Amreli Lion Attack: અમરેલીમાં સિંહનો કહેર, બાળકને ફાડી ખાનાર આદમખોર સિંહણ સહિત 10 સિંહો પાંજરે પુરાયા

Arati Parmar
2 Min Read

Amreli Lion Attack: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે સર્જાયેલી એક કાળજું કંપાવી દે તેવી ઘટનાએ સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે ચકચાર મચાવી છે. માત્ર પાંચ વર્ષનો માસૂમ જીયાન દેવકુંભાઈ પોતાના દાદાની આંગળી પકડીને દૂધ આપવા જઈ રહ્યો હતો, ત્યારે અંધારાનો લાભ લઈને ત્રાટકેલી આદમખોર સિંહણ દાદાની નજર સામે જ બાળકને ખેંચી ગઈ હતી. પરિવારના સભ્યો અને ગ્રામજનોએ લાકડીઓ લઈને શોધખોળ કરતા આશરે એક કિલોમીટર દૂરથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ દુઃખદ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને લોકો વન વિભાગની કામગીરી પર બેદરકારીના આક્ષેપો કરી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના હોવાથી ગ્રામજનોમાં ફફડાટનો માહોલ છે.

વન વિભાગનું સતત ચોથા દિવસે મેગા ઓપરેશન

બાળકની કરુણ મોતની ઘટના બાદ વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી સિંહોને પકડવા માટે મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સતત ચાર દિવસથી ચાલી રહેલા આ અભિયાનમાં ટ્રેક્યુલાઇઝેશન ટીમની મદદથી વન વિભાગે કુલ 10 સિંહોને સફળતાપૂર્વક પાંજરે પૂર્યા છે. શનિવારે મોડી રાત્રે વધુ બે નર સિંહોને ટ્રેક્યુલાઇઝ કરીને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર વિસ્તારમાં સિંહોની હિલચાલ પર બાજ નજર રાખવા માટે વન વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી છે, જેથી ફરી કોઈ આવી ગોઝારી ઘટના ન બને.

- Advertisement -

આદમખોર સિંહોને આજીવન કેદ

સિંહ દ્વારા મનુષ્યો પર થતા વારંવારના હુમલાને પગલે વન વિભાગ હવે કડક વલણ અપનાવી રહ્યું છે. અગાઉ રાજુલાના કોવાયા ગામે પરપ્રાંતિય યુવક પ્રકાશ ચંદ્રના મોત બાદ જે ચાર સિંહોને પકડવામાં આવ્યા હતા, તેમની શારીરિક તપાસમાં તેઓએ ‘માનવ માંસ’ આરોગ્યું હોવાનું પુરવાર થયું હતું. આ સિંહો આદમખોર સાબિત થતાં વન વિભાગે વન્યજીવ કાયદા હેઠળ તેમને ‘આજીવન કેદ’ની સજા ફટકારી છે. હવે આ સિંહોને માનવ વસાહતથી દૂર જૂનાગઢના સક્કરબાગ ઝૂ ખાતે કાયમી ધોરણે રાખવાનો નિર્ણય લેવાયો છે. વન્યજીવોને પણ મનુષ્યની જેમ આ રીતે સજા આપવામાં આવતા આ નિર્ણય સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Share This Article