Indian Student Life in USA 2026: અમેરિકામાં દર વર્ષે હજારો ભારતીયો ભણવા જાય છે. ઘણાને લાગે છે કે ત્યાં રહેવું અને ભણવું મજાદાર છે, જ્યારે કેટલાક લોકો બિલકુલ ઊલટું વિચારે છે. યેલ યુનિવર્સિટીમાં MBA કરી રહેલા એક ભારતીય વિદ્યાર્થી અમન રાયે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી નકારાત્મકતાથી વિપરીત અમેરિકન લાઈફસ્ટાઈલનો સકારાત્મક પક્ષ રજૂ કર્યો છે.
અમેરિકામાં જિંદગી કેવી છે?
હોલીવુડ ફિલ્મોમાં અમેરિકાને ઊંચી ઇમારતો, સાફ રસ્તાઓ અને મોજ-મસ્તી વાળા દેશ તરીકે બતાવવામાં આવે છે. જોકે, સોશિયલ મીડિયા પર ઘણા ભારતીય વિદ્યાર્થીઓ એવી ફરિયાદ કરે છે કે અમેરિકામાં રહેવું મોંઘું છે, હવામાન ખરાબ છે અને ઘરકામમાં મદદ કરનાર (મેઇડ) મળતા નથી. પરંતુ આઈઆઈટી દિલ્હીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ યેલમાં ભણતા અમન રાયનું કહેવું કંઈક અલગ છે. તેણે લિંક્ડઈન પર પોતાની પોસ્ટમાં અમેરિકાના બીજા પાસાઓ વિશે વાત કરી છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્ગ સુરક્ષા
અમન રાયે સૌથી પહેલા રસ્તાઓ અને સુરક્ષાના વખાણ કર્યા. તેણે ભારતીય શહેરો સાથે સરખામણી કરતા કહ્યું, “અહીં એવા રસ્તાઓ છે જેમાં ખાડા નથી. બેંગલુરુમાં દરરોજ વાહન સાથે અથડાવાના ડર વચ્ચે દોડવું પડતું હતું, તેવું અહીં નથી. લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે. મારી પત્નીએ ભારતમાં ડરના માર્યા પાંચ વર્ષ સુધી ગાડી નહોતી ચલાવી, પણ અહીં તેણે બીજા જ મહિનામાં ડ્રાઈવિંગ શરૂ કરી દીધું.”
હવાની ગુણવત્તા અને હવામાન
દિલ્હીની પ્રદૂષિત હવા પછી અમેરિકાની શુદ્ધ હવા વિશે અમનને કહ્યું, “અહીં શ્વાસ લેવો એ અમૃત જેવું લાગે છે.” હવામાન વિશે તેને જણાવ્યું કે તેને શિયાળાની ઉદાસી (Winter Blues) વિશે ઘણી ચેતવણીઓ મળી હતી, પણ તેને બિલકુલ ઊલટું અનુભવાયું. તેણે કહ્યું, “મેં 40 ડોલરમાં એક સારું જેકેટ ખરીદ્યું અને તે પૂરતું હતું. બરફવર્ષા પછી આ જગ્યા કોઈ જાદુઈ દુનિયા જેવી લાગે છે.”
ફૂડ ડિલિવરી અને જીવનશૈલી
અમને જણાવ્યું કે તેને ભારતના ક્વિક કોમર્સ (ઝોમેટો, બ્લિંકઈટ) ની બિલકુલ યાદ નથી આવતી. તેણે કહ્યું, “હું ભારતમાં મોટેભાગે અનહેલ્ધી ખાવાનું જ ઓર્ડર કરતો હતો. અહીં ઇન્સ્ટાકાર્ટ જેવી એપ્સથી અઠવાડિયામાં એકવાર કરિયાણું મંગાવવું પૂરતું છે. મને રાંધવા વાળાની ખોટ સાલતી નથી, અહીં સાફ-સુથરા અને હાઈ ક્વોલિટી ખોરાકથી પ્રોટીનની જરૂરિયાત સરળતાથી પૂરી થાય છે.”
નોકરી અને માનસિક શાંતિ
નોકરી વિશે તેણે હકારાત્મકતા બતાવતા કહ્યું કે જો તમે મહેનત કરવા તૈયાર હોવ તો તકોના દરવાજા ઝડપથી ખુલે છે. તે પોતે હાલમાં એક અબજ ડોલરના વેન્ચર કેપિટલ ફંડ સાથે નાના સ્તરે કામ કરી રહ્યો છે. સતત હોર્ન વગાડવા અને ઘોંઘાટના અભાવે માનસિક શાંતિ મળે છે. અમનનું માનવું છે કે જો તમારી માનસિકતા નકારાત્મક ન હોય, તો તમે અમેરિકામાં રહેવાના ફાયદાઓની કદર કરી શકશો.

