NEET PG Admission 2027: MD, MS અને પીજી ડિપ્લોમા અભ્યાસક્રમો માટે યોજાનારી NEET-PG 2027 પરીક્ષામાં પ્રવેશની પ્રક્રિયા હવે સીધી રહેશે. પર્સેન્ટાઇલ પદ્ધતિ દૂર કરીને હવે પ્રવેશ માટે રેન્ક આધારિત મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સિસ (NBEMS)ના પ્રમુખ ડૉ. અભિજાત સેઠે જણાવ્યું હતું કે જે રીતે MBBSમાં પ્રવેશ માટે NEET-UGમાં ઑલ ઇન્ડિયા રેન્ક પદ્ધતિ હોય છે, તેવી જ રીતે હવે NEET-PGમાં પણ ઉમેદવારોની ઑલ ઇન્ડિયા રેન્ક જાહેર કરવામાં આવશે.
જે વિદ્યાર્થીએ સૌથી વધુ સ્કોર મેળવ્યો હશે તેને ઑલ ઇન્ડિયા રેન્ક 1 આપવામાં આવશે. આ જ રીતે દરેક ઉમેદવારને રેન્ક આપવામાં આવશે. ડૉ. સેઠનું કહેવું છે કે પર્સેન્ટાઇલ આધારિત લાયકાતના માપદંડને કારણે કાઉન્સેલિંગમાં ઘણો સમય લાગતો હતો અને બેઠકો પણ ખાલી રહી જતી હતી. રેન્ક આધારિત મેરિટ પદ્ધતિમાં એક જ મેરિટ લિસ્ટ જાહેર થશે, સમયસર કાઉન્સેલિંગ પૂર્ણ થશે અને શૈક્ષણિક સત્રો પણ સમયસર શરૂ થશે. હાલમાં મેડિકલના પીજી અભ્યાસક્રમોમાં આશરે 86,000 બેઠકો છે.
NEET PG કાઉન્સેલિંગમાં પણ ફેરફાર
હવે કેન્દ્ર અને રાજ્ય સ્તરે કાઉન્સેલિંગ પહેલાંની જેમ જ થશે, પરંતુ પદ્ધતિમાં મોટો ફેરફાર થશે. NEET PGના પરિણામમાં પર્સેન્ટાઇલ સ્કોર નહીં હોય, પરંતુ ઉમેદવારોની ઑલ ઇન્ડિયા રેન્ક (AIR) હશે. બેઠકોની ફાળવણી સંપૂર્ણપણે માત્ર મેરિટ રેન્કના આધારે થશે. ખૂબ ઓછો અથવા નેગેટિવ સ્કોર ધરાવતા ઉમેદવારોને પ્રવેશ મળી શકશે નહીં. આ પહેલાંનાં વર્ષોમાં બેઠકો ખાલી રહેતી હોવાથી પર્સેન્ટાઇલ ઘટાડીને શૂન્ય અને ઘણી વખત તો માઇનસમાં પણ લઈ જવામાં આવતો હતો.
ધારો કે કોઈ કૉલેજમાં એક અભ્યાસક્રમ માટે 75,000 રેન્ક સુધીના ઉમેદવારને પ્રવેશ મળે છે અને તે રેન્ક પછી પણ બેઠકો ખાલી રહે છે, તો ત્યારબાદ 76,000 રેન્ક ધરાવતા ઉમેદવારને પણ પ્રવેશની તક મળી શકે છે. જે કૉલેજની માગ વધુ હોય છે, ત્યાં સારી રેન્ક ધરાવતા ઉમેદવારો પ્રવેશ મેળવે છે. આ જ રીતે કૉલેજ પ્રમાણે મેરિટ લિસ્ટ નક્કી થાય છે.
પર્સેન્ટાઇલ અને રેન્કિંગ પદ્ધતિ વચ્ચે શું તફાવત છે?
પર્સેન્ટાઇલ અને રેન્કિંગ પદ્ધતિ સંપૂર્ણપણે અલગ હોય છે. પર્સેન્ટાઇલ પદ્ધતિને સમજીએ તો કોઈ પરીક્ષામાં 1 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોય અને કોઈ વિદ્યાર્થીનો સ્કોર 90 હજાર વિદ્યાર્થીઓ કરતાં સારો હોય, તો તેનું પર્સેન્ટાઇલ 90 થાય છે. આ રીતે એક કરતાં વધુ ઉમેદવારોને 90થી 100 સુધીનું પર્સેન્ટાઇલ મળી શકે છે. પર્સેન્ટેજ અને પર્સેન્ટાઇલમાં પણ મોટો તફાવત છે. જો તમને 90 ટકા માર્ક્સ મળ્યા હોય અને કુલ ગુણ 400 હોય, તો 90 ટકાના હિસાબે તમને 360 ગુણ મળ્યા છે.
પરંતુ જો પરિણામ 90 પર્સેન્ટાઇલ હોય, તો તેનો અર્થ એ નથી કે તમારો સ્કોર 360 જ હશે. પર્સેન્ટાઇલનો અર્થ એ થાય છે કે તમને કેટલા વિદ્યાર્થીઓ કરતાં વધુ ગુણ મળ્યા છે. જેમ કે જો તમારું પર્સેન્ટાઇલ 90 ટકા હોય, તો તેનો અર્થ એ થયો કે તમે 90 ટકા ઉમેદવારો કરતાં વધુ માર્ક્સ મેળવ્યા છે. શક્ય છે કે તમને માત્ર 300 ગુણ મળ્યા હોય, પરંતુ 90 ટકા વિદ્યાર્થીઓનો સ્કોર તેનાથી ઓછો હોય. જ્યારે રેન્કિંગમાં વિદ્યાર્થીને મળેલા ગુણના આધારે પ્રથમથી લઈને છેલ્લી રેન્ક આપવામાં આવે છે.
ધારો કે કોઈ ઉમેદવારે 400માંથી 399 ગુણ મેળવ્યા છે અને તેના કરતાં વધુ ગુણ કોઈએ મેળવ્યા નથી, તો તેને પ્રથમ રેન્ક આપવામાં આવશે. એકસરખા ગુણ હોવાના કિસ્સામાં ટાઇ બ્રેકિંગના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. બેઠકોની ફાળવણીમાં સીધી રીતે રેન્કના આધારે નક્કી થાય છે કે કયા ઉમેદવારને કઈ કૉલેજ મળશે.

