IAS Pari Bishnoi Success Story: UPSC દ્વારા દર વર્ષે ભારતની સૌથી અઘરી પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે UPSC CSEની પરીક્ષામાં લાખોની સંખ્યામાં ઉમેદવારો ભાગ લે છે. પરંતુ ખૂબ ઓછા લોકો આ પરીક્ષામાં સફળ થઈ શકે છે. એવામાં આજે તમને એક એવી UPSC ઉમેદવારની જર્ની વિશે જણાવીશું, જે બિશ્નોઈ સમાજમાંથી આવતી પહેલી મહિલા આઈએએસ અધિકારી બની છે.
અમે વાત કરી રહ્યાં છીએ IAS પરી બિશ્નોઈની, જે મૂળ રાજસ્થાનના અજમેરની રહેવાસી છે. પરી એક શિક્ષિત પરિવારમાંથી આવે છે. તેના પિતા મનીરામ બિશ્નોઈ વ્યવસાયે એક એડવોકેટ છે અને માતા સુશીલા બિશ્નોઈ અજમેરમાં રેલવે પોલીસ છે.
પરી બાળપણથી જ અભ્યાસમાં ખૂબ હોશિયાર હતી. તેણે ધોરણ 12થી નક્કી કરી લીધું હતું કે, તે IAS અધિકારી બનશે. જો કે, પરી માટે IAS બનવાની સફર સરળ નહોતી.
પરીએ પોતાનું શરૂઆતનું શિક્ષણ રાજસ્થાનથી લીધું હતું. ઇન્ટરમીડિએટ પછી તે ગ્રેજ્યુએશન માટે દિલ્હી ગઈ, જ્યાં તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી. જ્યારે અજમેરની એમડીએસ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી.
ગ્રેજ્યુએશન પછી પરીએ UPSC સિવિલ સેવાની તૈયારી શરૂ કરી દીધી હતી. બાળપણથી જ હોશિયાર અને મહેનતું હોવા છતાં પરી માટે UPSC ક્રેક કરવાની સફર સરળ રહી નહીં. પહેલા 2 પ્રયત્નમાં તેને નિષ્ફળતા મળી.
માતા-પિતાના સહયોગ અને પ્રોત્સાહન સાથે પરીએ પોતાના ત્રીજા પ્રયત્ન માટેની તૈયારી શરૂ કરી દીધી. UPSCની તૈયારી માટે પરીએ પોતાની રણનીતિમાં બદલાવ કર્યો અને તેની સાથે જ મોબાઈલ અને સોશિયલ મીડિયાથી પણ સંપૂર્ણ રીતે દૂર રહી.
પરીએ વર્ષ 2019માં UPSCની ત્રીજીવાર પરીક્ષા આપી. તેની વર્ષોની મહેનત, આત્મવિશ્વાસ અને સંયમના પરિણામે તેણે ત્રીજા પ્રયત્નમાં ઓલ ઇન્ડિયા 30મો રેન્ક મેળવ્યો. તેની સાથે તે માત્ર 23ની ઉંમરમાં IASના પદ પર પસંદગી થઈ.
IAS પરી બિશ્નોઈ UPSCની તૈયાર કરતા ઉમેદવારો માટે એક પ્રેરણા છે. પરીએ આદમપુર ધારાસભ્ય ભવ્ય બિશ્નોઈ સાથે લગ્ન કર્યા છે અને તે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભજનલાલના પરિવારની વહુ છે.