બદમાશો 8.94 લાખનો સામાન લઈ ગયા હતા
ડુમસ રોડ સ્થિત વાસ્તુ લક્ઝુરિયા એપાર્ટમેન્ટમાં સોમવારે દિવસભર બંધ ફ્લેટમાં ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અજાણ્યા ચોરોએ ફ્લેટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા 8.94 લાખની ચોરી કરી હતી. ફ્લેટ માલિક પ્રિયંકાબેન ધર્મેશભાઈ કોઠારી તેમના પરિવાર સાથે બપોરે 1 થી 8 વાગ્યા દરમિયાન બહારગામ ગયા હતા. આ દરમિયાન ચોરોએ તેમના ફ્લેટને નિશાન બનાવ્યું હતું.
બાથરૂમની બારી તોડીને ચોરો ફ્લેટમાં પ્રવેશ્યા હતા
ફ્લેટના પહેલા માળે આવેલા બેડરૂમની એટેચ્ડ બાથરૂમની બારીના કાચ તોડીને ચોરો ફ્લેટમાં પ્રવેશ્યા હતા. પ્રિયંકાબેનના બેડરૂમના ડ્રોઅરમાં રાખેલા સોનાના દાગીના, સોનાની બંગડી, સોનાની ચેન, સોનાની હીરાની વીંટી અને રોકડા રૂ. 10,000 મળી કુલ રૂ. 8.94 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
રાત્રે પરત આવતાં ચોરીની જાણ થઈ હતી
રાત્રે ઘરે પરત ફરતા પ્રિયંકાબેનને ખબર પડી કે તેમના ઘરમાં ચોરી થઈ છે. તેમણે તાત્કાલિક ઉમરા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધ્યો હતો
પ્રિયંકાબેનની ફરિયાદના આધારે ઉમરા પોલીસે અજાણ્યા ચોર સામે ચોરીનો ગુનો નોંધ્યો છે. પોલીસ આરોપીને શોધી રહી છે.