Success Story of Veeba Foods Viraj Bahal: આપણા જીવનમાં ક્યારેક તો એવો સમય આવે છે, જ્યારે આપણે લાગે છે કે બધું ખતમ થઈ ચૂક્યું છે. પરંતુ હકીકતમાં આવું નથી હોતું. આ સમય તમારા જીવનને સુધારવા માટે આવતો હોય છે. જેનું ઉત્તમ ઉદાહરણ એક ભારતીય બિઝનેસમેન છે. આ વ્યક્તિનું રેસ્ટોરન્ટ અસફળ થવાથી તેણે પોતાનું ઘર વેચવું પડ્યું હતું. પરંતુ આજે આ વ્યક્તિ 1000 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. આજે અમે તમારી સાથે એવા વ્યક્તિની સક્સેસ સ્ટોરી શેર કરવા જઈ રહ્યા છીએ, જેની બ્રાન્ડની પ્રોડક્ટ આજે લગભગ દરેક ભારતીયના ફ્રિજમાં જોવા મળે છે.
આ વ્યક્તિ છે વીબા ફૂડ્સના ફાઉન્ડર વિરાજ બહલ. શાર્ક ટેન્ક ઇન્ડિયાની નવી સીઝનમાં વિરાજની એન્ટ્રી થવા જઈ રહી છે. વિરાજની અહીં સુધીની યાત્રા સરળ નહોતી રહી. તેઓ જીવનમાં ઘણી વખત અસફળ થયા હતા, પરંતુ તેમણે હાર ન માની. જણાવી દઈએ કે, તેમણે આ કંપનીનું નામ પોતાની માતાના નામ વિભા બહલના નામ પર “વીબા” રાખ્યું છે. ત્યારે અહીં જાણીશું વિકાસ બહલની સક્સેસ સ્ટોરી વિશે.
ક્યાંથી શરુ કર્યું કામ?
વિરાજે વીબા ફૂડ્સની શરૂઆત 2013માં કરી હતી. તેમને બિઝનેસમાં નાની ઉંમરથી જ રસ હતો. બાળપણમાં વિરાજ પોતાના પિતા રાજીવ બહલ સાથે ફેકટરીમાં જતા હતા, જેને લઈને તેમની ફૂડ પ્રોસેસિંગની સમજ સુધરી હતી. તેમને પ્રથમ નોકરી આહાર દિલ્હી બિઝનેસ ફેરમાં ફન ફૂડ્સ સ્ટોલ પર હતી.
વિરાજે મરીન એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો છે, તેમને આ ફિલ્ડમાં નોકરી પણ મળી ગઈ હતી. પરંતુ તેમનું મન બિઝનેસ કરવામાં લાગ્યું હતું. વિરાજના પિતા રાજીવ બહલ ઇચ્છતા હતા કે વિરાજ બિઝનેસની દુનિયામાં ઉતરે તે પહેલાં આર્થિક રીતે થોડો સ્ટેબલ થઇ જાય.
વર્ષ 2002માં વિરાજ પોતાના માતાપિતાની કંપની ફન ફૂડ્સ સાથે કામ કરવા લાગ્યા. રાજીવના નેતૃત્વમાં કંપનીએ ખૂબ પ્રગતિ કરી. પરંતુ વર્ષ 2008માં એવી પરિસ્થિતિઓ બની કે પરિવારને ફન ફૂડ્સને જર્મન બ્રાન્ડ ડૉ. ઓટેકરને 110 કરોડ રૂપિયામાં વેચવી પડી. વિરાજ તેના વિરુદ્ધ હતા, પરંતુ તેમને આ નિર્ણય સ્વીકારવો પડ્યો.
ફેઈલ થયો રેસ્ટોરન્ટ બિઝનેસ
ફન ફૂડ્સને વેચ્યા બાદ વિરાજે 2009માં “પોકેટ પૂલ” નામથી એક રેસ્ટોરન્ટ સિરીઝ શરુ કરી હતી. તેમણે એકથી 6 દુકાનો બનાવી લીધી હતી. જોકે, તેમાં લોસ થવા લાગ્યો અને વર્ષ 2013માં તેને બંધ કરવો પડ્યું. જેના કારણે વિરાજની સ્થિતિ આર્થિક રીતે નબળી થઇ ગઈ.
શરુ કર્યો નવો બિઝનેસ
વર્ષ 2013માં વિરાજે તેની પત્ની સાથે એક નવો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું, આ બિઝનેસને તેમણે વીબા ફૂડ્સ નામ આપ્યું. પૈસાની અછત હોવાથી તેમણે આ બિઝનેસ શરૂ કરવા માટે પોતાનું ઘર વેચી દીધું. વીબાની શરૂઆત રાજસ્થાનના નીમરાણામાં થઈ હતી અને ધીમે ધીમે તેને આખી દુનિયામાં ઓળખ મળી હતી.
વીબા ફૂડ્સે છેલ્લા કેટલાક વર્ષોમાં સારો પ્રોફિટ નોંધાવ્યો છે અને વર્ષ 2023-24માં કંપનીની આવક રૂ. 1,000 કરોડ સુધી પહોંચી શકે છે. વીબા શેરબજારમાં લિસ્ટેડ નથી, પરંતુ વિરાજ કંપનીમાં નોંધપાત્ર ભાગીદારી ધરાવે છે અને રોકાણકારોનો સપોર્ટ પણ છે.

