NEET PG Cut off Low Score: મેડિકલ શિક્ષણમાં આંચકાજનક વળાંક: 800 માંથી માઈનસ 12 માર્ક્સ છતાં NEET PG માં મળી સરકારી કોલેજ, શું ખતરામાં છે શિક્ષણનું સ્તર?

Arati Parmar
3 Min Read

NEET PG Cut off Low Score: સરકારી મેડિકલ કોલેજોમાં હવે -12 અને -8 નંબર ધરાવતા ઉમેદવારોને પણ પોસ્ટગ્રેજ્યુએટ (PG) બેઠકો મળી રહી છે. હાઈ-રિસ્ક ક્લિનિકલ સ્પેશિયાલિટી અને કોર ક્લિનિકલ મેડિકલ બ્રાન્ચમાં લો સ્કોરરને બેઠકો મળવી એ ચિંતાનો વિષય છે.

NEET PG લો સ્કોર એડમિશન
કેન્દ્ર સરકાર દ્વારા નીટ પીજી (NEET PG) ના કટ-ઓફમાં ધરખમ ઘટાડો કરવાના નિર્ણય બાદ ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ વખતે માત્ર સિંગલ ડિજિટ સ્કોર જ નહીં, પરંતુ -8 સ્કોર કરનાર ઉમેદવારોને પણ દેશની ટોચની સરકારી મેડિકલ કોલેજ મળી રહી છે. સૌથી આશ્ચર્યજનક એડમિશન હરિયાણા અને તમિલનાડુની ટોચની સરકારી મેડિકલ કોલેજોમાં સામે આવ્યા છે, જ્યાં -8 અને -12 સ્કોર પર પણ બેઠકો મળી છે.

- Advertisement -

વાસ્તવમાં, નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) એ 13 જાન્યુઆરીએ નીટ પીજી કાઉન્સેલિંગ માટે કટ-ઓફ ખૂબ જ ઓછો કરી દીધો. આ સુધારેલા માપદંડો NEET-PG 2025-26 ના ત્રીજા રાઉન્ડના કાઉન્સેલિંગ પર લાગુ થયા. હવે માઈનસ સ્કોર ધરાવતા ઉમેદવારોને પણ હાઈ-રિસ્ક ક્લિનિકલ સ્પેશિયાલિટી અને મેડિકલ કોર્સમાં એડમિશન આપવામાં આવી રહ્યું છે.

NEET માં -12 મેળવનારને મળી મેડિકલ સીટ
નીટ પીજીના ત્રીજા રાઉન્ડમાં કટ-ઓફ એટલો નીચે ગયો છે કે 800 માંથી માઈનસ નંબર લાવનારને પણ સીટ મળી રહી છે. તમિલનાડુની એક કોલેજમાં ફિઝિયોલોજીની સીટ -12 નંબર મેળવનારને મળી છે. અન્ય ચોંકાવનારા એડમિશન નીચે મુજબ છે:

- Advertisement -

બ્રાન્ચ,લો સ્કોર (800 માંથી)
ફિઝિયોલોજી,-12
બાયોકેમિસ્ટ્રી,-8
ઓર્થોપેડિક્સ,4
ટ્રાન્સફ્યુઝન મેડિસિન,10
એનાટોમી,11
ગાયનેકોલોજી,44
જનરલ સર્જરી,47

સુધારેલો કટ-ઓફ
જનરલ અને EWS ઉમેદવારો માટે ક્વોલિફાઈંગ પર્સન્ટાઈલ 50 થી ઘટાડીને 7 કરવામાં આવ્યો છે (સ્કોર 276 થી ઘટીને 103 થયો). સૌથી મોટો ફેરફાર SC, ST અને OBC કેટેગરી માટે છે, જ્યાં ક્વોલિફાઈંગ પર્સન્ટાઈલ ઘટાડીને ઝીરો (0) કરી દેવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે 800 માંથી માઈનસ 40 લાવનાર પણ મેડિકલ પીજી કરી શકે છે.

- Advertisement -

સરકારનો તર્ક અને કોર્ટની ચિંતા
આ નિર્ણય જુલાઈ 2022 ના નિર્ણય કરતા બિલકુલ વિપરીત છે, જ્યારે કેન્દ્રએ દિલ્હી હાઈકોર્ટમાં તર્ક આપ્યો હતો કે શિક્ષણનું સ્તર જાળવવા માટે લઘુત્તમ લાયકાત જરૂરી છે. તાજેતરના મામલે સરકાર અને NBEMS એ સુપ્રીમ કોર્ટમાં 18,000 સીટો ખાલી ન રહે તેવો તર્ક આપ્યો છે. જોકે, સુપ્રીમ કોર્ટે ડોક્ટરોની યોગ્યતા અને મેડિકલ એજ્યુકેશનના સ્તર પર આશ્ચર્ય અને ચિંતા વ્યક્ત કરી છે. આગામી સુનાવણી માર્ચમાં થવાની સંભાવના છે.

Share This Article