Teacher Suspended for Alcohol Misconduct: ઉનાની શાળામાં શિક્ષકની શરમજનક કરતૂત, વિદ્યાર્થી પાસે દારૂ મંગાવતા શિક્ષણ જગતમાં ભારે રોષ

Arati Parmar
3 Min Read

Teacher Suspended for Alcohol Misconduct: ગીર સોમનાથના ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળામાં એક એવી ઘટના સામે આવી છે, જેણે સમગ્ર શિક્ષણ જગતને શર્મસાર કરી દીધું છે. અહીં ફરજ બજાવતા શિક્ષક હરેશગીરી ગુલાબગીરી ગૌસ્વામી પર ધોરણ-7ના વિદ્યાર્થી પાસે ગામમાંથી દારૂ મંગાવવાના અત્યંત ગંભીર આક્ષેપો લાગ્યા છે. ગત 20 જૂન, 2026ના રોજ આચાર્ય મિલનગીરી જીવનગીરી ગૌસ્વામીને માહિતી મળી હતી કે એક વિદ્યાર્થી દારૂની બોટલ લઈને શાળાએ આવી રહ્યો છે. આચાર્યે ત્વરિત સતર્કતા દાખવી વિદ્યાર્થીને પ્રવેશદ્વાર પર જ અટકાવી તપાસ કરતા તેની પાસેથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પૂછપરછમાં વિદ્યાર્થીએ કબૂલાત કરી હતી કે, તે શિક્ષકના કહેવાથી પૈસા લઈને દારૂ લાવ્યો હતો. આ ઘટના માત્ર એકવારની નહીં, પરંતુ અગાઉ પણ અનેક વખત શિક્ષક દ્વારા આવી રીતે દારૂ મંગાવવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

પુરાવાઓ સાથે શિક્ષક સામે કાર્યવાહી

આ સમગ્ર મામલે આચાર્યે અન્ય શિક્ષકોની હાજરીમાં પંચ રોજકામ તૈયાર કરીને વિદ્યાર્થી પાસેથી મળેલી બોટલ અને દારૂ ખરીદી બાદ વધેલા પૈસા સીલ કરી કબજે લીધા હતા. શાળાના CCTV ફૂટેજ અને ઉપલબ્ધ પુરાવાઓ સાથે આ અહેવાલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને સોંપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ શિક્ષક સામે અગાઉ પણ નશાની હાલતમાં ફરજ બજાવવા બદલ બે વખત વિભાગીય પગલાં લેવામાં આવ્યા હતા, છતાં તેમની માનસિકતામાં કોઈ સુધારો ન આવતા આખરે શિક્ષણ વિભાગે તેમને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કર્યા છે. સાથે જ આચાર્યની લેખિત ફરિયાદને આધારે ઉના પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

તંત્રનું કડક વલણ અને વાલીઓમાં આક્રોશ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યના શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને તપાસમાં ઝડપ લાવવા સીધી સૂચના આપી હતી. વિદ્યાર્થીના પિતાએ પણ આક્ષેપ કર્યો છે કે તેમના બાળકને પરિવારને જાણ ન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, જેના કારણે વાલીઓમાં ભારે રોષ છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હવે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ માટે એક સંયુક્ત તપાસ ટીમની રચના કરવામાં આવી છે. જે દુકાન પરથી દારૂ ખરીદવામાં આવ્યો હતો તે પણ હાલ બંધ જોવા મળી રહી છે. શિક્ષણમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ શિક્ષકને રાજ્ય સરકાર છોડશે નહીં અને આ મામલે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. આ કિસ્સો શિક્ષણ સંસ્થાઓની શિસ્ત અને નૈતિકતા પર ગંભીર સવાલ ઉભા કરે છે.

Share This Article