Bharuch Clerk Exam Controversy: ભરૂચમાં ક્લાર્ક ભરતી પરીક્ષામાં મોટો વિવાદ, પેપર લીકની શંકા અને ગેરરીતિના આક્ષેપથી હોબાળો

Arati Parmar
2 Min Read

Bharuch Clerk Exam Controversy: ભરૂચની એમ.કે. કોલેજ ખાતે યોજાયેલી શ્રમ સંયોજક (ક્લાર્ક) ભરતી પરીક્ષા ભારે વિવાદોમાં સપડાઈ છે. ઉમેદવારો સવારે 11 વાગ્યાથી સમયસર હાજર હોવા છતાં, તેમને બપોરે 12 વાગ્યે પ્રવેશ આપવામાં આવ્યો હતો. નિર્ધારિત સમય મુજબ બપોરે 1 વાગ્યે પરીક્ષા શરૂ થવી જોઈતી હતી, પરંતુ ઉમેદવારોને પરીક્ષા ખંડમાં બેસાડી દીધા પછી પણ બપોરે 1:48 વાગ્યા સુધી પ્રશ્નપત્રો આપવામાં આવ્યા ન હતા. આટલા લાંબા વિલંબને કારણે ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો હતો અને તેમણે પરીક્ષા સંચાલન સામે સવાલો ઉભા કર્યા હતા. વિલંબનું કારણ પૂછતા કોલેજ મેનેજમેન્ટે એવી દલીલ કરી હતી કે પ્રશ્નપત્રો CCTV કેમેરાની દેખરેખ હેઠળ સ્થળ પર જ પ્રિન્ટ કરવામાં આવી રહ્યા હતા, જેને કારણે મોડું થયું છે.

સુરક્ષા અને પારદર્શિતા સામે ગંભીર પ્રશ્નો

ઉમેદવારોએ કોલેજ પ્રશાસનની આ દલીલને ફગાવી દેતા અનેક તાર્કિક પ્રશ્નો કર્યા હતા. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જો સરકાર દ્વારા પરીક્ષા લેવાતી હોય, તો પ્રશ્નપત્રો સીલબંધ પેકેટમાં આવવા જોઈએ, તેના બદલે સ્થળ પર પ્રિન્ટ કરવાની જરૂર શા માટે પડી? આ પ્રક્રિયા પેપર લીક થવાની આશંકાને જન્મ આપે છે. વધુમાં, કોલ લેટર 102 ઉમેદવારોને આપવામાં આવ્યા હતા, જ્યારે મેનેજમેન્ટ માત્ર 57 ઉમેદવારો હાજર હોવાનું કહેતું હતું, જે ભરતી પ્રક્રિયાની પારદર્શિતા પર મોટો પ્રશ્નચિહ્ન મૂકે છે. આ સમગ્ર ઘટના દરમિયાન જવાબદાર સરકારી અધિકારીઓ પોતાની કેબિનમાંથી બહાર આવીને ઉમેદવારોના પ્રશ્નોના જવાબ આપવા પણ તૈયાર ન થયા, જેનાથી ઉમેદવારોનો ગુસ્સો વધુ ભડક્યો હતો.

- Advertisement -

પરીક્ષા રદ કરવાની માંગ અને ભવિષ્યની અનિશ્ચિતતા

આ આખા હોબાળા બાદ ઉમેદવારોએ આ પરીક્ષા રદ કરીને ફરીથી લેવા માટે લેખિત રજૂઆત કરી છે. તેમની માંગ છે કે પારદર્શિતા જાળવવા માટે રદ કરવાની સત્તાવાર જાહેરાત કોલેજની વેબસાઇટ પર કરવામાં આવે. પરીક્ષા જેવી મહત્વની ભરતી પ્રક્રિયામાં આ પ્રકારની ગેરરીતિઓ ઉમેદવારોના મહેનત અને ભવિષ્ય સાથેના ચેડાં સમાન છે. ઉમેદવારો હવે આ મામલે તટસ્થ તપાસ અને નવી પરીક્ષાની તારીખ જાહેર કરવાની માંગ પર અડગ છે. આ ઘટનાએ પરીક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ખડા કર્યા છે અને હવે સંબંધિત વિભાગ આ આક્ષેપોની તપાસ કેવી રીતે કરે છે અને શું નિર્ણય લે છે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે.

Share This Article