાંતરે ઊંચો CRS સ્કોર ધરાવતા ઉમેદવારોને કેનેડાના PR માટે અરજી કરવા આમંત્રણ આપે છે. હવે જાણીએ કે CRS કેલ્ક્યુલેટર કેવી રીતે કામ કરશે.
નવું CRS કેલ્ક્યુલેટર કેવી રીતે કામ કરે છે?
નવા વપરાશકર્તાઓએ સૌથી પહેલાં CanadaVisa+ વેબસાઇટ પર જઈને પોતાની ઑનલાઇન પ્રોફાઇલ બનાવવી પડશે. પ્લેટફોર્મ નીચે આપેલી માહિતીના આધારે આપમેળે તેમના CRS સ્કોરની ગણતરી કરશે.
ઉંમર અને શિક્ષણ.
સત્તાવાર ભાષાઓમાં નિપુણતા (અંગ્રેજી/ફ્રેન્ચ ભાષા પરની પકડ).
કામનો અનુભવ.
નોકરીની ઑફર.
કેનેડામાં રહેતા સંબંધીઓ (જો લાગુ પડતું હોય તો).
જીવનસાથીની ઉંમર, શિક્ષણ અને કામનો અનુભવ (જો લાગુ પડતું હોય તો).
જે હાલના વપરાશકર્તાઓની પ્રોફાઇલ અપડેટેડ છે, તેમના નવા CRS સ્કોરની ગણતરી પણ આપમેળે થઈ જશે. તેઓ પોતાના અકાઉન્ટમાં લૉગિન કરીને સ્કોર જોઈ શકશે.
આ કેલ્ક્યુલેટર કેનેડાની ‘નેશનલ ઑક્યુપેશનલ ક્લાસિફિકેશન’ (NOC) સિસ્ટમ હેઠળ ઉમેદવારના વ્યવસાયને પણ ધ્યાનમાં લે છે. કામ અને જવાબદારીઓના આધારે દરેક વ્યવસાયને એક અલગ NOC કોડ આપવામાં આવે છે. સત્તાવાર સરકારી યાદી અનુસાર, 186 એવા વ્યવસાયો છે, જેના માટે વધારાના પૉઇન્ટ્સ મળી શકે છે.

