અમદાવાદ, તા. 13 : શાળામાં ચાલુ ફરજ દરમિયાન ગેરહાજર રહેનારા શિક્ષકો સામે રાજ્યના શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજ્યના શિક્ષણ વિભાગે બનાસકાંઠામાં 18, છોટાઉદેપુરમાં 16, દાહોદમાં 13, સુરેન્દ્રનગરમાં 12, મહેસાણામાં 11 સહિત 134 ગુટલીબાજ શિક્ષકોને બરતરફ કરીને ઘરેભેગા કરી દીધા છે. જ્યારે આણંદ, કચ્છ અને રાજકોટના 1-1 શિક્ષક સામે પોલીસ કેસ કરાયો હોવાનું જાણવા મળે છે.

ગુજરાતના કેટલાક જિલ્લાની સરકારી શાળાઓમાં ભૂતિયા અને ડમી શિક્ષકોની ફરિયાદો ઊભી થવા લાગી છે. અનેક શિક્ષકો ગેરહાજર હોવાની ફરિયાદો ઉઠતાં શિક્ષણ વિભાગે તમામ ડીઈઓ-ડીપીઓને આદેશ કરીને લાંબી રજા પર ગયેલા અને બિનઅધિકૃત રીતે રજા પર હોય તેવા શિક્ષકોની વિગતો મગાવી હતી, જેમાં તમામ જિલ્લામાંથી સરકારને સોંપાયેલી માહિતી-રિપોર્ટ અનુસાર, રાજ્યના 17 જિલ્લાના 63 શિક્ષક લાંબી રજા પર છે.
જેમાં 31 શિક્ષકો બિનઅધિકૃત રીતે એટલે કે રજા લીધા વિના કે મંજૂરી વિના જ ગેરહાજર છે. રાજ્યના તમામ જિલ્લામાંથી સરકારને માહિતી રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેમાં 17 જિલ્લામાં 32 શિક્ષકો વિદેશ પ્રવાસ પર હોવાનું અને 31 શિક્ષકો બિનઅધિકૃત રીતે એટલે કે મંજૂરી વિના જ ઘણા સમયથી ગેરહાજર હોવાનું ધ્યાને આવ્યું છે. અમદાવાદ જિલ્લામાં શહેરની સરકારી ગ્રાન્ટેડ શાળામાં ચાર શિક્ષકો વિદેશ પ્રવાસ પર છે અને એક ગ્રાન્ટેડ શાળામાં એક શિક્ષક તો 177 દિવસની રજા પર છે. આમ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પણ આટલી લાંબી રજા કઈ રીતે મંજૂર કરવામાં આવી તે પણ પ્રશ્ન છે. દરમ્યાન સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂપેન્દ્ર પટેલ સરકાર શિક્ષકો સહિત તમામ સરકારી કર્મચારીઓની રજાના નિયમોમાં મોટો ફેરફાર કરવા માટે તખ્તો તૈયાર કરી રહી છે. લાંબી રજા પર જનારા કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા ખાસ નિયમો બનાવવામાં આવશે. ખાસ કરીને માંદગી, અંગત કારણો સહિતના કિસ્સાઓમાં લાંબા સમયગાળા માટે રજા પર ઉતરનારા કર્મચારીઓ માટે આ નવા નિયમો લાગુ થશે.

