Elvish Yadav News: ગુરુગ્રામમાં બિગ બોસ વિજેતા, પ્રખ્યાત યુટ્યુબર અને અભિનેતા એલ્વિશ યાદવના ઘરે સવારે 5:30 થી 6 વાગ્યા દરમિયાન ગોળીબાર કરવામાં આવ્યો હતો. ત્રણ અજાણ્યા શખસો ઘરની નજીક બાઇક પર આવ્યા હતા અને 24 રાઉન્ડ ફાયરિંગ કરીને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. આ અચાનક બનેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.
શું છે ઘટના?
મળતી માહિતી મુજબ, રવિવારે (17 ઓગસ્ટ) એલ્વિશ યાદવના ઘરે વહેલી સવારે 5:30થી 6 વાગ્યાની વચ્ચે ત્રણ અજાણ્યા શખસ દ્વારા 24 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળીબાર પછી તરત જ ગુરુગ્રામ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટના સમયે ઘરમાં હાજર લોકોની સલામતી અંગે પણ પૂછપરછ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વિસ્તારને ઘેરી લીધો અને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસે નજીકના સીસીટીવી કેમેરા તપાસવાની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, હજુ સુધી હુમલાખોરોની હજુ સુધી ઓળખ થઈ નથી.
પોલીસ પર પ્રશ્નો
આ પહેલા પણ બોલિવૂડ ગાયક ફાજિલપુરિયા પર ગોળીબાર થયો છે. બે મોટા સોશિયલ મીડિયા સ્ટાર્સ પર થયેલા આ હુમલાઓએ પોલીસની કામગીરી પર પ્રશ્નો ઊભા કર્યા છે. આવી ઘટનાઓની વધતી સંખ્યા આ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલ ઊભા કરે છે.
એલ્વિશના ઘર પર થયેલા આ હુમલાએ ફેન્સને ચિંતામાં મૂકી દીધા છે. ગુરુગ્રામમાં એલ્વિશ યાદવના ઘર પર થયેલા ગોળીબારથી લોકો ચોંકી ગયા છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને હુમલાખોરોની શોધખોળ શરૂ છે.
વિવાદોના કારણે ચર્ચામાં એલ્વિશ યાદવ
નોંધનીય છે કે, એલ્વિશ યાદવ યુટ્યુબ વ્લોગ અને રોસ્ટ વીડિયો માટે જાણીતો છે. તેની પાસે મજબૂત ફેન ફોલોઇંગ છે. આ પહેલા પણ એલ્વિશ ઘણા વિવાદોને કારણે ચર્ચામાં રહ્યો છે. તેના પર રેવ પાર્ટી અને સાપના ઝેરના કેસમાં સામેલ હોવાનો, ચૂમ દરાંગ પર વાંધાજનક ટિપ્પણી કરવાનો, રાજસ્થાન પોલીસ પર ખોટા દાવા કરવાનો અને ઘણી વખત તેના પર મારપીટ, ભાષણબાજી કે ધમકી આપવાનો આરોપ પણ લાગ્યો છે. સાપના ઝેરના કેસમાં તેની સંડોવણી તરીકે ફાઝિલપુરિયાનું નામ પણ લેવામાં આવ્યું હતું.