નવી દિલ્હી, તા. 19 : `નીટ’ની પરીક્ષામાં ગરબડ તેમજ ગેરરીતિ ગ્રેસિંગ માર્ક સહિત મુદ્દે દેશભરમાં વકરેલા વિવાદ વચ્ચે `નીટ’ જેવા ગોટાળાનું પુનરાવર્તન ટાળવાના હેતુ સાથે 18મી જૂનના લેવાઇ ગયેલી યુજીસી-નેટની પરીક્ષા કેન્દ્ર સરકારે રદ્ કરી નાખી છે. પરીક્ષાની પારદર્શકતા સાથે બાંધછોડ થઇ?હોવાની શક્યતા વ્યકત કરતાં નેશનલ સાયબર ક્રાઇમ થ્રીટ એનેલિટીક્સ યુનિટ તરફથી મળેલી બાતમીને ગંભીરતાથી ધ્યાને લેતાં સરકારે આ મામલાની તપાસ સીબીઆઇને સોંપી પણ?દીધી છે.

યુજીસી-નેટ (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, નેશનલ એલિજીબિલિટી ટેસ્ટ) દેશભરની યુનિવર્સિટીઓમાં પીએચડી પ્રવેશ, જુનિયર રિસર્ચ ફેલોશીપ (જેઆરએફ) તેમજ કોલેજોમાં સહાયક પ્રાધ્યાપક તરીકે પાત્રતા માટે લેવાય છે. નેટ પરીક્ષા લેવાયાના બીજા જ દિવસે બુધવારે `નીટ’ પરીક્ષા મુદ્દે આરોપોનો સામનો કરી રહેલી રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (એનટીએ)ને આમ મહત્ત્વપૂર્ણ પરીક્ષા પણ રદ્ કરવાની ફરજ પડી છે. દેશભરના 31 શહેરોમાં 1205 પરીક્ષા મથકો પરથી લેવાયેલી આ પરીક્ષા ગઇકાલે મંગળવારે આપનાર 11 લાખથી વધુ વિદ્યાર્થીઓને નેટ કસોટી રદ થતાં નિરાશ થવાનો સમય આવ્યો છે. દેશના ગૃહમંત્રાલય હેઠળના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટરની એજન્સી નેશનલ સાયબર ક્રાઇમ થ્રીટ એનેલિટિકસ યુનિટ તરફથી આજે જ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને એવી બાતમી મળી હતી કે, નેટની પરીક્ષાની પારદર્શકતા ગરબડના ગેરકાનૂની કૃત્યથી ખંડિત કરાઇ હોવાની પ્રબળ આશંકા છે. આ બાતમીની ત્વરીત પ્રતિક્રિયામાં દેશના શિક્ષણ મંત્રાલયે પરીક્ષાની `પારદર્શકતા અને અખંડિતતા’ જાળવવાના હેતુ સાથે રદ્ કરવાનો ફેંસલો વિના વિલંબ લઇ લીધો હતો.
હવે નવેસરથી યુજીસી-નેટ પરીક્ષાની તારીખ, સમયપત્રકની વિગતોની ઘોષણા આવનારા સમયમાં અલગથી કરાશે. ગઇકાલે 18મી જૂનના દિવસે ઓએમઆર પ્રણાલી સાથે એક જ દિવસમાં બે પાળીમાં યોજાઇ હતી, જેમાં 83 વિષયો સામેલ કરાયા હતા. અગાઉ નેટની પરીક્ષા ઓનલાઇન સીબીટી એટલે કે, કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ રૂપે લેવાતી હતી.

