Nawazuddin Siddiqui On Bollywood: બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી હાલમાં તેમની આગામી ફિલ્મ કોસ્ટાઓના પ્રમોશનમાં વ્યસ્ત છે. એવામાં એક્ટરે આપેલા ઈન્ટરવ્યૂમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વર્તમાન સ્થિતિ વિષે વાત કરી હતી. તેણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પર કન્ટેન્ટ કોપી કરવા અંગે કટાક્ષ કરતાં કહ્યું કે આપણી ઇન્ડસ્ટ્રીમાં ક્રિએટિવિટી ખતમ થઇ રહી છે.
કન્ટેન્ટ ચોરીનો લગાવ્યો આરોપ
નવાઝે કહ્યું કે, ‘શરૂઆતથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ચોર રહી છે. ગીતો ચોર્યા, સ્ટોરી ચોરી કરી. હવે જે ચોર હોય તે ક્રિએટિવ કઇ રીતે હોઈ શકે! આપણે સાઉથના કન્ટેન્ટની ચોરી કરી, વિદેશથી કરી અને જ્યાંથી ચાન્સ મળ્યો ત્યાંથી સ્ટોરી અને સીન ચોરી કર્યા છે. એટલું જ નહીં અમુક સાંપ્રદાયિક ફિલ્મ હિટ થઇ જાય તો એના સીન પણ ચોરી કર્યા છે. આ બધું એટલું નોર્મલ કરી દીધું કે ચોરી છે તો શું થયું? આ જ કારણ છે કે એક્ટર્સ અને ડિરેકટર્સ ક્વિટ કરી રહ્યા છે. જેમ કે અનુરાગ કશ્યપ જે સારું કામ કરી રહ્યો હતો.’
જેમ બેન્કરપ્સી હોય છે, તેમ હવે ક્રિએટિવરપ્સી થઈ ગયું છે
નવાઝે બોલિવૂડમાં ઈનસિક્યોરિટી અંગે પણ કહ્યું કે, ‘આપણી ઇન્ડસ્ટ્રીમાં 5 વર્ષ સુધી એક જ ટ્રેન્ડને ફોલો કરવામાં આવે છે અને જ્યારે લોકો કંટાળો છે, ત્યારે તેને પડતું મૂકી દેવાય છે. ખરેખર ઈનસિક્યોરિટી ઘણી વધી ગઈ છે. બોલિવૂડના લોકો વિચારે છે કે જો કોઈ ફોર્મ્યુલા કામ કરી રહી છે તો તેને જાળવી રાખો, તેને જ ઢસડતાં રહો. દયનીય વાત તો એ છે કે હવે તો 2,3,4 સિક્વલ ફિલ્મો થવા લાગી છે. જે રીતે બેન્કરપ્સી હોય છે આ એ રીતે ક્રિએટિવરપ્સી થઈ ગયું છે. એકદમ કંગાળ પ્રદર્શન.
નવાઝની ફિલ્મ કોસ્ટાઓ વિશે વાત કરીએ તો, આમાં એક્ટર એક કસ્ટમ અધિકારીની ભૂમિકા ભજવી રહ્યો છે જે સોનાની દાણચોરીની કાર્યવાહીમાં બધું ગુમાવે છે. આ ફિલ્મનું દિગ્દર્શન સેઝલ શાહ કરી રહ્યા છે. આ ફિલ્મમાં પ્રિયા બાપટ, કિશોર, હુસૈન દલાલ પણ મહત્ત્વની ભૂમિકામાં છે.