Ahmedabad Nikol Fire Incident: અમદાવાદમાં નવા વર્ષની સવારે આગનો બનાવ, નિકોલમાં ફટાકડાના સ્ટોલ બળીને ખાખ

Arati Parmar
2 Min Read
Ahmedabad Nikol Fire Incident

Ahmedabad Nikol Fire Incident: અમદાવાદમાં નવા વર્ષની સવાર એક આગની ઘટના સાથે શરૂ થઈ હતી. શહેરના નિકોલ વિસ્તારમાં ઉમા સ્કૂલ પાસે આવેલા ફટાકડાના સાત જેટલા સ્ટોલમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. ફટાકડાનો મોટો જથ્થો હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી અને ફટાકડા ફૂટવા લાગતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, ઉમા સ્કૂલ નજીક સીઝનલ માર્કેટ ઊભું કરવામાં આવ્યું હતું. અહીં કાચા મંડપ બનાવીને એક જ લાઇનમાં વિવિધ ચીજવસ્તુઓ અને ફટાકડાના સ્ટોલ તૈયાર કરાયા હતા. વહેલી સવારે એક સ્ટોલમાં લાગેલી આગે જોતજોતામાં અન્ય સ્ટોલને પણ પોતાની લપેટમાં લીધા હતા. ફૂટતા ફટાકડા રસ્તા પર અને સામે આવેલી દુકાનો તરફ જઈ રહ્યા હોવાથી આગ વધુ ફેલાવાની આશંકા હતી.

- Advertisement -

ફાયર બ્રિગેડની ટીમે સમયસર સંભાળ્યું મોરચો

ઘટનાની જાણ થતાં નિકોલ, નરોડા અને ગોમતીપુર સહિતનાં ફાયર સ્ટેશનમાંથી 10થી વધુ ફાયર ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અહેવાલ મુજબ, ફાયર બ્રિગેડનાં 12 ફાયર ટેન્કર પણ આગ ઓલવવાની કામગીરીમાં જોડાયાં હતાં. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દરમિયાન બે સ્ટોલને બચાવી લેવામાં સફળતા મળી હતી.

સદનસીબે કોઈ જાનહાનિ નહીં

આગને કારણે ફટાકડાના સ્ટોલને નુકસાન થયું છે, પરંતુ સદનસીબે કોઈ વ્યક્તિના મોત કે ઈજાના અહેવાલ નથી. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. ઘટનાનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે.

- Advertisement -
Share This Article