Ahmedabad Dosa Poisoning Case: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઢોસા ખાધા બાદ એક જ પરિવારની બે સગી બહેનોના મોતના મામલે પોલીસ તપાસમાં નવા વળાંકો સામે આવ્યા છે. પ્રાથમિક તબક્કે આ ઘટના ફૂડ પોઈઝનિંગની લાગતી હતી, પરંતુ એફએસએલ (FSL) રિપોર્ટમાં માતા-પિતાના લોહીના નમૂનામાં ‘એલ્યુમિનિયમ ફોસ્ફેટ’ અને ‘ઝિંક’ જેવા ઝેરી તત્ત્વો મળી આવતા મામલો વધુ ગૂંચવાયો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અઢી મહિનાની બાળકી રાહાના મોત બાદ પરિવારે પોસ્ટમોર્ટમ વગર જ તેની અંતિમવિધિ કરી દીધી હતી, જેના કારણે શંકાના આધારે પોલીસે દફનાવાયેલો મૃતદેહ બહાર કાઢી પંચનામું કર્યું છે.
પોલીસ તપાસમાં ડેરી માલિકનો પક્ષ અને સીસીટીવી પુરાવા
ચાંદખેડા પોલીસે જે ડેરીમાંથી ઢોસાનું ખીરું ખરીદવામાં આવ્યું હતું, તેના માલિક અને સ્ટાફના નિવેદનો નોંધ્યા છે. ડેરી માલિક વિપુલ પટેલના જણાવ્યા મુજબ, તે દિવસે ખીરું ખરીદનારા અન્ય કોઈ ગ્રાહકની ફરિયાદ આવી નથી. સીસીટીવી ફૂટેજ તપાસતા જાણવા મળ્યું કે પરિવાર ૩ કિલો ખીરું લઈ ગયો હતો, જેમાંથી ૨.૭ કિલો ખીરું તો તેઓ પરત આપી ગયા હતા. આ પરથી પોલીસને શંકા છે કે માત્ર ૩૦૦ ગ્રામ ખીરું આખા પરિવાર માટે જીવલેણ સાબિત થાય તે વાત ગળે ઉતરે તેવી નથી. નિષ્ણાત ડૉક્ટરોના મતે પણ અઢી મહિનાની બાળકીને ધાવણ મારફતે ફૂડ પોઈઝનિંગ થવાની શક્યતા નહિવત્ છે.
પુત્રપ્રાપ્તિની ઝંખના અને ડાયરીનું રહસ્યમય લખાણ
પોલીસને તપાસ દરમિયાન બાળકીઓની માતા ભાવનાબહેનની એક ડાયરી મળી આવી છે, જે આ કેસમાં કદાચ સૌથી મોટો પુરાવો સાબિત થઈ શકે છે. આ ડાયરીમાં પુત્રપ્રાપ્તિ માટેની માનતા અને ઈચ્છાઓ વિશે લખાણ લખેલું છે. પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે. મકવાણાના જણાવ્યા અનુસાર, પરિવારમાં દીકરાની આશા હોવા છતાં સતત બીજી દીકરીનો જન્મ થયો હતો. આ સામાજિક કારણોસર અથવા ઘરમાં કોઈ આંતરિક સમસ્યાને લીધે પરિવારે જાતે જ કોઈ ઝેરી દવા ગટગટાવી હોય તેવી શક્યતાને પણ પોલીસ નકારી રહી નથી. પિતા વિમલભાઈએ પણ કબૂલ્યું છે કે તેઓ ઘઉંમાં નાખવાની દવાની ૧૦ પડીકીઓ લાવ્યા હતા.
એફએસએલ રિપોર્ટની રાહ અને કાયદાકીય કાર્યવાહી
અત્યાર સુધી આ મામલે કોઈ સત્તાવાર એફઆઈઆર (FIR) નોંધવામાં આવી નથી. પોલીસ હાલમાં વિસેરા રિપોર્ટ અને એફએસએલના આખરી અહેવાલની રાહ જોઈ રહી છે, જેમાં અંદાજે ૧૫ દિવસ જેટલો સમય લાગી શકે છે. જો રિપોર્ટમાં કોઈ પણ પ્રકારના ઝેરની હાજરી સાબિત થશે, તો પોલીસ આ કેસમાં હત્યા કે આત્મહત્યાના દુષ્પ્રેરણનો ગુનો નોંધી શકે છે. હાલમાં બંને બાળકીઓના માતા-પિતા સારવાર હેઠળ છે અને તેઓ આઘાતમાં હોવાથી વધુ પૂછપરછ થઈ શકી નથી. સત્ય શું છે તે તો લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.

