રૂા. 500 કરોડનું ડ્રગ્સ જપ્ત
રૂા. 500 કરોડનું ડ્રગ્સ જપ્ત
અમદાવાદ, તા. 22 : `ગરવી ગુજરાત’ને `ઊડતા ગુજરાત’ બનાવવાના નાપાક પ્રયાસોને નાકામ કરવામાં મોટી સફળતા મેળવતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઇંટેલિજન્સ (ડીઆરઆઇ)એ સંયુક્ત અભિયાન છેડીને મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી 500 કરોડનો ડ્રગ્સનો જંગી જથ્થો પકડી પાડયો છે. નશાના કાળા કારોબારના આ કૌભાંડમાં ત્રણ શખ્સની ધરપકડ પણ કરી લેવાઇ છે. આ ધાક બેસાડતી કાર્યવાહીથી ડ્રગ્સ માફિયા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. ગુજરાતની કાનૂની એજન્સીઓ છેક મહારાષ્ટ્ર સુધી કઇ રીતે પહોંચી, તેવું પૂછાતાં અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રથી આવતી લકઝરી બસ અને ટ્રેન મારફતે ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડાઇ રહ્યું હોવાની બાતમી મળી હતી. ક્રાઇમ બ્રાન્ચે પકડેલા કેટલાક ડ્રગ પેડલર્સ પાસેથી જાણવા મળ્યું હતું કે, ઔરંગાબાદ સ્થિત એમઆઇડીસીમાં ત્રણ કંપનીની ફેક્ટરીમાંથી સાડી અને કાપડમાં છુપાવીને ડ્રગ્સ અમદાવાદ લવાતું હતું. ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધના આ ઓપરેશનમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 15 દિવસથી ઔરંગાબાદમાં ધામા નાખ્યા હતા અને ડ્રગ્સ માફિયાઓની સમગ્ર ગતિવિધિની જાણકારી મેળવી આ ઓપરેશન પાર પાડ્યું હતું. આ ઓપરેશનમાં ત્રણ ડ્રગ્સ માફિયા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં મુખ્ય આરોપી સુરતનો હોવાનું સામે જાણવા મળ્યું છે. આરોપીઓ દેશના વિવિધ રાજ્યોમાં ડ્રગ્સ સપ્લાય કરતા હતા. ડ્રગ્સ માફિયાઓ પાસેથી 500 કરોડની કિંમતનો ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 25 હજાર લિટર રો મટિરિયલનો સમાવેશ થાય છે. ડીઆરઆઇમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર એક આરોપીની રહેણાકની જગ્યાએ તપાસ કરતાં આશરે 23 કિલો કોકેઇન, 2.9 કિલો મેફેડ્રોન તેમજ રૂા. 30 લાખનું ભારતીય ચલણ મળી આવ્યું હતું. આ સાથે મેફેડ્રોન અને કેટામાઇનનાં ઉત્પાદન સાથે સંકળાયેલી મહાલક્ષ્મી નામની પૈઠણ, એમઆઇડીસીમાં આવેલી ફેક્ટરી મળી આવી હતી. જ્યાંથી કુલ 4.5 કિ.ગ્રા. કેટામાઇન અને અન્ય 9.3 કિ.ગ્રા. મેફેડ્રોનનું મિશ્રણ મળી આવ્યું હતું. આ નાક્રોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોની બજાર કિંમત રૂા. 250 કરોડથી વધુ હોવાનું જણાયું છે. આ તમામ પદાર્થો એનડીપીસી એક્ટ 1985ની સંબંધિત જોગવાઇઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસની વધુ તપાસ ચાલુ છે. અહીં નોંધવું ઘટે કે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર અમલમાં છે. દારૂ-ડ્રગ્સ ઉપરાંત અફીણ-ગાંજાનો ધૂમ વેચાણ થઇ રહ્યું, જેથી યુવા પેઢી નશાનો શિકાર બની રહી છે. હપ્તારાજને કારણે માફિયા-બુટલેગરોને જાણે ખુલ્લો દોર મળ્યો છે. આ પરિસ્થિતિ એટલી હદે કથળી છે કે, ગુજરાત આજે ઊડતા ગુજરાતમાં પરિવર્તિત થઇ રહ્યું છે. તેનું કારણ એ છે કે, બંદરેથી ડ્રગ્સ પકડાઇ રહ્યું છે, તો શહેરોમાંથી વિદેશી દારૂ અને ખેતરોમાંથી ગાંજો ઝડપાઇ રહ્યો છે. છેલ્લા બે-ત્રણ મહિનામાં જ ગુજરાતમાં ખેતરોમાં ગાંજાનું વાવેતર કરાયું હોય તેવી એકાદ બે નહીં, સાતેક ઘટના બની છે. આ પરથી ગુજરાત પોલીસે કેટલી સતર્ક છે અને માફિયાઓને પોલીસનો કોઇ ડર જ નથી તે સાબિત થઇ રહ્યું છે.