Kalupur Swaminarayan Controversy: કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ‘ધર્મની આડમાં ધિરાણ’નો મોટો ખુલાસો

Arati Parmar
3 Min Read

Kalupur Swaminarayan Controversy: અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના વર્તમાન મહંત નાના પી.પી. સ્વામી દ્વારા મોટા પાયે નાણાં ધિરાણ (ફાઈનાન્સ) કરવામાં આવતું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. સોશિયલ મીડિયા અને ઈમેઈલ દ્વારા વાયરલ થયેલા એક ‘નાણાકીય ચોપડા’માં અનેક લોકોના નામ અને તેમને અપાયેલી લાખોની રકમનો ઉલ્લેખ છે. આરોપ છે કે સંપ્રદાયના વડા અને સાધુઓ ભક્તિના નામે એકઠા થયેલા દાનના પૈસા બિલ્ડરો, રાજકારણીઓ અને પોતાના અંગત માણસોને વ્યાજે ફેરવી રહ્યા છે. આ વ્યવહારો મોટાભાગે રોકડમાં હોવાથી સરકારી એજન્સીઓની નજરથી દૂર રહે છે.

વ્યાજના હિસાબો અને માનીતાઓને લાખોનું ફાઈનાન્સ

વાયરલ થયેલી ડાયરીમાં વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩ દરમિયાન થયેલા વ્યવહારોની વિગતવાર નોંધ છે. જેમાં હરેશભાઈ રામાણી, ઘનશ્યામભાઈ મોટેરા અને ભીખાભાઈ ઝુંડાલ જેવા નામો સામે લાખોની રકમ લખેલી છે. ડાયરીમાં ‘દોઢ ટકો વ્યાજ’ અને ‘સાંજે ૮ વાગ્યે’ જેવી ઝીણવટભરી વિગતો દર્શાવે છે કે આ કોઈ સામાન્ય વ્યવહાર નથી પરંતુ પાક્કા પાયે ચાલતી ફાઈનાન્સ કંપની જેવું કામ છે. આ રકમ જમીન ખરીદવા, મકાન બનાવવા કે વિદેશ જવા માટે પણ આપવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે.

- Advertisement -

સંપ્રદાયમાં સાધુઓના વિવાદો અને નૈતિક પતનનો આરોપ

આ સંપ્રદાય માત્ર નાણાકીય વ્યવહારો જ નહીં પણ નૈતિક બાબતોમાં પણ બદનામ થઈ રહ્યો હોવાના આક્ષેપ છે. અહેવાલ મુજબ, કાલુપુર મહંતના કેટલાક શિષ્યોએ મંદિરમાં પૈસા બનાવ્યા બાદ મહિલા હરિભક્તો સાથે ભાગીને સંસાર માંડ્યો છે. સાચા અને ભજન કરતા સાધુઓને હાંકી કાઢવામાં આવે છે, જ્યારે સત્તા અને સંપત્તિના લાલચુ સાધુઓનું વર્ચસ્વ વધી રહ્યું છે. ભક્તો પણ આર્થિક લાભ અથવા લાલચમાં આવીને આચાર્ય કે સાધુઓના ખોટા કાર્યો સામે અવાજ ઉઠાવવાની હિંમત કરી શકતા નથી, જે સંપ્રદાય માટે શરમજનક સ્થિતિ છે.

સરકારી એજન્સીઓની નિષ્ક્રિયતા અને રાજકીય સંરક્ષણ

ધાર્મિક સંસ્થાઓમાં થતી કરોડોની હેરાફેરી સામે ED કે ઈન્કમ ટેક્સ જેવી એજન્સીઓ ભાગ્યે જ કાર્યવાહી કરે છે, કારણ કે આ સંસ્થાઓ મોટી વોટબેન્ક ધરાવે છે. રાજકીય નેતાઓ અને બિલ્ડરો સાથેના મજબૂત સંબંધોને કારણે આ સાધુઓ સુરક્ષિત રહે છે. કાલુપુર સંસ્થાના આચાર્ય અને અન્ય મહંતો પાસે અઢળક બેનામી સંપત્તિ હોવાની ચર્ચાઓ છે. જો કોઈ આ ગેરરીતિઓ સામે બોલવાનો પ્રયત્ન કરે તો તંત્ર અને અંધ ભક્તોનો ઉપયોગ કરીને તેમનો અવાજ દબાવી દેવામાં આવે છે, જે લોકશાહી અને ધર્મ બંને માટે ચિંતાનો વિષય છે.

- Advertisement -
Share This Article