Gujarat Lakhpati Didi Scheme Success: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ છેલ્લા ૧૨ વર્ષોમાં ભારતમાં મહિલા કેન્દ્રિત વિકાસની સફરે એક નવો ઇતિહાસ રચ્યો છે. દેશની નારી શક્તિ હવે માત્ર વિકાસનો હિસ્સો નથી, પરંતુ ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવામાં સૌથી મોટું એન્જિન સાબિત થઈ રહી છે. કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારત, ઉજ્જવલા, જન ધન અને પ્રધાનમંત્રી આવાસ જેવી યોજનાઓએ મહિલાઓની સામાજિક સ્થિતિ બદલી છે. આ તમામ કલ્યાણકારી યોજનાઓ વચ્ચે ગ્રામીણ મહિલાઓની આર્થિક સ્વતંત્રતા અને આત્મનિર્ભરતા માટે શરૂ કરાયેલી ‘લખપતિ દીદી યોજના’ ગુજરાતમાં એક વ્યાપક જન-આંદોલન બનીને ઉભરી આવી છે, જેનાથી ગ્રામીણ અર્થતંત્રને નવી પાંખો મળી છે.
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ૫.૯૬ લાખ મહિલાઓને મળ્યા ઓળખપત્ર
- કૃષિ, પશુ અને બેંક સખીઓ સહિત ૧૦,૦૦૦થી વધુ બહેનોને અપાઈ ગ્રાઉન્ડ ટ્રેનિંગ
- શું છે કેન્દ્ર સરકારની આ ‘લખપતિ દીદી’ યોજના?
- નવસારીના ભાવનાબેને કેટરિંગ બિઝનેસથી ઊભી કરી ૧૦.૧૬ લાખની વાર્ષિક આવક
- ખેડાના શિલ્પાબેન નેચરલ શરબતના ગૃહઉદ્યોગથી વર્ષે ૧૦ લાખ કમાય છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ૫.૯૬ લાખ મહિલાઓને મળ્યા ઓળખપત્ર
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ માર્ગદર્શન હેઠળ ‘લખપતિ દીદી’ અભિયાન જમીની સ્તરે અત્યંત સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર યાદી અનુસાર, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની (GLPC) દ્વારા રાજ્યભરમાંથી ૧૦ લાખ સંભવિત ‘લખપતિ દીદી’ઓની વૈજ્ઞાનિક ઢબે ઓળખ કરવામાં આવી છે. આ મહત્વાકાંક્ષી લક્ષ્યાંકમાંથી અત્યાર સુધીમાં ૫.૯૬ લાખથી વધુ સક્રિય મહિલાઓને ‘લખપતિ દીદી’ તરીકેના સત્તાવાર ઓળખપત્રો પણ એનાયત કરી દેવામાં આવ્યા છે, જે રાજ્યમાં નારી સશક્તિકરણની એક મજબૂત અને જીવતી-જાગતી તસવીર રજૂ કરે છે.
કૃષિ, પશુ અને બેંક સખીઓ સહિત ૧૦,૦૦૦થી વધુ બહેનોને અપાઈ ગ્રાઉન્ડ ટ્રેનિંગ
આ સરકારી યોજનાના અમલીકરણને છેવાડાના ગામડાઓ સુધી મજબૂત અને નકાસદાર બનાવવા માટે રાજ્ય સરકારે એક મજબૂત માળખું તૈયાર કર્યું છે. આ આયોજન હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાએ કુલ ૧૨૪ માસ્ટર ટ્રેનર્સની નિમણૂક કરવામાં આવી છે, જેમને નેશનલ રિસોર્સ પર્સન્સ (NRP) દ્વારા ઉચ્ચ સ્તરીય તાલીમ આપવામાં આવી છે. આ માસ્ટર ટ્રેનર્સે અત્યાર સુધીમાં રાજ્યભરમાં ૧૦,૦૦૦થી વધુ કોમ્યુનિટી રિસોર્સ પર્સન્સ (CRPs) તૈયાર કર્યા છે. આ ગ્રાઉન્ડ ફોર્સમાં કૃષિ સખીઓ, પશુ સખીઓ અને બેંક સખીઓનો સમાવેશ થાય છે, જેઓ ગ્રામીણ બહેનોને ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડી રહી છે.
શું છે કેન્દ્ર સરકારની આ ‘લખપતિ દીદી’ યોજના?
‘લખપતિ દીદી’ એ કેન્દ્ર સરકારના દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ ચાલતો એક ક્રાંતિકારી કાર્યક્રમ છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગામડાઓમાં ચાલતા સેલ્ફ-હેલ્પ ગ્રૂપ્સ (SHGs એટલે કે સખી મંડળ) સાથે જોડાયેલી મહિલાઓને ખાસ બિઝનેસ તાલીમ, સસ્તા દરે નાણાકીય લોન અને તેમના ઉત્પાદનો વેચવા માટે બજારની આધુનિક સુવિધાઓ પૂરી પાડવાનો છે. આ મિશન હેઠળ સખી મંડળની એવી કોઈ પણ મહિલા, જે તમામ આર્થિક પ્રવૃત્તિઓ અને સરકારી સહાયની મદદથી પોતાના પરિવારની વાર્ષિક આવક રૂપિયા ૧ લાખથી વધુ લાવવામાં સફળ થાય, તેને આદરપૂર્વક ‘લખપતિ દીદી’ તરીકે ઓળખવામાં આવે છે.
નવસારીના ભાવનાબેને કેટરિંગ બિઝનેસથી ઊભી કરી ૧૦.૧૬ લાખની વાર્ષિક આવક
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના નોગામા ગામના રહેવાસી ભાવનાબેન પટેલ આ યોજનાનું એક ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી ઉદાહરણ છે. વર્ષ ૨૦૧૪થી ‘ગાયત્રી સખી મંડળ’માં જોડાયેલા ભાવનાબેને ‘મિશન મંગલમ’ની બેઠકોમાંથી પ્રેરણા મેળવીને કેન્ટીન અને કેટરિંગના વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું. આજે તેઓ નવસારી કલેક્ટર કચેરીમાં સફળતાપૂર્વક કેન્ટીન ચલાવે છે. તેમની વાર્ષિક આવકનો આંકડો હવે ૧૦.૧૬ લાખ રૂપિયા પર પહોંચી ગયો છે, જેમાં કેન્ટીનમાંથી ૨ લાખ, કેટરિંગમાંથી ૫ લાખ, ખેતીમાંથી ૧ લાખ અને અન્ય સ્ત્રોતોમાંથી ૨.૧૬ લાખ રૂપિયાનો સમાવેશ થાય છે. તેમને લેપટોપ માટે ડીઆઈસી તરફથી લોન અને આયુષ્માન કાર્ડનો લાભ પણ મળ્યો છે.
ખેડાના શિલ્પાબેન નેચરલ શરબતના ગૃહઉદ્યોગથી વર્ષે ૧૦ લાખ કમાય છે
આવો જ બીજો એક સફળ કિસ્સો ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામના શિલ્પાબેન પંડ્યાનો છે. માર્ચ ૨૦૧૦થી ‘શિલ્પા સખી મંડળ’ સાથે જોડાયેલા શિલ્પાબેન હાલમાં ક્લસ્ટર લેવલ ફેડરેશનના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. સખી મંડળમાંથી રિવોલ્વિંગ ફંડની આર્થિક સહાય મેળવ્યા બાદ અને R-SETI માંથી ફૂડ પ્રોસેસિંગની પ્રોફેશનલ તાલીમ લીધા પછી, તેમણે પંચામૃત, લીંબુ, સ્ટ્રોબેરી અને જામફળના કોઈ પણ આર્ટિફિશિયલ કલર વગરના નેચરલ શરબત બનાવવાનો ગૃહઉદ્યોગ શરૂ કર્યો હતો. આજે તેઓ ફૂડ પ્રોસેસિંગના આ સાહસથી વાર્ષિક ૧૦ લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે અને ગામની અન્ય મહિલાઓને પણ રોજગારી આપી રહ્યા છે.

