Bharuch Medical College Intern Doctors Protest: ભરૂચ મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે અનિશ્ચિત હડતાળ પર ઉતર્યા અને બપોર બાદ હડતાળનું સુરસુરિયું

Arati Parmar
3 Min Read

Bharuch Medical College Intern Doctors Protest: રૂ.૧૪,૮૦૦માંથી રૂ.૧૫,૩૦૦ કરાયેલા સ્ટાઇપેન્ડ સામે વિરોધ, ૧૮૦ ડૉક્ટરોની રૂ.૨૧,૮૦૦ની માંગ

By: પ્રજ્ઞેશ પાટણવાડીયા, ભરૂચ

- Advertisement -

ભરૂચ:
ભરૂચ સ્થિત ડૉ. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (KMCRI)ના ૨૦૨૧-૨૨ બેચના ઇન્ટર્ન ડોક્ટરો સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ સંકુલમાં ૧૮૦થી વધુ ઇન્ટર્ન ડોક્ટરો એકત્રિત થઈ મેનેજમેન્ટ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. હડતાળ પર ઉતરેલા ઇન્ટર્ન ડોક્ટરોના જણાવ્યા અનુસાર, અગાઉ તેમને દર મહિને રૂ.૧૪,૮૦૦ સ્ટાઇપેન્ડ આપવામાં આવતું હતું. ચાલુ વર્ષે તેમાં માત્ર રૂ.૫૦૦નો વધારો કરીને સ્ટાઇપેન્ડ રૂ.૧૫,૩૦૦ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, તેમની ફરજ અને જવાબદારીની સરખામણીએ આ વધારો ખૂબ ઓછો છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, ઇન્ટર્નશિપ શરૂ સમયે સંસ્થાના સત્તાધીશો દ્વારા સ્ટાઇપેન્ડમાં ૨૩ ટકાનો વધારો કરવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ બે મહિનાના વિલંબ બાદ માત્ર ૩ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે.

ઇન્ટર્ન ડોક્ટરોની મુખ્ય માંગ છે કે તેમને સરકારના નિયમો મુજબ રૂ.૨૧,૮૦૦ પ્રતિ મહિનો સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે. વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે, અન્ય મેડિકલ કોલેજોમાં ઇન્ટર્ન ડોક્ટરોને રૂ.૨૧ હજારથી વધુ સ્ટાઇપેન્ડ મળી રહ્યું છે, જ્યારે અહીં ઓછું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. વિરોધ કરી રહેલા ડોક્ટરોનું કહેવું છે કે, તેઓ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર, ઈમરજન્સી સેવા સહિતની જવાબદારીઓ નિભાવે છે, ત્યારે યોગ્ય સ્ટાઇપેન્ડ મળવું જોઈએ. વિદ્યાર્થીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે રજૂઆત બાદ પણ ઉકેલ ન આવતા તેમને હડતાળ કરવાની ફરજ પડી છે.

- Advertisement -

બીજી તરફ, KMCRIના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ડૉ. ગોપિકા મેખીયાએ જણાવ્યું હતું કે, ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા ૧૧ મેના રોજ સ્ટાઇપેન્ડ વધારાની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ મેનેજમેન્ટે બેઠક યોજી રૂ.૫૦૦નો વધારો મંજૂર કર્યો હતો અને સુધારેલું રૂ.૧૫,૩૦૦ સ્ટાઇપેન્ડ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરી દેવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉકેલ માટે ૧૩ જુલાઈના રોજ વડોદરા ખાતે સંસ્થાના સીએમડી સાથે બેઠક યોજવામાં આવશે. જોકે, હડતાળ શરૂ કરતા પહેલા સંસ્થાને કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નહોતી. હાલ ઇન્ટર્ન ડોક્ટરો રૂ.૨૧,૮૦૦ સ્ટાઇપેન્ડની માંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. જો વિવાદનો ઉકેલ નહીં આવે તો સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવાઓ પર તેની અસર થવાની શક્યતા નકારી શકાય નહી. સરકારના નિયમો અનુસાર મેડિકલ કોલેજ સ્ટાઈપન વધારશે કે નહી તે જોવું રહ્યું પણ હાલ તો ૧૮૦ થી વધુ ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ પર ઉતરતા દર્દીઓ અને તેમના પરિજનો ભારે અસમંજસમાં મુકાયા હતા જ્યારે કે બપોરબાદ અચાનક હડતાળ સમેટાઈ જતા લોકોમાં અચરજ ફેલાઈ હતી.

Share This Article