AAP Gopal Italia Won in Visavadar: કડી વિધાનસભા તેમજ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. કડી વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામોમાં કમળ ખીલ્યું છે. તો બીજી તરફ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામોમાં સાવરણો ફરી વળ્યો હોવાનું સામે આવ્યું છે. એટલે કે વિસાવદરમાં આપના ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે. વર્ષ 2012થી વિસાવદર વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સતત હારતા આવ્યા છે. ત્યારે હારનો સિલસિલો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઉભેલા કિરીટ પટેલ દ્વારા યથાવત રાખવામાં આવ્યો છે. ત્યારે રાજકીય વિશ્લેષકોનું માનીએ તો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલીયાની જીત થઈ છે જ્યારે કે ભાજપની નહીં પરંતુ અહીં કિરીટ પટેલની હાર થઈ છે.
ગોપાલ ઇટાલિયાનો 17,581 મતથી ભવ્ય વિજય
વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીના 21 રાઉન્ડ બાદ આપનો ભવ્ય વિજય થયો છે. 21 રાઉન્ડમાં ભાજપને 58,325, કોંગ્રેસને 5491 મત મળ્યા છે. જ્યારે આપને 75, 906 મત મળ્યા છે. આપના ગોપાલ ઇટાલિયાનો 17,581 મતથી વિજય થયો છે.
ગોપાલ ઇટાલીયાની જીત પાછળ આ પરિબળો ફળીભૂત થયા
1. ચૂંટણી જાહેર થાય તે પૂર્વે જ ગોપાલ ઇટાલિયા દ્વારા વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ કામગીરી શરૂ કરાઈ હતી.
2. ચૂંટણીના પ્રચાર પ્રસાર દરમિયાન બે – બે વખત અરવિંદ કેજરીવાલ દ્વારા ગોપાલ ઇટાલીયા માટે જાહેર સભા કરવામાં આવી હતી.
3. ગોપાલ ઇટાલિયાની પોતાની સ્વચ્છ અને લડાયક છબી. તેમની વાક્ચાતુર્યની કળા પણ લોકોને પસંદ પડી હોવાનું સામે આવ્યું છે.
4. સહકારી ક્ષેત્રમાં કિરીટ પટેલ દ્વારા કથિત રીતે આચરવામાં આવેલા કૌભાંડ બાબતે સતત પોતાની સભાઓમાં વાતો કરી લોકો સુધી પહોંચાડી.
5. ભારતીય જનતા પાર્ટી જેવું જ બુથ મેનેજમેન્ટ આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદરની પેટા ચૂંટણીમાં ઊભું કરવામાં આવ્યું હતું. દરેક બુથ ઉપર મિનિમમ 10થી 12 જેટલા વ્યક્તિઓને જવાબદારી સોંપવામાં આવી હતી.
6. આમ આદમી પાર્ટી માટે સૌથી મોટી ચેલેન્જ મતદાનના દિવસે પોતાના મતદાતાઓને મતદાન મથક સુધી લાવવાની હતી. પરંતુ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા પોતાના મતદાતાઓને મતદાન મથક સુધી લઈ જવામાં સફળ રહ્યા હતા.
7. આમ આદમી પાર્ટી માનતી હતી કે, કિરીટ પટેલની જગ્યાએ જો હર્ષદ રીબડીયા મેદાને આવશે તો લોઢાના ચણા ચાવવા જેવી હાલત આમ આદમી પાર્ટીની થઈ જશે. પરંતુ કિરીટ પટેલ આવવાથી આમ આદમી પાર્ટીને પોતાની જીત સહેલી લાગી હતી. કારણ કે, વિસાવદર વિધાનસભાના મતદાતાઓમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ નહીં પરંતુ કિરીટ પટેલ વિરુદ્ધ ભારેમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
8. ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન આમ આદમી પાર્ટીના મતદાતાઓ ખુલીને પોતાની પાર્ટીનું સમર્થન કરી રહ્યા હતા. જોકે ભારતીય જનતા પાર્ટીનો મતદાતા ખુલીને પોતાની પાર્ટીનું સમર્થન આમ આદમી પાર્ટીના મતદાતાઓની સરખામણીમાં ઓછું કરી રહ્યા હોય તેવું પણ જોવા મળ્યું હતુ.
9. ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન હર્ષદ રીબડીયા ખૂબ જ સાઇલન્ટ રહ્યા હતા. તેમણે પક્ષના ફેવરમાં નહીં તેમજ પક્ષના વિરોધમાં પણ કામકાજ ન કર્યું હોવાનું જાણકારો માની રહ્યા છે.
10. કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા તેમજ મંત્રી પદ પર રહેલા જવાહર ચાવડા દ્વારા પ્રચાર પ્રસારના શરૂઆતના ગાળામાં જ જાણી લીધું હતું કે, અહીં લડાઈ માત્ર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે થવાની છે. ત્યારે તેમણે પોતાનો ઝુકાવ પાછલા બારણેથી આમ આદમી પાર્ટી તરફ ઝુકાવ્યો હોવાનું પણ ઘણી ચર્ચા છે.
11. જાણકારોના મતે કિરીટ પટેલ દ્વારા અગાઉ સહકારી જગત તેમજ કેટલાક સરકારી વિભાગોમાં રહેલા આહીર જ્ઞાતિના લોકોને બદલીઓ બાબતે પણ હેરાન પરેશાન કરવામાં આવ્યા હતા. ત્યારે આ વખતે આહિર જ્ઞાતિના લોકો જવાહર ચાવડાના કહેવા બાદ એક થઈ ગયા હતા અને તેમણે પોતાના મત આમ આદમી પાર્ટીને આપ્યા હતા.
12. ભુપત ભાયાણીનું કામ ચૂંટણીના પ્રચાર પ્રસાર દરમિયાન દહીં અને દૂધમાં પગ રાખવા જેવું રહ્યું હતું. તેઓ ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીના સ્ટેજ ઉપર જોવા મળતા હતા. પરંતુ તેમની કામગીરી કોઈ અસરકારક રીતે થયેલી જોવા નહોતી મળી તેવી પણ લોકોમાં ચર્ચા હતી.
13. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયાની જીત પાછળ સૌથી મહત્વનો રોલ વિસાવદરના મતદાતાઓનો રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી ભલે 30 વર્ષથી ગુજરાતમાં શાસન કર્તા તરીકે હોઈ પરંતુ વિસાવદરનો ગઢ 2012 બાદ હજુ પણ ભારતીય જનતા પાર્ટી જીતી શકી નથી. ત્યારે અહીંના મતદાતાઓનો મિજાજ ગુજરાતના અન્ય વિધાનસભાની સીટ પરના મતદાતાઓ કરતા કંઈક જુદો છે. તેમને રાજ્યમાં કોની સરકાર છે તેનાથી કંઈ જ ફેર પડતો નથી. તેમના માટે કોણ લડે છે? તેમના માટે કોણ અવાજ ઉઠાવે છે? તેમનાથી જ તેમને ફેર પડે છે.
14. ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન સ્ટીંગ ઓપરેશન કરવું, દારૂ શોધી કાઢવો સહિતની બાબતો મતદાતાઓ સુધી આમ આદમી પાર્ટી દ્વારા પહોંચાડવામાં આવી હતી.
15. બુથ કેપ્ચરિંગ જેવી ઘટનાનો પર્દાફાશ કરી રિપોલ કરાવવાની પણ ફરજ આમ આદમી પાર્ટી દ્વારા પાડવામાં આવી હતી.
16. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જન-જન સુધી પહોંચવામાં આમ આદમી પાર્ટી અને ખાસ કરીને ગોપાલ ઇટાલીયા સફળ રહ્યા હોવાનું સામે આવ્યું છે.
મતદાન બાદ પણ આપને કેટલા મત મળ્યા તેનો લગાવવામાં આવ્યો હતો અંદાજ
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં 153 જેટલા ગામડાઓમાં 292 બુથની સંખ્યા જોવા મળી હતી. મતદાન પૂર્ણ થયા બાદ પણ આમ આદમી પાર્ટીના આંતરિક સર્વેમાં 90 ટકા બુથ ઉપર ભારતીય જનતા પાર્ટી કરતા આમ આદમી પાર્ટીને વધુ વોટ મળી રહ્યા હતા. આમ, સોમવારના રોજ મત ગણતરી શરૂ થાય તે પૂર્વે જ આમ આદમી પાર્ટી દ્વારા આંતરિક રીતે સર્વેના સ્વરૂપમાં મતગણતરી અગાઉ જ શરૂ કરી દીધી હોવાનું સામે આવ્યું હતું.

