Cotton Kranti Yojna: ગુજરાત સરકારે ‘કપાસ ક્રાંતિ યોજના’ ના અમલીકરણ માટે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરમાં કપાસની આયાત ઘટાડવાનો અને ખેડૂતોની આવક વધારવાનો છે. વર્ષ ૨૦૨૬-૨૭ થી ૨૦૩૦-૩૧ સુધીના સમયગાળા માટે ‘મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી’ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ આધુનિક ખેતી પદ્ધતિ અપનાવવા માટે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. જો ખેડૂત ૯૦*૩૦ સેમીના અંતરે કપાસનું વાવેતર કરે તો પ્રતિ હેક્ટર ૧૪,૦૦૦ રૂપિયાની સહાય, અને જો ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ પદ્ધતિ હેઠળ તે જ અંતરે વાવેતર કરે તો ૭,૫૦૦ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. આ માટે સરકાર માન્ય બીટી કપાસના બિયારણનો ઉપયોગ કરવો અનિવાર્ય છે.
પરંતુ બીજી તરફ, કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ આ યોજના સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં કોઈ જ સ્પષ્ટતા નથી કે ખેડૂતોને બિયારણ આપવામાં આવશે કે રોકડ સહાય. તેમણે આરોપ લગાવ્યો છે કે જ્યારે ખેડૂતો ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવા જાય છે, ત્યારે વીસી (VC) તેમને જણાવે છે કે આ સહાય માત્ર ૩ ફૂટના અંતરે વાવેતર કરનારને જ મળશે. પાલ આંબલિયા મુજબ, ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો ૪ થી ૬ ફૂટના અંતરે કપાસનું વાવેતર કરે છે, ૩ ફૂટ કે તેથી ઓછા અંતરે કોઈ વાવેતર કરતું નથી. આ યોજનાને તેમણે ખેડૂતોને મૂર્ખ બનાવવાનો પ્રયાસ ગણાવ્યો છે.
પાલ આંબલિયાએ રાજ્યના કૃષિમંત્રી અને મુખ્યમંત્રીને સીધો સવાલ કર્યો છે કે જો તેમને ખરેખર ખેડૂતોનું ભલું કરવું હોય, તો તેમણે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવી જોઈએ. તેમણે માંગ કરી છે કે કપાસ પરની આયાત ડ્યુટી (Import Duty), જે હાલમાં અમેરિકા માટે ૦% છે, તેને વધારીને મૂળ ૧૨ થી ૨૦% કરી દેવી જોઈએ. પાલ આંબલિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે એક તરફ સરકાર અમેરિકામાંથી ઝીરો ડ્યુટી પર કપાસ આયાત કરવાની છૂટ આપે છે અને બીજી તરફ કપાસ ક્રાંતિના નામે ખેડૂતોને મૂર્ખ બનાવે છે. આ તેમની દોગલી નીતિ છે જેને ખેડૂતો હવે ઓળખી ગયા છે.
વધુમાં, ગુજરાતમાં વીજલાઈનની કામગીરી, નકલી બિયારણ, ખાતરની અછત અને સ્માર્ટ મીટર જેવા મુદ્દાઓને લઈને પણ ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

