Cannes Film Festival 2025: કાન ફિલ્મ ફેસ્ટિવલ એ વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાંનો એક છે જ્યાં વિશ્વભરની બેસ્ટ ફિલ્મો પ્રદર્શિત થાય છે. છેલ્લા 78 વર્ષથી, કાન ફિલ્મ ફેસ્ટિવલ ફ્રાન્સના કાન શહેરમાં યોજાય છે. બોલિવૂડ પણ આ ફેસ્ટીવલ પર પ્રભુત્વ ધરાવે છે. દર વર્ષે બોલિવૂડ સેલિબ્રિટી રેડ કાર્પેટ પર વોક કરે છે અને બોલિવૂડ ફિલ્મોનું પણ સ્ક્રીનિંગ થાય છે. એવામાં હવે આ વખતે આ અભિનેત્રીઓ ડેબ્યૂ કરવા જઈ રહી છે.
સૌથી નાની ઉંમરની અભિનેત્રી કરશે ડેબ્યૂ
આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરવા જઈ રહેલી અભિનેત્રી નિતાંશી ગોયલ છે. લાપતા લેડીઝમાં ફૂલ કુમારીની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થયેલી 17 વર્ષની નિતાંશી પહેલી વાર કાનના રેડ કાર્પેટ પર વોક કરતી જોવા મળશે. તે કાન ફેસ્ટીવલમાં ડેબ્યૂ કરનારી સૌથી નાની ઉંમરની અભિનેત્રી છે.
આલિયા ભટ્ટ પણ કરી રહી છે ડેબ્યૂ
મેટ ગાલા અને લોરિયલ પેરિસ જેવા ફેશન ઇવેન્ટ્સમાં ભાગ લઈ ચૂકેલી આલિયા ભટ્ટ હવે કાન ફેસ્ટીવલમાં પણ ભાગ લેશે. તાજેતરમાં, અભિનેત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો કે તે આ વખતે કાન ફેસ્ટીવલમાં ડેબ્યૂ કરશે.
ફરી જોવા મળશે ઐશ્વર્યા રાય બચ્ચનનો જાદુ
ઐશ્વર્યા રાય બચ્ચન એક કે બે વર્ષથી નહીં પરંતુ છેલ્લા 20 વર્ષથી કાન ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ રહી છે. આ વખતે પણ તે પોતાની સ્ટાઇલથી રેડ કાર્પેટનું આકર્ષણ વધારશે.
આ સેલિબ્રિટીઓ પણ ભાગ લેશે
જાહ્નવી કપૂર પણ તેની ફિલ્મ હોમબાઉન્ડના ગ્લોબલ પ્રીમિયર સાથે કાન્સમાં ડેબ્યૂ કરશે. આ ફિલ્મમાં તેની સાથે ઈશાન ખટ્ટર અને કરણ જોહર કાન ફિલ્મ ફેસ્ટીવલમાં ભાગ લેશે, તેમજ તેમની ફિલ્મ હોમબાઉન્ડનું કાન ફેસ્ટીવલમાં સ્ક્રીનિંગ પણ થશે. આ ઉપરાંત શર્મિલા ટાગોર સત્યજીત રેની ક્લાસિક ફિલ્મ અરન્યેર દિન રાત્રીના સ્ક્રીનિંગમાં હાજરી આપશે. તેમજ ઉર્વશી રૌતેલા અને પાયલ કાપડિયા પણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે. પાયલ જ્યુરી સભ્યોમાંથી એક છે. જણાવી દઈએ કે કાન 13 મેથી શરૂ થશે અને 24 મે સુધી ચાલુ રહેશે.