માણસને હંમેશા રહસ્યો વાંચવા, જોવા કે સાંભળવા ગમતા હોય છે. તેને ઇવન પોતાનો મતલબ કે, માનવ જીવનનો ઇતિહાસ પણ જોવો ગમે છે, કે શું હતો પોતાના વડવાઓનો ઇતિહાસ ?.કોણ હતા આપણા પૂર્વજો ? કેવી રીતે રહેતા હતા ? શું કરતા હતા ? કેવું જીવન હતું તેમનું ? જેવા અનેક પ્રશ્નો આજેપણ આપણા દિમાગમાં ક્યાંકને ક્યાંક રહેલા હોય છે. આપણી સંસ્કૃતિને લઈને જયારે કોઈ પુરાતન અવશેષો મળી આવે છે ત્યારે આપણે વિસ્ફારિત થઈને તેને વિષે જાણવા ઉતાવળા થઇ છીએ.ત્યારે આવા જ મુદ્દે આપણા ઇતિહાસ આલેખતો ગ્રંથ એટલે ઋગ્વેદ કે જે એ પ્રાચીન ભારતમાં લખાયેલ સૌથી પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાંનો એક છે. આ સંસ્કૃત ભાષાનો સૌથી જૂનો ગ્રંથ માનવામાં આવે છે. સરસ્વતી નદીના કિનારે જીવન વિશે ઋગ્વેદમાં જે ઉલ્લેખ છે તે હવે પુરાતત્વવિદો ખોદકામ દરમિયાન મળેલા હડપ્પન વસાહતોના પુરાવા સાથે મેળ ખાય છે.અને તેનો અભ્યાસ કરવામાં આવશે એટલે તે ઘણું બધા રહસ્યો પરથી પડદો પાડી આપણને જણાવશે કે શું હતી આપણી સંસ્કૃતિ ?

હાલમાં જ હડપ્પન સભ્યતાના જે અવશેષો વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યા છે તે ઋગ્વેદમાં લખેલા શબ્દો જેવા જ છે. તેથી એવું લાગે છે કે ઋગ્વેદમાં કરવામાં આવેલા કેટલાક દાવાઓ સાચા સાબિત થઈ શકે છે. મહિલાના હાડપિંજર અને પ્રાણીઓના હાડકામાંથી મળેલા પુરાવા પણ આ વાતની પુષ્ટિ કરે છે.
પુરાતત્વવિદો હડપ્પન સંસ્કૃતિના ખોદકામમાં રોકાયેલા છે, જ્યારે સંસ્કૃત વિદ્વાનો ઋગ્વેદને સમજે છે. બંને વિદ્વાનો સાથે મળીને ઋગ્વેદમાં લખેલી વસ્તુઓ અને હડપ્પન સંસ્કૃતિના અવશેષો વચ્ચે જોડાણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી આપણે આપણા ઈતિહાસને વધુ સારી રીતે સમજી શકીએ.
પહેલા હડપ્પન સભ્યતા વિશે જાણો
હડપ્પન સંસ્કૃતિ, જેને સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે લગભગ 3300 BC થી 1300 BC સુધી ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ભાગોમાં વિકસ્યું. તેને હડપ્પન સંસ્કૃતિ કહેવામાં આવે છે કારણ કે આ સંસ્કૃતિના પ્રથમ અવશેષો હડપ્પા નામના સ્થળેથી મળી આવ્યા હતા. પશ્ચિમ એશિયા અને દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં ત્રણ પ્રાચીન સંસ્કૃતિઓ હતી – ઇજિપ્ત, મેસોપોટેમિયા અને હડપ્પા. આ ત્રણમાંથી સિંધુ ખીણની સંસ્કૃતિ સૌથી વધુ વ્યાપક હતી.
હડપ્પન સંસ્કૃતિનો વિકાસ મુખ્યત્વે સિંધુ નદી અને ઘગ્ગર-હકરા નદી (સરસ્વતી નદી)ની આસપાસ થયો હતો. આ ઘગ્ગર-હકરા નદી હવે માત્ર વરસાદની મોસમમાં જ વહે છે, જે અગાઉ ઉત્તર-પશ્ચિમ ભારત અને પૂર્વ પાકિસ્તાનમાં વહેતી હતી.
શું હડપ્પન ખરેખર ભારતીય હતા?
NCERTએ 12મા ધોરણના ઈતિહાસના પુસ્તકમાં એક નવો વિષય ઉમેર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે હડપ્પાના લોકો માત્ર ભારતના જ હતા. 4600 વર્ષ જૂની મહિલાના અવશેષોમાંથી મળેલા ડીએનએ પુરાવા પરથી આ માહિતી મળી છે.હવે, વસંત શિંદે નામના પુરાતત્વવિદ્ એ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું હડપ્પાના લોકો અને વૈદિક કાળના લોકો એક જ હતા. પરંતુ આ અંગે અત્યારે ચોક્કસ કંઈ કહી શકાય તેમ નથી. જોકે, NCERTએ પુસ્તકમાં એવું પણ લખ્યું છે કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.
જાણો અત્યાર સુધી કયા પુરાવા મળ્યા છે?
હરિયાણાના રાખીગઢીમાં ખોદકામ દરમિયાન મળેલા યજ્ઞ મંચ અને અગ્નિના ખાડાઓ ઋગ્વેદમાં વર્ણવેલ અગ્નિ પૂજા સમાન છે. આ દર્શાવે છે કે હડપ્પાના લોકો પણ ઋગ્વેદના દેવી-દેવતાઓમાં માનતા હતા. ઋગ્વેદમાં સરસ્વતી નદીનો ઘણી વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને હડપ્પન સંસ્કૃતિના ઘણા શહેરો આ નદીના કિનારે વસેલા હતા. આ બંને વચ્ચેના સંબંધોને પણ છતી કરે છે. આ નદી હવે લુપ્ત થઈ ગઈ છે. પુરાતત્વવિદોને સરસ્વતી નદીના કિનારે હડપ્પાની વસાહતોના ઘણા પુરાવા મળ્યા છે.
કેટલાક લોકો માને છે કે વેદ 3000-3500 વર્ષ જૂના છે, જ્યારે કેટલાક કહે છે કે તે 4500 વર્ષ જૂના છે. જો તેઓ 4500 વર્ષ જૂના હોય તો તેમનો સમય હડપ્પન સભ્યતા જેવો જ છે. રાખીગઢીમાંથી મળેલા મહિલાના હાડપિંજરની ઉંમર પણ 4500 વર્ષ હોવાનું કહેવાય છે. આ મુદ્દે હજુ પણ ચર્ચા ચાલી રહી છે.
પુરાતત્વવિદ્ વસંત શિંદેએ ધ હિંદુ સાથે વાત કરતા કહ્યું કે વેદના ગ્રંથો ક્યારે લખાયા તે હકીકતમાં કોઈ જાણતું નથી. લોકો ફક્ત તે જ સિદ્ધાંતો પર વિશ્વાસ કરશે કે જેની પાસે તેમના સમર્થન માટે મજબૂત પુરાતત્વીય પુરાવા છે. જ્યાં સુધી અમારી પાસે નક્કર પુરાવા ન હોય ત્યાં સુધી અમે નિશ્ચિતપણે કંઈ કહી શકીએ નહીં. તેથી આપણે વધુ સંશોધન કરવાની જરૂર છે.
સરસ્વતી નદી: ઋગ્વેદ અને હડપ્પન સંસ્કૃતિને જોડતી કડી!
પુરાતત્ત્વવિદ વસંત શિંદે કહે છે કે જો તમે ઋગ્વેદમાં જુઓ છો, તો તે વિસ્તારનો ઉલ્લેખ વારંવાર જોવા મળે છે જ્યાં લોકો રહેતા હતા. ખાસ વાત એ છે કે આ પુસ્તકમાં સરસ્વતી નદીનો ઉલ્લેખ ઓછામાં ઓછો 71 વખત થયો છે.જો કે આપણે વિકાસના નામે આ અતિ પુરાતન અને આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલ નદીને ગુમાવી ચુક્યા છીએ.તેના અવશેષો પણ ઇવન હવે ક્યાંક જોઈ શકાતા નથી.સાવ લુપ્ત થઇ ગઈ છે આ નદી ત્યારે જો આવો જ આંધળો અને મૂડીવાદી વિકાસ ચાલ્યો તો દિવસો દૂર નહીં હોય કે જયારે આપણે ઘણી બધી નદીઓ આમ ધીમે ધીમે ગુમાવી દઈશું.આ તો વાત થઇ થોડી પર્યાવરણ રિલેટેડ કે આપણા વિકાસ કે જે અસલમાં હવે વિનાશનું રૂપ લઇ ચુક્યો છે તેની પરંતુ અહીં આપણે આપણી લુપ્ત કે સદીઓમાં ગુમ સંસ્કૃતિની વાત કરી રહ્યા છીએ.
ત્યારે ખોદકામમાં મળેલા અવશેષો દર્શાવે છે કે મોટાભાગની હડપ્પન વસાહતો સરસ્વતી નદીના કિનારે આવેલી હતી. લગભગ 2000 હડપ્પન વસાહતો સિંધુ ખીણમાં, સરસ્વતી નદીના કિનારે અને ગુજરાતમાં ફેલાયેલી હતી. તેમાંથી ઓછામાં ઓછા 1200 એટલે કે લગભગ બે તૃતીયાંશ વસાહતો માત્ર સરસ્વતી નદીના કિનારે જ મળી આવી છે.
વૈદિક કાળ અને હડપ્પન સંસ્કૃતિ વચ્ચેના તફાવતની કડીઓ!
પુરાતત્વવિદ્ વસંત શિંદે કહે છે કે ડીએનએ પુરાવા દર્શાવે છે કે શહેરો અને નગરો સૌપ્રથમ 4500 થી 4600 વર્ષ પહેલા હડપ્પન સમયગાળા દરમિયાન વસવાટ કરવામાં આવ્યા હતા. આ પછી, લગભગ 2400 વર્ષ પહેલાં ફરીથી શહેરોની સ્થાપના થઈ. નોંધનીય બાબત એ છે કે આ દરમિયાન લોખંડના ઉપયોગના પુરાવા પણ મળ્યા છે.
આ બંને વચ્ચેના સમયગાળામાં, એવું લાગે છે કે લોકો ગ્રામીણ જીવનમાં પાછા ફર્યા હતા. એટલે કે શહેરોનો વિકાસ કંઈક અંશે અટકી ગયો. મહત્વની વાત એ છે કે પાછળથી વસેલા શહેરો સરસ્વતી નદીના કિનારે વસેલા ન હતા. ઋગ્વેદમાં સરસ્વતી નદીનો ઉલ્લેખ છે અને 4600 વર્ષ જૂની હડપ્પન વસાહતોના મજબૂત પુરાવા પણ ત્યાં મળી આવ્યા છે.
ઋગ્વેદમાં લોખંડના ઉપયોગનો કોઈ ઉલ્લેખ નથી. તેથી, આ પ્રારંભિક વસાહતોની તુલના ખૂબ પાછળથી સ્થાયી થયેલા લોકો સાથે કરી શકાતી નથી (જે લગભગ 2400 વર્ષ જૂની છે) કારણ કે તેમનો સમયગાળો અલગ છે.
શું હડપ્પાના લોકો સંસ્કૃત ભાષા બોલતા હતા?
જો સંસ્કૃત ભાષા અને હડપ્પન સંસ્કૃતિ વચ્ચે કોઈ સંબંધ હોય તો, તે આપણને એ સમજવામાં મદદ કરી શકે છે કે પ્રાચીન સમયમાં ભાષાઓ કેવી રીતે વિકસિત થઈ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે ફેલાઈ. આ ઉપરાંત આના પરથી એ પણ જાણી શકાય છે કે તે સમયના લોકો કઈ સંસ્કૃતિમાં માનતા હતા અને કેવી રીતે જીવતા હતા.
by : Reena brahmbhatt

