Success Story of Shashi Soni : છોકરીઓએ કામ કે નોકરી ન કરવી જોઇએ, તેઓએ ઘર કામમાં ધ્યાન આપવું જોઇએ… આવું કહેતા તમે ઘણા લોકોને સાંભળ્યા હશે. પરંતુ આ સમયમાં કેટલીક મહિલાઓ એવી છે, જેણે આ વાતોને એકદમ ખોટી સાબિત કરી બતાવી છે. તેમણે પોતાના જીવનમાં એવા કાર્યો અને સિદ્ધિઓ હાંસલ કરી છે કે સમાજ તેમને સન્માન અને પ્રેરણાની દ્રષ્ટિએ જોવા લાગ્યો છે.
સામાન્ય રીતે મહિલાઓ ગૃહ ઉદ્યોગ કરવાનું પસંદ કરે છે. જ્યારે ટ્રાવેલિંગ જેવો બિઝનેસ તેમના માટે કમ્ફર્ટેબલ માનવામાં નથી આવતો. પરંતુ આજે અમે તમને એક એવી મહિલાની કહાની જણાવીશું, જેણે આ વિચારધારાને ખોટી સાબિત કરી બતાવી છે. અમે વાત કરી રહ્યા છીએ, શશિ સોનીની, જે આજે 4000 કરોડ રૂપિયાની કંપનીની માલકિન છે.
10 હજાર રૂપિયાથી શરૂ કર્યો હતો બિઝનેસ
શશિ સોનીએ પોતાનો બિઝનેસ 10,000 રૂપિયાથી શરૂ કર્યો હતો. વર્ષ 1971માં આ નાની રકમથી શશિ સોનીએ દીપ ટ્રાન્સપોર્ટના નામથી બિઝનેસ શરૂ કર્યો અને તે વર્ષ 1975 સુધી ચાલ્યો.
શશિ સોનીએ બિઝનેસની દુનિયામાં પ્રવેશ કર્યા પછીના પ્રથમ 10 વર્ષ સંઘર્ષથી ભરેલા રહ્યા હતા. મૈસુરમાં ઓક્સિજન પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના પછી તેમનો સંઘર્ષ સફળતામાં પરીવર્તિત થવા લાગ્યો. જેમ જેમ તેમનો બિઝનેસ આગળ વધવા લાગ્યો તેમ તેમ તેમણે ટેકનિકલ ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો.
વર્ષ 2005માં તેમણે IZMO લિમિટેડ નામની કંપની શરૂ કરી. આ કંપની માર્કેટ સોલ્યુશન્સ આપે છે. આજે, કંપની યુએસ, યુરોપ અને એશિયામાં હાઇ-ટેક ઓટોમોટિવ અને ઇ-રિટેલિંગ સોલ્યુશન્સ સર્વિસ આપે છે. શશીની આ કંપની BSE (બોમ્બે સ્ટોક એક્સચેન્જ) અને NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ)માં પણ લિસ્ટેડ છે.
સ્ત્રીઓ માટે કામ
શશિનું નામ માત્ર બિઝનેસ જગત પૂરતું મર્યાદિત નથી. સોશ્યલ વેલફેરમાં પણ તેઓ આગળ છે. તેમની દીપ જનસેવા સમિતિ મહિલા શિક્ષણ, રોજગાર, પેન્શન યોજનાઓ અને દિવ્યાંગોની સારસંભાળ વગેરે માટે કામ કરે છે. તેમણે હજારો લોકોને સારું જીવન જીવવામાં મદદ કરી છે.
મળ્યા છે અનેક એવોર્ડ્સ
શશિને ભારત સરકાર તરફથી ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડ્સ મળ્યા છે. વર્ષ 1990માં તેમને મહિલા ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો. વર્ષ 2024માં તેમને પદ્મભૂષણ એવાર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તેઓ ઓલ ઈન્ડિયા ઈન્ડસ્ટ્રીયલ ગેસ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન અને ડિરેક્ટોરેટ ઓફ ટેકનિકલ ડેવલપમેન્ટની મેનેજિંગ કમિટીના પણ એક ભાગ હતા.

