UPSC AI Face Authentication: સંઘ લોક સેવા આયોગ (UPSC) ભરતી પરીક્ષાઓને લઈને 2026માં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. UPSC એક્ઝામની તમામ પરીક્ષાઓ પહેલા AI ‘ફેસ ટેસ્ટ’ લેશે, જેમાં પાસ થનારા ઉમેદવારો જ ભરતી પરીક્ષા આપી શકશે. આ ફેરફાર 2026 થી UPSCની તમામ પરીક્ષાઓમાં થવા જઈ રહ્યો છે. આયોગે (UPSC) નોટિસ જારી કરીને નવા ફેરફારની જાણકારી આપી છે.
UPSC દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, હવે UPSCની તમામ ભરતી પરીક્ષાઓ પહેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા તમામ પરીક્ષાર્થીઓનો ‘ફેસ ટેસ્ટ’ એટલે કે ‘ફેસ ઓથેન્ટિકેશન’ કરવામાં આવશે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે આ એક ક્રાંતિકારી કદમ માનવામાં આવી રહ્યું છે. કારણ કે AI ફેસ ઓથેન્ટિકેશન દ્વારા છેતરપિંડી કરનારાઓને પકડી શકાશે અને પરીક્ષાની શુદ્ધતા પહેલા કરતા વધુ સુરક્ષિત થશે.
UPSC ફેસ ઓથેન્ટિકેશન કઈ પરીક્ષાઓમાં થશે
આયોગ દ્વારા 10 જાન્યુઆરીએ જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, AI દ્વારા પરીક્ષાર્થીઓનું ફેસ ઓથેન્ટિકેશન UPSCની તમામ પરીક્ષાઓમાં લાગુ થશે. આમાં UPSCની સૌથી પ્રતિષ્ઠિત અને અઘરી પરીક્ષાઓમાંની એક સિવિલ સર્વિસ પરીક્ષા (IAS-IPS એક્ઝામ), UPSC NDA અને UPSC CDS એક્ઝામ પણ સામેલ છે.
UPSC AI ફેસ ઓથેન્ટિકેશનથી શું થશે?
અધિકારીઓના જણાવ્યા અનુસાર, UPSC જેવી સરકારી ભરતી પરીક્ષાઓમાં AI ફેસ ઓથેન્ટિકેશન સિસ્ટમ ન માત્ર નકલી ઉમેદવારોની ઓળખ કરશે, પરંતુ મેન્યુઅલ ચેકિંગની સરખામણીમાં વધુ ઝડપી અને ભરોસાપાત્ર પણ છે. આનાથી પરીક્ષાઓમાં થતી છેતરપિંડી અને ડમી કેન્ડિડેટ્સ (બીજાના સ્થાને એક્ઝામ આપનારા ઉમેદવારો) જેવી ઘટનાઓને રોકવામાં 100% મદદ મળશે.
2026 થી આટલી બદલાઈ જશે એક્ઝામ સેન્ટર પર એન્ટ્રી
UPSC ભરતી પરીક્ષા માટે એક્ઝામ સેન્ટર પર થતી એન્ટ્રી 2026 થી પહેલા જેવી રહેશે નહીં. અત્યાર સુધી ઉમેદવારો એક્ઝામ સેન્ટરના એન્ટ્રી ગેટ પર એડમિટ કાર્ડ અને વેલિડ આઈડી પ્રૂફ બતાવીને એન્ટ્રી કરતા હતા. પરંતુ હવે એક્ઝામ સેન્ટરના ગેટ પર AI ફેસ ઓથેન્ટિકેશન થશે. ગેટ પર લાગેલા સ્પેશિયલ કેમેરાની મદદથી પરીક્ષાર્થીઓનો લાઈવ ફોટો કેપ્ચર થશે અને સેકન્ડ્સમાં એનાલિસિસ થશે. ઉમેદવારના ફોર્મ સાથે ફોટોનું મિલાન કર્યા પછી એન્ટ્રી આપવામાં આવશે.
ઉમેદવારોએ શું કરવું પડશે?
AI ફેસ ઓથેન્ટિકેશન સિસ્ટમ લાગુ થયા પછી, ઉમેદવારે ફોર્મ ભરતી વખતે લેટેસ્ટ ફોટો અપલોડ કરવો પડશે. ફોર્મનો ફોટો વધુ જૂનો અને ધૂંધળો હોવા પર એક્ઝામ સેન્ટર પર એન્ટ્રી કરતી વખતે મુશ્કેલી થઈ શકે છે. એક્ઝામ સેન્ટર પર ઓછામાં ઓછા એક કલાક પહેલા પહોંચવું પડશે, જેથી શરૂઆતમાં થનારી પ્રક્રિયાને સરળતાથી સમયસર પાર કરી શકાય. આ ઉપરાંત જરૂરી ડોક્યુમેન્ટ્સ જેવા કે એડમિટ કાર્ડ અને ફોટો આઈડી પ્રૂફ પણ સાથે લઈ જવા પડશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે AI ફેસ ઓથેન્ટિકેશન સંબંધિત કોઈપણ પ્રકારની જાણકારી માટે માત્ર આયોગની ઓફિશિયલ વેબસાઈટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જ વિશ્વાસ કરે. તાજી જાણકારી માટે વેબસાઈટ પર નજર રાખતા રહો.

