Medical College New Rules: ભારતમાં મેડિકલ કોલેજ ખોલવાનો અધિકાર હવે માત્ર સેક્શન 8 કંપનીઓ સુધી જ મર્યાદિત રહેશે નહીં. બિન-નફાકારક (નોન-પ્રોફિટ) અને નફાકારક (પ્રોફિટ) કંપનીઓ પણ દેશમાં મેડિકલ સંસ્થાઓની સ્થાપના કરી શકશે. ખુદ NMC ચેરમેન અભિજાત ચંદ્રકાંત સેઠે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે ‘પહેલા માત્ર નોન-પ્રોફિટ સેક્શન 8 કંપનીઓને જ ભારતમાં મેડિકલ કોલેજ સ્થાપવાની મંજૂરી હતી, પરંતુ બોર્ડ મીટિંગમાં હવે તે નિયમ હટાવી દેવામાં આવ્યો છે. આ સાથે જ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે PPP મોડ પર સંસ્થાઓ સ્થાપિત થઈ શકશે.’
નેશનલ મેડિકલ કમિશનના અધ્યક્ષે આંધ્રપ્રદેશના વિજયવાડામાં ડો. એનટીઆર યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા આ માહિતી આપી છે. નોંધનીય છે કે નીટ (NEET) ની તૈયારી અને મેડિકલનો અભ્યાસ કરનારાઓ માટે પણ આ કામના સમાચાર છે. કારણ કે આખરે તેનો ફાયદો તેમને પણ થશે, જ્યારે મેડિકલની બેઠકો વધશે, અભ્યાસની ગુણવત્તા સુધરશે અને ઉપલબ્ધ સંસાધનોનો મેડિકલના અભ્યાસમાં વધુ સારી રીતે ઉપયોગ થઈ શકશે.
મેડિકલ કોલેજોની ક્વોલિટી કેવી રીતે જાળવવામાં આવશે?
નેશનલ મેડિકલ કમિશનના ચેરમેન ડો. અભિજાત સેઠે એવું પણ કહ્યું કે PPP મોડ પર સંસ્થાઓના સંચાલનમાં ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે NMC દ્વારા એક અલગ એક્રેડિટેશન પ્રોસેસ અને SOP તૈયાર કરવામાં આવશે.
ડો. સેઠે આગળ કહ્યું કે ‘નેશનલ મેડિકલ કમિશનનું લક્ષ્ય છે કે મેડિકલના અભ્યાસને સામાન્ય લોકો માટે પણ સુલભ બનાવી શકાય. સાથે જ મેડિકલ એજ્યુકેશનનું સ્તર આંતરરાષ્ટ્રીય રાખી શકાય. આ માટે સમય સમય પર મેડિકલ કમિશન જરૂરી ફેરફારો કરી રહ્યું છે.’
ક્લિનિકલ રિસર્ચ અનિવાર્ય
NMC અધ્યક્ષે કહ્યું કે સમયની સાથે મેડિકલના અભ્યાસને વધુ સારો બનાવવા અને અપગ્રેડ કરવા માટે મેડિકલ કમિશને ક્લિનિકલ રિસર્ચને અનિવાર્ય બનાવ્યું છે. MBBS જેવા મેડિકલ કોર્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને જોડ્યું છે. ભવિષ્ય માટે જરૂરી ટેકનોલોજી અને ડિજિટલ હેલ્થકેર જેવી વસ્તુઓ ઉમેરવામાં આવી રહી છે.

