AAP Gopal Italia Visavadar Bypoll Win : ગુજરાતની કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. વિસાવદર બેઠકમાં આમ આદમી પાર્ટી જ્યારે કડી બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. વિસાવદરમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના વિજય બાદ આપના કાર્યકર્તાઓએ ગોપાલ ઇટાલિયાને ખભા પર બેસાડી ઉજવણી કરી હતી. કાર્યકરોએ ‘જય ગોપાલ’ના નારા લગાવ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ ભવ્ય જીત અંગે જણાવ્યુ હતુ કે, “આજે ચૂંટણીના પરિણામમાં વિસાવદર, જૂનાગઢ અને ભેંસાણના ગ્રામ્ય મત વિસ્તારની જનતાની જંગી જીત થઈ છે.”
“આજે ગુજરાતની જનતાનો દિવસ છે”
ભવ્ય વિજય બાદ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુ છે કે, “આજે ઐતિહાસિક દિવસ છે. આજે ગુજરાતની જનતાનો દિવસ છે. ગુજરાતની જનતા વર્ષોથી જે દિવસની વાટ જોતી હતી તે દિવસ છે. આજે ચૂંટણીના પરિણામમાં વિસાવદર, જૂનાગઢ અને ભેંસાણના ગ્રામ્ય મત વિસ્તારની જનતાની જંગી જીત થઈ છે. આ જીત બદલ, ખેડૂતો, મજૂરો, માલધારીઓ, પશુપાલકો, વેપારીઓ, દુકાનદારો તથા આ પંથકની આમ જનતાનો બે હાથ જોડીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ ગુજરાતના ઇતિહાસની પહેલી એવી ચૂંટણી છે જેમાં પાર્ટીના કાર્યકર્તાઓ તો ઠીક પણ આ પરિણામ બાદ ગુજરાતની જનતા જશ્ન મનાવી રહી છે.”
“આ નાની દીકરીઓના કુમળા હાથે લીધેલા દુખણાનો વિજય છે”
આ સાથે તેમણે જણાવ્યુ છે કે, “આ લડાઇમાં એક તરફ સત્તા, પૈસા, દારૂ, ગુંડાઓ અને અહંકાર હતો તો બીજી તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો. એક તરફ સત્તાનું અભિમાન અને બીજી તરફ હું જે ગામડે ગામડે ગયો નાની દીકરીઓના કુમળા હાથે લીધેલા દુખણાનો વિજય થયો છે. મારી માતાઓએ આપેલા આર્શીવાદનો વિજય થયો છે. મારા ખેડૂત માવતરોએ આપેલા આર્શીવાદનો વિજય થયો છે, આ હાથના મળેલા આર્શીવાદનો વિજય થયો છે.”
ગોપાલ ઇટાલિયાનો 17,581 મતથી ભવ્ય વિજય
વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીના 21 રાઉન્ડ બાદ આપનો ભવ્ય વિજય થયો છે. 21 રાઉન્ડમાં ભાજપને 58,325, કોંગ્રેસને 5491 મત મળ્યા છે. જ્યારે આપને 75, 906 મત મળ્યા છે. આપના ગોપાલ ઇટાલિયાનો 17,581 મતથી વિજય થયો છે.
“આ પ્રજાની જીત છે”
આ જીત બાદ ઇસુદાન ગઢવીએ જણાવ્યુ છે કે, આમ આદમી પાર્ટીએ ભાજપની તાનાશાહી સામે જીત મેળવી છે. 1 કરોડ 20 લાખ મજૂરો તથા માલધારીઓની આ જીત છે. અમે પ્રજા માટે લડવા નીકળ્યા છીએ. અમારી પાસે ન તો સત્તા છે ન તો સંપતિ અમારી પાસે પ્રજાનો પ્રેમ જ હતો. આ માત્ર આમ આદમી પાર્ટીની જીત નહીં પણ પ્રજાની જીત છે. કોગ્રેસ પક્ષ 30 વર્ષથી ભાજપને હરાવવા માંગે છે છતાં હરાવી નહોતું શક્યું.