JEE vs GATE Exam: એન્જિનિયરિંગમાં કારકિર્દી પસંદ કરતા પહેલા સૌથી મહત્વની પરીક્ષાઓ વિશે જાણવું જરૂરી છે. આમાં પહેલું નામ જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE) અને બીજું ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ (GATE) છે. બંને ટેસ્ટ એક વિદ્યાર્થીની શૈક્ષણિક અને વ્યાવસાયિક સફર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ આમાં શ્રેષ્ઠ વિકલ્પ કયો છે? પરીક્ષા શાના માટે હોય છે? પેટર્ન અને લાયકાતમાં કેવી રીતે અલગ છે? વગેરે. ચાલો અહીં જોઈએ બંને વચ્ચેનો તફાવત અને તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ વિશે.
JEE પરીક્ષા શું છે?
જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) એ રાષ્ટ્રીય સ્તરની એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા છે જે ભારતમાં BTech અને BE જેવા અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે લેવામાં આવે છે. JEE બે તબક્કામાં હોય છે. આમાં JEE મેઈન (NITs, IIITs અને અન્ય ટોચની કોલેજોમાં પ્રવેશ માટે) છે અને બીજી JEE એડવાન્સ્ડ (IITs) માં પ્રવેશ માટે હોય છે. આ પરીક્ષા ધોરણ 11 અને 12 ના સ્તર પર વિદ્યાર્થીના ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સના જ્ઞાન પર આધારિત હોય છે.
GATE પરીક્ષા શું છે?
ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ (GATE) એ રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા છે. તે એવા એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે છે જેઓ MTech, ME અથવા PhD પ્રોગ્રામ્સમાં પ્રવેશ મેળવવા માંગે છે. આ પરીક્ષા IITs, NITs અને IISc માટે લેવામાં આવે છે. તે ONGC, NTPC અને IOCL જેવી મોટી પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ (PSUs) માં ભરતી માટે પણ મહત્વપૂર્ણ છે. GATE ઉમેદવારના જનરલ એપ્ટિટ્યુડની સાથે સાથે કોર એન્જિનિયરિંગ વિષયોની સમજ પણ ચકાસે છે. આ પરીક્ષા વર્ષમાં એકવાર લેવામાં આવે છે.
JEE અને GATE વચ્ચે શું તફાવત છે?
JEE એવા વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી છે જેઓ IITs અને NITs જેવી ટોચની અંડરગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ સંસ્થાઓમાં પ્રવેશ લેવા માંગે છે. GATE એવા ગ્રેજ્યુએટ્સ માટે છે જેઓ ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે અથવા PSUs માં ટેકનિકલ નોકરી મેળવવા માંગે છે. JEE ૧૨મા ધોરણ પછી લેવામાં આવે છે જ્યારે GATE માટે ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકે છે. JEE સ્કૂલ લેવલના ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સના બેઝિક કોન્સેપ્ટ્સનું પરીક્ષણ કરે છે જ્યારે GATE કોર એન્જિનિયરિંગ વિષયોનું જ્ઞાન ચકાસે છે.
JEE અને GATE માટે લાયકાત
JEE લાયકાત માટે ઉમેદવારોનું ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ સાથે ૧૨મું ધોરણ પાસ હોવું જરૂરી છે. JEE Main અને JEE Advanced માટે ઉંમર અને પ્રયત્નોની (Attempt) મર્યાદા પણ છે. બીજી તરફ, GATE ની લાયકાતમાં ઉમેદવારની એન્જિનિયરિંગ, સાયન્સ અથવા તેને લગતા ક્ષેત્રમાં બેચલર ડિગ્રી પૂર્ણ થયેલી હોવી જોઈએ અથવા છેલ્લા વર્ષમાં હોવી જરૂરી છે. GATE પરીક્ષા માટે ઉંમરની કોઈ મર્યાદા નથી.
JEE અને GATE માં શ્રેષ્ઠ વિકલ્પ કયો છે?
JEE અને GATE બંને પરીક્ષાઓ પોતાના સ્તર પર શ્રેષ્ઠ છે. આમાંથી શ્રેષ્ઠ વિકલ્પ તમારા કારકિર્દીના લક્ષ્ય અને રુચિ પર આધારિત છે. જો તમે ૧૨મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છો અથવા ૧૨મું પાસ કર્યા પછી BTech અથવા BE કરવા માંગો છો તો JEE યોગ્ય વિકલ્પ છે. જો તમે એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છો અને ઉચ્ચ અભ્યાસ, સંશોધન અથવા સરકારી નોકરી ઈચ્છો છો તો GATE શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે તમારી રુચિ, શૈક્ષણિક લાયકાત અને વ્યાવસાયિક સફરને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરો.

