Rajkot Parents Murder Son: ગુજરાતના રાજકોટમાં એક ૨૨ વર્ષના યુવાનનો મૃતદેહ તેના જ ઘરમાંથી મળી આવ્યો હતો. બેરોજગાર યુવાનના મૃત્યુ બાદ તેના માતા-પિતાની રડી-રડીને ખરાબ હાલત હતી. પોલીસે મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. મામલો આત્મહત્યાનો નોંધીને પોલીસે તપાસ શરૂ કરી હતી. શરૂઆતથી જ તમામ ઘટનાક્રમ આત્મહત્યાનો જ લાગતો હતો પરંતુ નિવેદન નોંધાયા બાદ અને તપાસ આગળ વધતા જે ખુલાસો થયો, તે આઘાતજનક હતો. યુવાનની હત્યા તેના જ માતા-પિતાએ કરી હતી.
ઘટના ગોંડલ તાલુકાના ગુંદાલા ગામની છે. મૃતક યુવાનનું નામ રામ બંભવા હતું. રામની ૨૦ વર્ષની પત્ની બંસીની ફરિયાદ પર પોલીસે કેસ નોંધી લીધો છે. એફઆઈઆર (FIR) મુજબ ઘટના ૩૦ જૂનની છે.
૫ મહિના પહેલા થયા હતા લગ્ન
બંસીએ આરોપ લગાવ્યો કે તેની સાસુ મનીષા ઉર્ફે મોતી બંભવા (૪૫) એ તેના પતિને જબરદસ્તી એસિડ પીવડાવ્યું અને પછી તેના પિતા બાબુ ઉર્ફે અતુલ બંભવા (૪૭) એ તેનું ગળું દબાવી દીધું. તેની ફરિયાદના આધારે, ગોંડલ તાલુકા પોલીસે કપલ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો અને બંનેની ધરપકડ કરી લીધી. એફઆઈઆર મુજબ, બંસીએ પાંચ મહિના પહેલા રામ સાથે લગ્ન કર્યા હતા. તેણે આરોપ લગાવ્યો કે તેનો પતિ અવારનવાર દારૂ પીને ઘરે આવતો હતો અને તેના પિતા સાથે ઝઘડો કરતો હતો.
માવતરમાં જ હતી પત્ની
૨૯ જૂનના રોજ રામ તેની પત્ની બંસી સાથે તેના માવતરે ગયો હતો, જ્યાં રામના દારૂ પીવાના કારણે તેના પિતા સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તેના પિતાએ રામના પિતાને ફોન કરીને રામની ફરિયાદ કરી હતી. તેમણે રામને તરત આવીને ઘરે લઈ જવાનું કહ્યું હતું. બીજા દિવસે, જ્યારે બંસી તેના માતા-પિતાના ઘરે હતી, ત્યારે તેને જણાવવામાં આવ્યું કે એસિડ પીવાથી રામનું મોત થઈ ગયું છે.
સસરા પક્ષના લોકોએ પોતે હત્યા કરી હોવાની વાત કરી હોવાનો દાવો
અંતિમ સંસ્કાર બાદ, સસરા પક્ષના લોકોએ તેને જણાવ્યું કે રામ ૩૦ જૂનના રોજ દારૂ પીને ઘરે પરત ફર્યો હતો અને પોતાના પિતા સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડા દરમિયાન, તેની માતાએ કથિત રીતે જબરદસ્તી તેના ગળામાં એસિડ રેડી દીધું હતું. જ્યારે તે સંઘર્ષ કરવા લાગ્યો, તો તેના પિતાએ તેનું મોઢું બંધ કરી દીધું અને ગળું દબાવી દીધું. બંસીએ એવો પણ આરોપ લગાવ્યો કે તેના સસરા પક્ષના લોકોએ તેને આ ઘટના વિશે કોઈને ન જણાવવાની ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે જો સત્ય સામે આવ્યું તો પરિવારની બદનામી થશે.
ગળું દબાવીને હત્યાના મળ્યા પુરાવા
રાજકોટના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે મૃત્યુના સંજોગો શંકાસ્પદ લાગતા હતા, તેથી પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો આદેશ આપ્યો. ગુર્જરે કહ્યું કે તપાસમાં મૃતકના ગળા પર ગળું દબાવવાના નિશાન મળ્યા અને મૃત્યુનું કારણ એસિડ પીવું નહીં, પરંતુ ગળું દબાવવું હોવાનું જણાયું.
મૃતકની પત્નીનું નિવેદન પણ આ વાતની પુષ્ટિ કરે છે. તપાસ અધિકારી યુ. આર. દામોરે જણાવ્યું કે આરોપીઓની ૨ જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી અને ૩ જુલાઈના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. પોલીસે ઘટનામાં કથિત રીતે વપરાયેલી એસિડની બોટલ, આરોપીઓના કપડાં અને પીડિતની ઉલટીથી ખરડાયેલી ચાદર જપ્ત કરી લીધી છે.

