અમદાવાદના ‘રંગ મોરલા’ ગરબા કાર્યક્રમમાં બિનહિન્દુઓને બહાર જવાની જાહેરાત, VHPએ પ્રવૃત્તિને નિયમિત ગણાવી
Ahmedabad Garba Controversy: નવરાત્રિ ઉત્સવ દરમિયાન અમદાવાદમાં એક ગરબા કાર્યક્રમમાં બિનહિન્દુઓ અને મુસ્લિમોને સ્થળ છોડીને જતા રહેવા કહેવામાં આવ્યા બાદ વિવાદ ઊભો થયો હતો.
આ કાર્યક્રમ સાથે સંકળાયેલા ગુજરાતી લોકગાયક આદિત્ય ગઢવીએ આ જાહેરાતથી પોતાને અલગ કરતાં કહ્યું હતું કે આ સંદેશો તેમના તરફથી આપવામાં આવ્યો નહોતો.
સોશિયલ મીડિયા પર પ્રસારિત થયેલા વીડિયોમાં કાર્યક્રમના સંચાલક અને રેડિયો જૉકી (RJ) આકાશ ત્રિવેદી બુધવારે શહેરના શેલા રોડ પર આવેલા સવાના પાર્ટી પ્લૉટમાં યોજાયેલા ‘રંગ મોરલા’ કાર્યક્રમના મંચ પરથી બિનહિન્દુઓને બહાર જવાની વિનંતી કરતા સંભળાય છે. ગઢવી આ કાર્યક્રમમાં પ્રસ્તુતિ આપી રહ્યા હતા.
વીડિયોમાં ત્રિવેદીને એવું કહેતા સાંભળી શકાય છે કે કોઈપણ બિનહિન્દુ અને મુસ્લિમોને નમ્ર વિનંતી છે કે તેઓ મેદાનમાંથી જતા રહે. વિશ્વ હિન્દુ પરિષદ અહીં સનાતન ધર્મની રક્ષા માટે આવી છે.
તેમણે આવા લોકોની જાણ કરવા માટે એક હેલ્પલાઇન નંબરની પણ જાહેરાત કરી હતી. ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના પ્રવક્તા હિતેન્દ્ર સિંહ રાજપૂતે આ જાહેરાત અંગે કહ્યું હતું કે રાજ્યમાં ગરબા કાર્યક્રમો દરમિયાન બજરંગ દળના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવતી નિયમિત પ્રવૃત્તિનો આ એક ભાગ છે.
બજરંગ દળના કાર્યકરોની નિયમિત પ્રવૃત્તિ
તેમણે કહ્યું હતું કે સામાન્ય રીતે બજરંગ દળના કાર્યકરો અમદાવાદમાં ગરબા કાર્યક્રમોમાં જાય છે અને આયોજકોને મળીને બિનહિન્દુઓને કાર્યક્રમ સ્થળે પ્રવેશતા રોકવા માટે કહે છે.
કેટલીકવાર તેઓ કાર્યક્રમમાં ભાગ લેનારા પુરુષોના કપાળે તિલક પણ લગાવે છે અને કાર્યક્રમ સ્થળેથી શંકાસ્પદ લોકોને બહાર કાઢે છે.

